શૅરબજારમાં સતત પાંચમા સત્રમાં પીછેહઠ, સેન્સેક્સે ૮૦,૦૦૦ની સપાટી માંડ ટકાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સરકારે બજેટમાં આપેલા ફટકાથી ડહોળાયેલા માનસ વચ્ચે વૈશ્ર્વિક બજારોમાં નબળા વલણ સાથે રોકાણકારોએ મેટલ, બેન્કિંગ અને ફાઇનાન્સ શેરોમાં જોરદાર વેચવાલીનો મારો ચલાવ્યો હોવાથી ઇક્વિટી બજારના બેન્ચમાર્ક શેરઆંકો સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે સતત પાંચમા સત્રમાં નેગેટિવ ઝોનમાં ગબડ્યા હતા. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સમાં વધારો થયો હોવાથી સર્જાયેલી નારાજગી ઉપરાંત વિદેશી ફંડોની ભારે વેચવાલીને કારણે પણ બજારના સેન્ટિમેન્ટને નકારાત્મક અસર થઇ હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું. જોકે, ઓઇલ, ઊર્જા અને ઓટો શેર્સમાં મજબૂત લેવાલીને કારણે સૂચકાંકોને કેટલાક નુકસાનને સરભર કરવામાં મદદ મળી હતી.
ઇન્ટ્રા-ડે ટ્રેડમાં તીવ્ર ઘટાડા પછી, ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટુબ્રો જેવા હેવીવેઇટ શેરોમાં તીવ્ર તેજીનો ટેકો મળતાં સેન્સેક્સ ૧૦૯.૦૮ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા ઘટીને ૮૦,૦૩૯.૮૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થવામાં સફળ રહ્યો હતો. દિવસ દરમિયાન તે ૬૭૧ પોઈન્ટ અથવા ૦.૮૩ ટકા ઘટીને ૭૯,૪૭૭.૮૩ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો. નિફ્ટી ૭.૪૦ પોઈન્ટ અથવા ૦.૦૩ ટકા ઘટીને ૨૪,૪૦૬.૧૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો છે. ઈન્ટ્રા-ડેમાં તે ૨૦૨.૭ પોઈન્ટ અથવા ૦.૮૩ ટકા ઘટીને ૨૪,૨૧૦.૮૦ પોઇન્ટ સુધી નીચે પટકાયો હતો. પાંચ દિવસમાં, સેન્સેક્સ ૧,૩૦૩.૬૬ પોઈન્ટ અથવા ૧.૬૦ ટકા તૂટ્યો છે, જ્યારે નિફ્ટી ૩૯૪.૭૫ પોઈન્ટ અથવા ૧.૫૯ ટકા ઘટ્યો છે.
ટાટા મોટર્સ લગભગ ૬ ટકા ઊછળ્યો હતો. જૂન ક્વાર્ટરમાં કંપનીએ ટેક્સ પછીના કોન્સોલિડેટેડ પ્રોફિટમાં ૧૨ ટકાનો વધારો નોંધાવ્યા બાદ લાર્સન એન્ડ ટુબ્રોના શેર લગભગ ત્રણ ટકા વધીને બંધ થયા હતા. સેન્સેક્સ પેકમાંથી, એક્સિસ બેંકે ૫ાંચ ટકાથી વધુ ઘટાડો નોંધાવ્યો હતા,ે કારણ કે કંપનીની જૂન ક્વાર્ટરની કમાણી રોકાણકારોને ખુશ કરવામાં નિષ્ફળ રહી હતી. અન્ય ટોપ લૂઝર્સ શેરોમાં નેસ્લે, ટાઈટન, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ હતો. જ્યારે સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ અને પાવર ગ્રીડ સુધારા સાથે સૌથી વધુ વધનાર શેરોમાં સામેલ હતો.
મૂડીબજારમાં હલચલ ચાલુ રહી છે. મેઇનબોર્ડ સેગમેન્ટમાં અકુમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ રૂ. ૧૮૫૭ કરોડના આઇપીઓ સાથે ૩૦મી જુલાઇએ મૂડી બજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૬૪૬થી રૂ. ૬૭૯ પ્રતિ શેર નક્કી થઇ છે. ભરણાંમાં રૂ. ૧૧૭૭ કરોડના ઓએફએસનો સમાવેશ છે. મિનિમમ બિડ લોટ બાવીલ શેરનો છે.
નેસ્લે ઇન્ડિયાનો નફો જૂન કવાર્ટરમાં સાત ટકા વધીને રૂ. ૭૪૬.૬ કરોડ અને વેચાણ ૩.૭૫ ટકા વધીને રૂ. ૪૭૯૨.૯૭ કરોડ નોંધાયું હતૂું. પુનાવાલા ફિનકોર્પની એયુએમ ક્વાર્ટર ટુ ક્વાર્ટર ધોરણે આઠ ટકા વધીને રૂ. ૨૬૯૭૨ કરોડની સપાટીએ, જ્યારે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૪૨ ટકા વધીને રૂ. ૨૯૨ કરોડ નોંધાયો છે.
પ્રાઇમરી માર્કેટમાં એસએમઇ સેગમેન્ટમાં નોન-ફેરસ મેટલ રિસાયક્લિંગ સેક્ટરમાં અગ્રણી કંપની રાજપુતાના ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જાહેર ભરણાં સાથે મૂડી બજારમાં ૩૦ જુલાઈએ પ્રવેશ કરશે. ઈશ્યુનું કદ રૂ. ૨૩.૮૮ કરોડનું છે અને પ્રાઇસ બેન્ડ રૂ. ૩૬ થી રૂ. ૩૮ પ્રતિ શેર નક્કી થઈ છે. મીનીમમ લોટ સાઈઝ ૩,૦૦૦ ઈક્વિટી શેરની છે. શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. કંપની કોપર, એલ્યુમિનિયમ, બ્રાસ અને એલોયમાંથી બનેલા ઉત્પાદનો તૈયાર કરે છે.
બેન્કિંગ, આઇટી, મેટલ્સ અને રિયલ્ટી શેરોમાં પ્રોફિટ બુકિંગને કારણે યુએસ ઇક્વિટીમાં રાતોરાત મંદી હાવી થઇ હોવાથી સત્રના પ્રારંભિક તબક્કામાં સ્થાનિક બજારોમાં મોટી મંદી આવી હતી. જોકે, ઓઇલ અને ગેસ, તથા ઓટોમોબાઇલ શેરોના ટેકોથી મોટાભાગની ખોટ અંતે ભરપાઈ થઇ ગઇ હતી અને સેન્સેક્સ ૮૦,૦૦૦ના નિર્ણાયક સ્તરથી ઉપર આવી શક્યો હતો. વિશ્ર્લેષકોના મતાનુસાર બજારના ઊંચા વેલુયેશન છતાં નીચી સપાટી બાદનો આ સુધારો દર્શાવે છે કે રોકાણકારો વધતી ચિંતાઓ છતાં સારા ફંડામેન્ટલ સેક્ટરલ શેરો પર દાવ લગાવવા તૈયાર છે.
બ્રોડર માર્કેટમાં, બીએસઇ મિડકેપ ઇન્ડેકસ ૦.૨૨ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૧૪ ટકા ઘટ્યો હતો. સેકટરલ ઇન્ડેક્સમાં મેટલ ઇન્ડેક્સ ૧.૧૯ ટકા, બેન્કેક્સ (૧.૧૦ ટકા), રિયલ્ટી (૦.૮૦ ટકા), ટેલિકોમ્યુનિકેશન (૦.૬૫ ટકા) અને ફાઇનાન્શિયલ સર્વિસ (૦.૬૦ ટકા) ઘટ્યા હતા. બીજી તરફ એનર્જી, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રીયલ, યુટિલિટીઝ, ઓટો અને ઓઈલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં સુધારો
થયો હતો.
વોલ સ્ટ્રીટ પર બુધવાર રાત્રે ટેકનોલોજી શેરોની ભરપૂર વેચવાલી પછી વૈશ્ર્વિક શેરો ગુરૂવારે ગબડ્યા હતા. એશિયન બજારોમાં સિઓલ, ટોક્યિો, શાંઘાઈ અને હોંગકોંગ નેગેટિવ જોનમાં ગબડ્યાં હતાં. મધ્ય સત્રના સોદામાં યુરોપિયન બજારો નકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે યુએસ બજારો નોંધપાત્ર રીતે નીચા સ્તરે બંધ
રહ્યા હતા.