સેન્સેક્સમાં ચાર દિવસમાં ૧૬૦૦ પોઇન્ટના કડાકા, આગળ શું થશે?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાના પાપે શેરબજારમાં પાછલા ચાર દિવસમાં લગભગ ૧૬૦૦ પોઇન્ટના કડાકા સાથે અંદાજે રૂ. ૯૦૧૯ લાખ કરોડનું ધોવાણ થયું છે. હવે ડોનલ્ડ ટ્રમ્પના વિશ્ર્વબજારને આંચકા લાગે એવા નિર્ણયોની અસર તો વર્તાશે જ, પરંતુ આગળ હજુ શું થાય છે એની ચિંતા રોકાણકારોને સતાવી રહી છે.
અમેરિકાએ ટેરિફ વધારવા આપેલી ધમકી, ભૂ-રાજકીય તંગદીલી અને એફઆઇઆઇની સતત વેચવાલીને કારણે શેરબજારમાં સતત ચોથા દિવસે પીછેહઠ જોવા મળી હતી. સેન્સેક્સ ૭૮૦.૧૮ પોઈન્ટ અથવા ૦.૯૨ ટકા ઘટીને ૮૪,૧૮૦.૯૬ પોઇન્ટની સપાટી પર, જ્યારે નિફ્ટી ૫૦ ૨૬૩.૯૦ પોઈન્ટ અથવા એક ટકા ઘટીને ૨૫,૮૭૬.૮૫ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ ચાર દિવસમાં રૂ. ૯.૧૯ લાખ કરોડના કડાકા સાથે રૂ. ૪૭૨ લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું.
યુએસ ટેરિફ અને એફઆઇઆઇના સતત આઉટફ્લો અંગે નવી ચિંતાઓ વચ્ચે સેન્ટિમેન્ટ સાવધ બન્યું હોવાથી સ્થાનિક બજારોમાં ઘટાડો આગળ સાથે કોર્પોરેટ કમાણીમાં વૃદ્ધિ અંગે આશાવાદ ધોવાઈ ગયો છે. મેટલ, ઓઇલ અને ગેસ તથા આઇટી શેરોમાં વ્યાપક સ્તરે વેચવાલી જોવા મળી હતી. વૈશ્ર્વિક ભાવમાં ઘટાડાને કારણે પ્રોફિટા બુકિંગ શરૂ થતાં મેટલ શેરો ધોવાયા હતા, જ્યારે વેનેઝુએલા-યુએસ કટોકટીની ચિંતાઓને કારણે ઓઇલ અને ગેસ શેરોમાં ઘટાડો થયો હતો.
દરમિયાન, ભારતનો નાણાવર્ષ ૨૦૨૬નો પ્રથમ એડવાન્સ એસ્ટિમેટ જીડીપીમાં મજબૂત વૃદ્ધિનો સંકેત આપે છે, જે ઉત્પાદનમાં સુધારો અને સ્થિતિસ્થાપક સેવાઓ દ્વારા સંચાલિત છે, જે બાહ્ય અવરોધો છતાં થોડો આશાવાદ આપે છે. નજીકના ગાળામાં, બજારો સાવચેત રહેવાની અને ટ્રેડ રેન્જ બાઉન્ડ રહેવાની અપેક્ષા છે, જે ત્રીજા ક્વાટર્રની કોર્પોરેટ કમાણી અને યુએસ ટેરિફથી પ્રેરિત હશે.
સેન્સેક્સ કંપનીઓમાંથી, લાર્સન એન્ડ ટુબ્રો, ટેક મહિન્દ્રા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને ટ્રેન્ટ સૌથી વધુ ઘટનારા શેરોમાં સામેલ હતા. બીજી તરફ, ઇટર્નલ, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ફાઇનાન્સ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ ટોપ ગેઇનરમાં સામેલ હતા. નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો નોંધાવનાર હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, જિયો ફાઇનાન્શિયલ, વિપ્રો, ટેક મહિન્દ્રાનો સમાવેશ હતો, જ્યારે વધારો નોંધાવનાર શેરમાં આઇસીઆઇસીઆઇ બેંક, ઇટર્નલ, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ હતો.
વૈશ્ર્વિક ભાવના ઘટાડા સાથે મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. નાલ્કોના શેરમાં છ ટકા સુધીનો કડાકો હતો. વેદાંતા અને હિંદુસ્તાન કોપરના ભાવમાં ચાર ટકા જેવો કડાકો જોવા મળ્યો હતો. હિંદુસ્તાન ઝિંકના શેરમાં બે દિવસમાં દસ ટકાનું ધોવાણ થયું છે. ટ્રમ્પે ૫૦૦ ટકા સુધીની ટેરિફની ધમકી આપી હોવાથી નિકાસલક્ષી કંપનીના શેર ધોવાયા હતા. ગોકલદાસ, અવન્તીના શેરમાં ૧૨ ટકા સુધીનો કડાકો હતો. ત્રીજા ક્વાર્ટરના અપડેટ બાદ કલ્યાણ જ્વેલર્સનો શેર એક ટકા તૂટ્યો હતો. ભેલે વંદેભારત સ્લીપર ટ્રેન માટે અંડરસ્લંગ ટ્રેકશન ક્ધવર્ટર્સની સપ્લાઇ શરૂ કરી દીધી છે.
શેરબજારમાં, ગોકલદાસ એક્સપોર્ટ્સ, કે.પી.આર. મિલ, પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ, એપેક્સ ફ્રોઝન ફૂડ્સ, અવંતિ ફીડ્સ સહિત નિકાસલક્ષી કંપનીઓના શેરમાં અમેરિકા તરફથી સંભવિત ૫૦૦ ટકા ટેરિફ પ્રતિબંધોના ભયને કારણે ચાર ટકાથી નવ ટકા સુધીના કડાકા જોવા મળ્યા હતા. ચાંદીના ભાવ રૂ. ૨.૫ લાખ પ્રતિકિલોથી નીચે આવતા હિન્દુસ્તાન ઝિંકના શેર આ સત્રમાં છ ટકા તૂટ્યા હતા, જ્યારે બિઝનેસ-જીએમના રાજીનામા પછી મીશોના શેર વધુ ચાર ટકા તૂટ્યા હતા. કંપની બોર્ડે સ્ટોક વિભાજન પર વિચારણા કરી હોવાના અહેવાલોએ એન્જલ વનના શેરના ભાવ બે ટકા તૂટ્યા હતા.
કુલ ટ્રેડેડ શેરોમાં ૧૮૦થી વધુ શેર બાવન સપ્મતાહના નીચલા સ્તર પર પહોંચ્યા હતા, જેમાં જ્યોતિ લેબ્સ, સેફાયર ફૂડ્સ, કોહાન્સ લાઇફ, બ્લુ જેટ, હેપ્પીએસ્ટ માઇન્ડ્સ, આઈઆરસીટીસી, પ્રીમિયર એનર્જીઝ, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ, કોલગેટ પામોલિવ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, બીએએસએફ, એફકોન્સ ઇન્ફ્રા, બાટા ઇન્ડિયા, વેદાંત ફેશન્સ, ક્લીન સાયન્સ, યુનાઇટેડ બ્રુઅરીઝ, વ્હર્લપૂલ, એડબલ્યુએલ એગ્રી વગેરેનો સમાવેશ થાય છે.
બીજી બાજુ, ૧૦૦થી વધુ શેર બાવન સપ્તાહના ઉપલા સ્તર પર પહોંચ્યા હતા, જેમાં ઇન્ડિયા સિમેન્ટ્સ, એઆઈએ એન્જિનિયરિંગ, આઈશર મોટર્સ, એક્સિસ બેંક, બજાજ ઓટો, પોલીકેબ, એમસીએક્સ ઇન્ડિયા, એનએમડીસી વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…શેરબજારમાં સાત લાખ કરોડ સ્વાહા! ટ્રમ્પ હવે શું કર્યું?



