શેર બજાર

Stock Market : કુંભમેળાના સમયગાળામાં કેમ પછડાય છે શેરબજાર, છેલ્લા 20 વર્ષમાં સરેરાશ 3.42 ટકાનો ઘટાડો

નવી દિલ્હી : દેશમાં આસ્થાના પ્રતિક એવા મહાકુંભ મેળાનો પ્રયાગરાજમાં આજથી પ્રારંભ થયો છે. જેમાં આ વર્ષે 40 કરોડથી વધુ લોકો મહાકુંભની મુલાકાત લે તેવી શક્યતા છે. જોકે, કુંભ મેળો અને શેરબજારના સેન્સેક્સ(Stock Market)પરસ્પર સંકળાયેલા હોવાના અહેવાલો પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં આ અંગેની રસપ્રદ બાબત એ છે કે છેલ્લા 20 વર્ષોમાં જ્યારે પણ કુંભ મેળાનું આયોજન થયું છે. ત્યારે શેરબજારની સ્થિતિ ડામાડોળ થઈ છે. નિષ્ણાતો કહે છે કે છેલ્લા બે દાયકામાં કુંભ મેળા દરમિયાન સેન્સેક્સમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: મુંબઈ શેરબજારમાં ઈન્ટ્રા ડેમાં કેમ બોલાયો કડાકો, જાણી લો ફટાફટ કારણો?

આ અંગે બજાર નિષ્ણાતોના મતે છેલ્લા 20 વર્ષમાં 6 વખત કુંભમેળાનું આયોજન થયું છે. આ સમયગાળા દરમ્યાન શેરબજારમાં સરેરાશ 3.42 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમજ 45 થી 52 દિવસ સુધી ચાલતા કુંભમેળાના સમયગાળામાં સેન્સેક્સ હંમેશા નકારાત્મક રહ્યું છે.

વર્ષ 2015 માં કુંભ મેળા સેન્સેક્સમાં મોટો ઘટાડો

જેમાં મળતી માહિતી મુજબ વર્ષ 2021 માં, કુંભ મેળાનું આયોજન 1 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું હતું. 18 દિવસના આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 4 .16 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે સેન્સેક્સમાં સૌથી મોટો ઘટાડો વર્ષ 2015 માં કુંભ મેળા દરમિયાન જોવા મળ્યો હતો. જેમાં 14 જુલાઈથી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ મેળામાં 8.29 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 5 એપ્રિલથી 4 મે, 2004 દરમિયાન યોજાયેલા કુંભ મેળા દરમિયાન સેન્સેક્સ 3.29 ટકા ઘટ્યો હતો.

આ પણ વાંચો: 698 કરોડનો Laxmi Dental નો આઇપીઓ આવી ગયો, તમે રોકાણ કર્યું કે નહીં!

આ અંગે નિષ્ણાતો જણાવે છે કે, કુંભ દરમિયાન સેન્સેક્સમાં ઘટાડો જોવા મળે છે. પરંતુ તેની બાદ બજારમાં તેજી જોવા મળે છે. કુંભ સમાપ્ત થયાના છ મહિના પછી સેન્સેક્સે છ માંથી પાંચ વાર સારું વળતર આપ્યું છે. જેમાં સરેરાશ 8 ટકા સુધીનો વધારો થયો છે.

કુંભ દરમિયાન બદલાતી પેટર્ન

કુંભ દરમિયાન બદલાતી પેટર્ન અંગે નિષ્ણાતો જણાવે છે કે, આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘણા દિવસો સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. જ્યારે કેટલીક વસ્તુઓનો વપરાશ વધે છે જ્યારે અનેક વસ્તુઓનો વપરાશ ઘટે છે. તેમજ કેટલાક ક્ષેત્રો એવા છે જ્યાં આર્થિક પ્રવૃત્તિ કામચલાઉ ધોરણે વધે છે.જ્યારે ઘણા ક્ષેત્રોમાં પ્રવૃત્તિ નોંધપાત્ર રીતે ઓછી થાય છે. આ કામચલાઉ પેટર્ન બજારમાં ઘટાડા માટે જવાબદાર હોઈ શકે છે કારણ કે આ અનિશ્ચિતતા રોકાણકારોમાં જોખમ ટાળવા તરફ દોરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button