શેરબજારમાં અફડાતફડીના દોર વચ્ચે નિફ્ટી 22,050ની નીચે જઈ પાછો ફર્યો

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે ઇલેક્શનની જાહેરાતને પગલે સાવચેતીના માહોલ વચ્ચે ઉથલપાથલ અને અફડાતફડીનો દોર તીવ્ર બન્યો છે. સ્ટાર દરમિયાન એન.એસ.ઈ.નો બેન્ચમાર્ક નિફ્ટી 22,050ની નીચે જઈ પાછો ફર્યો છે, જોકે હાલ ઉછાળે વેચવાલીનો તાલ પણ જોવા મળે છે, એટલે ચોક્કસ ટ્રેન્ડ પકડાતો નથી.
પ્રારંભિક સત્રમાં ભારતીય ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે ફ્લેટ ટ્રેડિંગ સાથે શરૂઆત કરી હતી, કારણ કે રોકાણકારો ઊંચા સ્તરે સાવચેત વલણ અપનાવી રહ્યા હતા. જોકે પાછળથી પસંદગીના શેરમાં નીચા મથાળે લેવાલી પણ જોવા મળી હતી.
આ તબક્કે M&M, RIL, TCS ટોપ ગેઇનર રહ્યા હતા, જ્યારે ખાનગી બેન્કો અને ઇન્ફોસિસના શેરમાં નોંધપાત્ર વેચવાલી અને પીછેહટ જોવા મળી હતી. સેબીની ચેતવણી અને ફન્ડોની સ્ટ્રેસ ટેસ્ટ બાદ રેડેમ્પશનના દબાણને કારણે નાના શેરોમાં વેચવાલી વધતી રહી હોવાથી, મિડ અને સ્મોલકેપ સૂચકાંકોમાં પણ નિરાશાજનક વલણ જોવા મળ્યું છે.
સાર્વત્રિક વેચવાલીના માહોલમાં સેક્ટરલ ધોરણે માત્ર પીએસયુ બેંકો, મીડિયા અને ઓટોએ આગેકૂચ સાથે ઊંચા મથાળે વેપાર કર્યા હતા, બાકીના તમામ શેરાંકોમાં પ્રોફીટ બુકિંગ હોવા મળ્યું હતું. બજારના સાધનો અનુસાર બુધવાર, 20મી માર્ચના રોજ ફેડરલ રિઝર્વના નિર્ણય સાથે, બજારની અસ્થિરતા વધુ તીવ્ર થવાની ધારણા છે. રોકાણકારોનું ધ્યાન આગામી લોકસભાની ચૂંટણીઓ તરફ પણ જઈ રહ્યું છે, જે 19 એપ્રિલે શરૂ થશે અને 4 જૂને પૂર્ણ થશે.
SEBI દ્વારા બજારના એકથી વધુ સેગમેન્ટ અંગે જાહેર કરાયેલી આશંકા, મ્યુચ્યુઅલ ફંડ્સના તણાવ પરીક્ષણના પરિણામો, ફરજિયાત રેડેમ્પશન જેવા પરિબળો સંભવતઃ બજાર પર દબાણ લાવી શકે છે.
અગ્રણી ટેકનિકલ એનાલિસ્ટ કહે છે કે, નિફ્ટી માટે 21530 પર મુખ્ય સપોર્ટ સાથે, ઇન્ટ્રાડે સપોર્ટ 21861 પર છે. જ્યારે તાત્કાલિક પ્રતિકાર 22250 પોઇન્ટની સપાટી પર છે. પ્રવર્તમાન અનિશ્ચિતતાઓ વચ્ચે સાવચેત રહેવું આવશ્યક છે.