શું આખલો પોરો ખાય છે? વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે શેરબજાર નેગેટિવ ઝોનમાં!
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એકધારી તેજી સાથે નવી લાઇફ ટાઇમ ઊંચી સપાટીને આંબી ગયા બાદ સેન્સેક્સ અને નિફ્ટી સોમવારે વિશ્વના નબળા સંકેત સાથે અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય અગાઉની ચિંતા વચ્ચે નેગેટીવ ઝોનમાં સરી ગયા હતા. એકંદર વૈશ્વિક ઇક્વિટી બજારમાં સાવચેતીનું માનસ હતું, રોકાણકારોની ચીનની આર્થિક પરિસ્થિતિ પર ચાંપતી નજર છે અને યુએસ ફેડરલ રિઝર્વ ઉપરાંત અન્ય મુખ્ય કેન્દ્રીય બેંકોના નીતિ નિર્ણયોની પણ આતુરતાથી પ્રતીક્ષા સેવાઇ રહી છે.
નિફ્ટી ૫૦ સત્રને અંતે ૫૯.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૨૯ ટકાના ઘટાડા સાથે ૨૦,૧૩૩.૩૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ ૨૪૧.૭૯ પોઇન્ટ અથવા તો ૦.૩૬ ટકાના ઘટાડા સાથે ૬૭,૫૯૬.૮૪ પોઈન્ટ પર બંધ થયો હતો. સત્ર દરમિયાન ૩૦૫.૮૦ પોઇન્ટ અથવા તો ૦.૪૫ ટકાના ઘટાડા સાથે ૬૭,૫૩૨.૮૩ પોઈન્ટની સપાટીને અથડાયો હતો.
વૈશ્વિક મોરચે બજારમાં એવી અપેક્ષા ચર્ચાઇ રહી હતી કે યુએસ ફેડરલ રિઝર્વ તેની આગામી મીટિંગ દરમિયાન તેના વર્તમાન વ્યાજ દરો જાળવી રાખશે. બજારના અભ્યાસુઓ ફેડરલ દ્વારા વ્યાજ દરની ભાવિ દિશા વિશેના કોઈપણ સંકેતો પર ઝીણી નજર રાખશે. સેકટરોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ, નિફ્ટી મીડિયા, નિફ્ટી આઇટી, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ, નિફ્ટી ફાર્મા, નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી પ્રાઇવેટ બેન્કોએ તમામ ૦.૪૫ ટકાથી લગભગ બે ટકા સુધીનો ઘટાડો નોંધાવ્યો હતો. મિડ-કેપ ઇન્ડેક્સ ૦.૩૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સ્મોલ-કેપ ઇન્ડેક્સ ૦.૪૧ ટકા ઘટ્યો હતો.
સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૩.૦૧ ટકા, ટાઈટન કંપની ૨.૭૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૬૫ ટકા, એનટીપીસી ૨.૦૭ ટકા અને બજાજ ફિનસર્વ ૧.૩૫ ટકા વધ્યા હતા, જ્યારે એચડીએફસી બેન્ક ૧.૯૮ ટકા, ભારતી એરટેલ ૧.૭૧ ટકા, ઈન્ફોસિસ ૧.૪૦ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૩૬ ટકા અને ટાટા સ્ટીલ ૧.૨૧ ટકા ઘટ્યા હતા.
એકંદર વેચવાલીના માહોલ વચ્ચે પીએસયુ બેન્ક શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સની ૧૧ બેન્કોમાંથી ૧૦ બેન્ક સોમવારે તેમની બાવન સપ્તાહની ટોચે પહોંચી હતી. નોંધનીય રીતે, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, અને પંજાબ એન્ડ સિંધ બેંક સત્ર દરમિયાન ૨૦ ટકાનો ઇન્ટ્રાડે ઉછાળો નોંધાવી તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ૧૯ ટકાનો ઉછાળો, જ્યારે મહારાષ્ટ્ર બેંકમાં ૧૪ ટકાનો ઉછાળો નોંધાયો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં પણ બે ટકાનો વધારો જોવા મળ્યો છે.
આઈપીઓ ઈન્ડેક્સ ૦.૭૦ ટકા ઘટ્યો હતો જ્યુપીટર લાઇફ લાઇન હોસ્પિટલ તેના રૂ. ૭૩૫ના ઇશ્યુ ભાવ સામે ૩૦.૬૧ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૯૬૦ના ભાવે લિસ્ટેડ થયા બાદ રૂ. ૧૦૨૮.૩૦ સુધી ઊછળ્યો હતો. જેએસડબલ્યુ ઇન્ફ્રા રૂ. ૨૮૦૦ કરોડના આઇપીઓ સાથે ૨૫મીએ મૂડીબજારમાં આવી રહી છે. તેની પ્રાઇસ બેન્ડ રૂ. ૧૧૩થી રૂ. ૧૧૯ નક્કી થઇ છે. મિનિમમ બિડ લોટ ૧૨૬ શેરનો છે અને ભરણું ૨૭મીએ બંધ થશે. એનએસઇ ઇમર્જ્ર પ્લેટફોર્મ પર ગોયલ સોલ્ટ લિમિટેડ રૂ. ૧૮.૬૩ કરોડના જાહેર ભરણા સાથે ૨૬મીએ પ્રવેશ કરી રહી છે અને ૨૯મીએ બંધ થઇ રહેલા આ એસએમઇ ભરણા માટે રૂ. ૧૮થી રૂ ૩૬ની પ્રાઇસ બેન્ડ નક્કી થઇ છે. મિનિમમ લોટ સાઇઝ ૩૦૦૦ શેરની છે.
એસએમઈ આઈપીઓ ૦.૩૦ વધ્યો હતો.
સત્ર દરમિયાન બજારનો અંડરટોન નરમ રહ્યો હતો. બીએસઈ પર ટ્રેડિંગ દિવસના અંત સુધીમાં ૨,૧૦૩ ઘટતા શેરોની સરખામણીમાં ૧,૬૬૯ આગળ વધતા શેરો હતા, જેમાં કુલ ૩,૯૪૬ શેરોનો વેપાર થયો હતો. તેમાંથી, ૨૩૪ શેરો તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા, જ્યારે ૨૬ તેમના બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. વધુમાં, ૩૭૪ શેરો તેમની ઉપલી સર્કિટની મર્યાદા સુધી પહોંચી ગયા હતા, જ્યારે ૨૩૭ તેમની નીચલી સર્કિટની મર્યાદા સુધી પહોંચી ગયા હતા.
એશિયાઇ બજારોમાં સિઓલ અને હોંગકોંગ એક્સચેન્જ નેગેટીવ ઝોનમાં સરક્યા હતા જ્યારે શાંઘાઇ એક્સચેન્જમાં સુધારો જોવા મળ્યો હતો. યુરોપના બજારોમાં ખૂલતા સત્રમાં નરમાઇ જોવા મળી હતી. એ નોંધવું રહ્યું કે શુક્રવારે અમેરિકાના શેરબજારોમાં મંદી રહી હતી. એફઆઇઆઇએ પાછલા સત્રમાં રૂ. ૧૬૪.૪૨ કરોડની લેવાલી નોંધાવી હતી.