નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારે સત્રની શરૂઆત જોરદાર થઈ હતી પરંતુ એચડીએફસી અને ઝી એન્ટ.ની આગેવાની હેઠળ જોરદાર વેચવાલી શરૂ થતાં સેન્સેકસ સત્રની ઊંચી સપાટી સામે ૧૪૦૦ પોઇન્ટ નીચે પટકાઈ ગયો હતો અને નિફ્ટી પણ ૨૧,૪૦૦ની નીચે સરકી ગયો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસમાં લગભગ ૮૦૦ પોઈન્ટનો કડાકો પડ્યો છે અને તે ૭૦,૭૦૦ની સપાટી ગુમાવી ચુક્યો છે.
એચડીએફસીમાં તેના પરિણામની જાહેરાતથી ગબડી રહ્યો છે, જ્યારે ઝીલમાં સોનીએ છેડો ફાડી નાખ્યો હોવાથી ૨૭ ટકા સુધીનો કડાકો હતો. સેન્સેકસ ખુલતા સત્રમાં ૬૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૨,૦૦૦ની સપાટી પાર કરી ગયો હતો. જોકે આ લખાઈ રહ્યું છે ત્યારે બેન્ચમાર્ક નેગેટિવ અને પોઝિટિવ ઝોન વચ્ચે અથડાઈ રહ્યો છે.
દરમિયાન ખુલતા સત્રમાં એક નવો વિક્રમ પણ સર્જાયો હતો. ભારતીય શેરબજારે હોંગકોંગને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટા સ્ટોક માર્કેટનું સ્થાન મેળવી લીધું હતું. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મંગળવારના રોજ ભારતીય સ્ટોકનું માર્કેટ કેપિટલ હોંગકોંગના 4.29 ટ્રિલિયન ડોલરના સામે 4.33 ડોલર હતું.
ભારતીય શેરબજારનું માર્કેટ કેપિટલ પાંચમી ડિસેમ્બરના રોજ પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું, જેમાં લગભગ અડધું છેલ્લા ચાર વર્ષમાં આવ્યું હતું. નોંધવુ રહ્યું કે ભારતમાં ઈક્વિટીઝ ઝડપથી વધવાનું કારણ ઝડપથી વધી રહેલા રિટેલ રોકાણકારોના આધાર અને મજબૂત કોર્પોરેટ કમાણી છે.
ભારતે ચીનના ઓપ્શન તરીકે પોતાની જાતને સ્થાપિત કર્યો છે. ભારતીય માર્કેટ હવે ગ્લોબલ રોકાણકારો અને કંપનીઓ તરફથી નવી મૂડી આકર્ષિત કરી રહ્યું છે.
હાલના સમયમાં અમેરિકા વિશ્વનું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે. હાલ હોંગકોંગમાં નવી લિસ્ટિંગ થઈ રહી નથી. આ આઈપીઓ હબ વિશ્વના સૌથી વ્યસ્ત સ્થળોમાંથી તેનું સ્થાન ગુમાવી રહ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને