શૅરબજારમાં રીબાઉન્ડ: બે દિવસની પીછેહઠ બાદ આઇટી શૅરોને આધારે સેન્સેક્સમાં ૧૫૦ પોઇન્ટનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના શેરબજારોમાં ઉછાળા વચ્ચે સ્થાનિક સ્તરે આઇટી શેરોમાં આવેલી તેજીને પગલે બેન્ચમાર્ક સેન્સેક્સ બે સત્રની પીછેહઠ બાદ બુધવારે ૧૫૦ પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો. નોંધવું રહ્યું કે આ ઈક્વિટી બેન્ચમાર્ક મંગળવારે લગભગ ૭૦૦ પોઈન્ટ ગગડીને ૭૯,૦૦૦ના સ્તરની નીચે સરકી ગયો હતો. બુધવારે સેન્સેક્સ ૧૪૯.૮૫ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા વધીને ૭૯,૧૦૫.૮૮ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી સાધારણ ૪.૭૫ પોઈન્ટ અથવા ૦.૦૨ ટકા વધીને ૨૪,૧૪૩.૭૫ પર બંધ થયો હતો. ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ સહિતના શેર સેન્સેક્સના ટોપ ગોઇનર્સમાં સામેલ હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ અને બજાજ ફિનસર્વ ટોપ લૂઝર્સમાં સામેલ હતા. કોર્પોરેટ પરિણામોમાં નોન વોવન ફેબ્રિક્સની ઉત્પાદક અને ૧૦૦ ટકા નિકાસલક્ષી એકમ ફાઈબરવેબ (ઈન્ડિયા) લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં રૂ. ૨૫.૫૬ કરોડની કુલ આવક, વાર્ષિક ધોરણે ૧૦૬.૧૨ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૪.૯૬ કરોડનું એબિટા; ૨૧૦.૭૮ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨.૯૦ કરોડનો ચોખ્ખો નફો, ૧૧૩૮ બીપીએસના વધારા સાથે ૧૯.૪૧ ટકાનું એબિટા માર્જિન, ૮૨૩ બીપીએસની વૃદ્ધિ સાથે ૧૧.૩૪ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે. એસએમઇ ક્ષેત્રે સારી હલચલ રહી છે. ક્રિએટિવ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (વીએફએક્સ) સ્ટુડિયો, ફેન્ટમ ડિજિટલ ઇફેક્ટ્સ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં વાર્ષિક ધોરણે ૧૨.૮૦ ટકાની વૃદ્ધિ સાથ રૂ. ૨૬.૭૯ કરોડની કુલ આવક, ૨૦.૩૨ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૦.૯૯ કરોડનું એબિટા; ૨.૫૭ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૬.૨૧ કરોડનો ચોખ્ખો નફો, ૨૫૬ બીપીએસની વૃદ્ધિ સાથે ૪૧.૦૨ ટકાનું એબિટા માર્જિન, ૮૨૩ બીપીએસની વૃદ્ધિ સાથે ૧૧.૩૪ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે. કંપની પરિણામ એકંદર સારા રહ્યાં છે. સંગઠિત ક્ષેત્ર માટે ટેકનિકલ સ્ટાફિંગ સોલ્યુશન્સમાં સ્પેશિયલાઇઝડ કંપનીઓમાંની એક એએનઆઇ ઇન્ટિગ્રેટેડ સર્વિસિસ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં વાર્ષિક ૨૮.૭૬ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૫૩.૦૬ કરોડની કુલ આવક, વાર્ષિક ૧૦૧.૪૯ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨.૮૮ કરોડનું એબિટા; ૧૫૨.૩૯ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧.૬૮ કરોડનો ચોખ્ખો નફો, ૧૯૬ બીપીએસના વધારા સાથે ૫.૪૨ ટકાનું એબિટા માર્જિન, ૧૫૨.૩૯ બીપીએસની વૃદ્ધિ સાથે ૧.૬૮ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે.
અન્ય કોર્પોરેટ હલચલમાં ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કે પોતાનું નેટવર્ક વિસ્તારવા માટે મુંબઇમાં વધુ એક આઉટલેટ શરૂ કર્યું છે અને આ સાથે તેના બેન્કિંગ આઉટલેટની સંખ્યા મહારાષ્ટ્રમાં ૭૬ સુધી પહોંચી છે, જ્યારે દેશભરમાં ૯૩૧ આઉટલેટ છે. એ જ રીતે, સીએસઆર અને ૫૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે અપ્સરા આઇસક્રીમે નવ રાજ્યો અને ૨૫ શહેરોને આવરી લઇ ૫૩,૦૦૦ આઇસક્રીમ વિવિધ એનજીઓ, અનાથ આશ્રમો, વૃદ્ધાશ્રમો તથા સરકારી અને અર્ધ સરકારી સંગઠનોમાં વિતરીત કરવાનું જાહેર કર્યું છે. ક્ધસ્ટ્રકશન સોલ્યુશન પ્રોવાઇડર ઇન્ટરઆર્ચ બિલ્િંડંગ પ્રોડક્ટ્સ લિમિટેડનો આઇપીઓ સાથે ૧૯મી ઓગસ્ટે મૂડીબજારમાં પ્રવેશ કરશે અને જાહેર ભરણું ૨૧ ઓગસ્ટે બંધ થશે. અંદાજે રૂ. ૬૦૦ કરોડના આ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ રૂ. ૮૫૦થી રૂ. ૯૦૦ નક્કી થઇ છે. મિનિમમ લોટ ૧૬ શેરનો છે અને તે એનએસઇ અને બીએસઇ પર લિસ્ટેડ થશે. સુપ્રીમ કોર્ટે તેના ૨૫ જુલાઈના ચુકાદાની સંભવિત અસર માટેની કેન્દ્રની અરજીને નકારી કાઢ્યા પછી માઇનિંગ શેરોમાં વેચવાલી અને ઘટાડો જોવા મળ્યો. ચૂકાદામાં ખનિજ અધિકારો અને ખનિજ ધરાવનારી જમીન પર કર વસૂલવાની રાજ્યોની સત્તાને સમર્થન અપાયુું હતું. એશિયન બજારોમાં, સિઓલ અને ટોકિયો ઊંચા મથાળે સ્થિર થયા હતા, જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ નીચી સપાટીએ ગબડ્યા હતા. યુરોપિયન બજારો સકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે યુએસ બજારો નોંધપાત્ર ઊંચા સ્તરે બંધ થયા હતા.
યુએસના પીપીઆઇ (પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેકસ) ડેટા ફુગાવામાં નરમાઈનો સંકેત આપે છે, અને આ ઘટતા વલણની પુષ્ટિ સીપીઆઇ ડેટા પરથી થવાની શક્યતા છે. આ પ્રકારની સંભાવના જોતા ફેડરલ રિઝર્વ પણ સપ્ટેમ્બરમાં રેટ કટની જાહેરાત કરશે એવી અટકળોએ યુએસ માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૨,૧૦૭.૧૭ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી, એક્સચેન્જ ડેટા અનુસાર, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૧,૨૩૯.૯૬ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૯ ટકા વધીને ૮૧.૧૭ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. મંગળવારે સેન્સેક્સ ૬૯૨.૮૯ પોઈન્ટ અથવા ૦.૮૭ ટકા ઘટીને ૭૮,૯૫૬.૦૩ પર સેટલ થયો હતો. એનએસઈ નિફ્ટી ૨૦૮ પોઈન્ટ અથવા ૦.૮૫ ટકા ઘટીને ૨૪,૧૩૯ પર આવી ગયો હતો.