શેરબજારમાં ૧૫૦૦ નો ભયાનક કડાકો…

નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ અણધારી જાહેરાત કરશે એવી ભીતિ સહિતના કારણો વચ્ચે શેરબજારમાં ૧૫૦૦ પોઇન્ટનો જોરદાર કડાકો બોલાઈ ગયો છે અને આ લખાઈ રહ્યું છે ત્યારે બેન્ચમાર્ક ૭૬૦૦૦ની સપાટીની ઉપર નીચે અથડાઈ રહ્યું છે.
બજારની શરૂઆત જ ૫૦૦ પોઇન્ટના કડાકા સાથે થઈ હતી. નિફ્ટીએ પણ ઘણા મહત્વના લેવલ ગુમાવ્યા છે. આજે અફડાતફડી રહેવાની ધારણા પહેલેથી હતી, પરંતુ આટલા મોટા કડાકા અને ધોવાણ નો અંદેશો નહોતો. એશીયાઇ બજારોમાં સુધારો હોવા છતાં સ્થાનિક બજારમાં વિવિધ પરિબળોને કારણે આ કડાકો નોંધાયો હોવાનું બજારના સાધનો જણાવે છે. ટ્રમ્પ બીજી એપ્રિલના રોજ રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરશે ત્યારે તેની સંભવિત અસરોની બજારના માનસ પર અસર પડી છે.
બપોરના એકના ટકોરે બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ મૂડી ₹1.25 લાખ કરોડ ઘટીને ₹411.62 લાખ કરોડ થઈ હતી. ટ્રમ્પના ટેરિફ પ્લાનને લઈને વૈશ્વિક ઇકવિટી માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પ દ્વારા “લિબરેશન ડે” તરીકે ઓળખાવવામાં આવેલા બીજી એપ્રિલના દિવસ પહેલા રોકાણકારો બેચેન બની ગયા છે. પરિણામે ખાસ કરીને આઈટી શેરો દબાણ હેઠળ આવી ગયા હોવાથી સેન્સેકસ અને નિફ્ટી ને ફટકો પડ્યો છે.
આઇટી કંપનીઓ અમેરિકન માર્કેટ પર ખૂબ જ નિર્ભર છે, નબળી માંગની ચિંતાને કારણે તેના ઇન્ડેક્સ 1.8% ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં આ સેક્ટરમાં પહેલેથી જ 15 ટકાનો કડાકો નોંધાયો છે નિફ્ટી 50 ઇન્ડેક્સ પર આ સેકટરનું વેઇટેજ નોંધપાત્ર છે. ક્રૂડ ઓઇલના ભાવ પાંચ સપ્તાહની ટોચની નજીક છે. ક્રૂડ ઓઈલના ભાવ પાંચ સપ્તાહના ઉચ્ચ સ્તરની નજીક રહ્યા છે, જેના કારણે ફુગાવાની ચિંતા વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ $74.67 આસપાસ હતો, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (ડબલ્યુ ટી આઇ) $71.37 પર ટ્રેડ થયો હતો.
ક્રૂડ ઓઈલની વધતી કિંમતો ભારતની રાજકોષીય ખાધને તાણ આપી શકે છે અને કોર્પોરેટ નફાના માર્જિનને અસર કરી શકે છે. બજારના સાધનો એમ પણ માને છે કે મજબૂત તેજી પછી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. છેલ્લાં આઠ સત્રોમાં નિફ્ટી અને સેન્સેક્સ લગભગ 5.4% વધ્યા છે, જે વર્ષ માટે સકારાત્મક છે. જો કે, રોકાણકારો હવે તાજેતરની તેજીને પગલે નફો બુક કરી રહ્યા છે, જેના કારણે બજાર પુલબેક તરફ દોરાય જાય છે. વેલ્યુએશનમાં ઝડપી ઉછાળાએ કેટલાક ટ્રેડર્સને પણ સાવચેત કર્યા છે, જેના કારણે હેવીવેઈટ શેરોમાં વેચવાલી શરૂ થઈ ગઈ છે.
બજારની હલચલમાં સરકારે રૂ. 36,950 કરોડ લેણાંને ઈક્વિટીમાં કન્વર્ટ કર્યા અને હિસ્સો વધીને 48.99% સુધી પહોંચ્યો હોવાની ચર્ચાએ વોડાફોન આઈડિયાના શેર 10% અપર સર્કિટને અથડાયો છે. સંરક્ષણ મંત્રાલય સાથે રૂ. 62,700 કરોડના સોદા બાદ એચએએલના શેરમાં 7%થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્ટ્રલ રેલ્વે સાથે રૂ. 762 કરોડનો સોદો થયો હોવાની ચર્ચાએ એચબીએલ એન્જિનિયરિંગનો શેર 9% વધ્યો હતો.
આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ રૂ. ૩૪૯૮ કરોડમાં તેની સેંચૂરી પલ્પ એન્ડ પેપર આઈતિસી ને વેચી રહી હોવાની ચર્ચા હતી. જોકે હજુ વિવિધ ઓથોરિટી પાસેથી મંજૂરી મળવી બાકી છે.
આપણ વાંચો : આ વર્ષે ચાંદીવાળાની ચાંદી ચાંદી થઈ ગઈઃ શેરના પ્રમાણમાં આટલું વળતર વધુ મળ્યું