
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારને માંડ કળ વળી હતી ત્યાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી ઊંબાડિયું કર્યું હોવાથી વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટને ધક્કો લાગ્યો છે. વેનેઝુએલા પર એટેક કરીને તેના પ્રમુખને કબજે કર્યા બાદ તેના ક્રૂડ ઓઇલ પર નિયંત્રણ મેળવવાની કવાયત શરૂ કરવા સાથે ટ્રમ્પે ભારત પર ૫૦૦ ટકા જેવી તોતિંગ ટેફિ ફટકારવાની ચીમકી પણ આપી છે.
આ રીતે ફરી એકવાર ઇક્વિટી માર્કેટને કનડતા પરિબળો જાગૃત થવાથી આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં સેન્સેક્સમાં ચાર દિવસમાં લગભગ ૧,૫૦૦ પોઈન્ટનો કડાકો નોંધાયો છે અને એ જ સાથે રોકાણકારોના લગભગ સાત લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા છે.
આજે સતત ચોથા સત્રમાં ભારતીય શેરબજારોમાં બપોર સુધીના સત્રમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઉપરોક્ત કારણોસર બેન્ચમાર્ક સતત ચાર સત્રોથી પછડાટ ખાઇ રહ્યો છે. ઇક્વિટી માર્કેટમાં વૈશ્ર્વિક ભૂરાજકીય મુદ્દાઓ અને સંભવિત યુએસ ટેરિફના ભયને કારણે સેન્ટિમેન્ટ ખરડાઇ રહ્યું છે.
અત્યાર સુધી કંપની પરિણામા બજારનું ચિત્ર બદલશે એવી આશા હતી, પરંતુ કોર્પોરેટ કમાણીના અહેવાલો પણ મિશ્ર આવી રહ્યાં છે. પરિબળોનું આ મિશ્રણ વ્યાપક બજારમાં ઘટાડો લાવી રહ્યું છે. પાછલા ચાપ સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ બંનેમાં નોંધપાત્ર નુકસાન જોવા મળ્યું છે.
ગુરુવારે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સતત ચોથા સત્રમાં ઘટ્યા હતા, જેમાં બપોર સુધીમાં સેન્સેક્સ ચાર સત્રમાં ૧,૪૬૫ પોઈન્ટથી વધુ ગબડ્યો હતો અને નિફ્ટીમાં એ જ સમયગાળા દરમિયાન ૧.૭ ટકાનો કડાકો જોવા મળ્યો હતો. રોકાણકારો ભૂરાજકીય તણાવ, યુએસ ટેરિફની શક્યતા અને અસમાન કોર્પોરેટ કમાણી જેવા મિશ્ર પરિબળો વચ્ચે મૂંછાઇ રહ્યા હોવાથી આશાવાદ ધોવાઇ રહ્યો છે.
આજે ગુરુવારે બપોર સુધીમાં, સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટથી વધુ ગગડીને દિવસના સૌથી નીચા સ્તરે ૮૪,૨૩૦ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો, જ્યારે બેન્ચમાર્ક નિફ્ટી ૨૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૨૫,૯૫૦ પોઇન્ટની નીચે સરકી ગયો હતો.



