શૅરબજારમાં ક્રિસમસ ઉજવણી: નિફ્ટી ૨૧,૪૦૦ની ઉપર, સેન્સેક્સ ૨૩૦ પોઈન્ટ્સ ઉછળ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ક્રિસમસની રજા પછી શેરબજારમાં મંગળવારે ક્રિસમસની ઉજવણી થઇ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. વિશ્ર્વબજારના અસ્પષ્ટ સંકેત વચ્ચે નબળી શરૂઆત થઇ હોવા છતાં બેન્ચમાર્ક શેરઆંકો ૨૬ ડિસેમ્બરે ત્રીજા દિવસે તેજીની આગેકૂચ જાળવીનેે સત્રને અંતે સકારાત્મક ટોન સાથે સ્થિર થયા હતા અને આઇટી શેરોને બાદ કરતાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી.
દિસવ દરમિયાન ૩૬૪.૩૩ પોઇન્ટ અથવા તો ૦.૫૧ ટકાના ઉછાળા સાથે ૭૧,૪૭૧.૨૯ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાયા બાદ સત્રને અંતે સેન્સેક્સ ૨૨૯.૮૪ પોઈન્ટ અથવા ૦.૩૨ ટકા વધીને ૭૧,૩૩૬.૮૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.
આ તેજીમાં એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૧૨૦ પોઇન્ટના ઉછાળાનો ફોળો આપ્યો હતો. જ્યારે નિફ્ટી ૯૧.૯૫ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકા વધીને ૨૧,૪૪૧.૩૫ પોઇન્ટ પર સ્થિર થયો હતો. નિફ્ટીના પચાસમાંથી ૪૧ શેરમાં સુધારો અને નવ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારનો અંડર ટોન અત્યંત મક્કમ રહ્યો હતો.
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજારની શરૂઆત નિરસ ટોન સાથે થઈ હતી, પરંતુ તમામ ક્ષેત્રોમાં નવેસરની લેવાલીના ટેકાએ નિફ્ટી ઇન્ડેક્સને સમગ્ર સત્ર દરમિયાન ૨૧,૪૦૦ પોઇન્ટની ઉપર રહેવામાં મદદ કરી હતી અને બેન્ચમાર્ક દિવસના ઉચ્ચ સ્તરની નજીક બંધ થયો હતો.
નિફ્ટીમાં સૌથી વધુ વધનારા શેરોમાં ડિવિસ લેબોરેટરીઝ, હીરો મોટોકોર્પ, અદાણી એન્ટરપ્રાઈઝ, હિન્દાલ્કો અને એનટીપીસીનો સમાવેશ હતો, જ્યારે બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ઈન્ફોસીસ, ટીસીએસ અને ટાટા મોટર્સ ટોપ લુઝર્સ બન્યાં હતા.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ ઓઇલ એન્ડ ગેસ, પાવર, મેટલ, ઓટો, હેલ્થકેર પ્રત્યેક એક ટકાના વધારા સાથે પોઝિટીવ ઝોનમાં પહોંચ્યા હતા. મિડકેપ ઈન્ડેક્સ ૦.૭ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકા વધ્યા છે.
ટાટા કેમિકલ્સ, આરતી ઇન્ડસ્ટ્રીઝ અને લૌરસ લેબ્સમાં લાંબો બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે મણપ્પુરમ ફાઇનાન્સ, આરબીએલ બેન્ક અને પીવીઆર આઇનોક્સમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.
વ્યક્તિગત શેરોમાં, મણપ્પુરમ ફાઇનાન્સ, આરબીએલ બેંક અને ઇન્ડિયા સિમેન્ટ્સમાં વોલ્યુમમાં ૧૦૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.
ઈન્ડેક્સની તેજીની આગેવાની મુખ્યત્વે એનર્જી અને મેટલ શેરોએ લીધી હતી અને ત્યારબાદ તેમાં ફાર્મા સેકટર જોડાયું હતું, જ્યારે મીડિયા અને આઈટી સેગમેન્ટમાં કરેક્શન જોવા મળ્યું હતું. કેમિકલ કાઉન્ટર્સ તેમની ખોવાયેલી ગતિ પાછી મેળવીને દિવસના સ્ટાર પર્ફોર્મર રહ્યાં હતા, જ્યારે ડિફેન્સ શેરોએ વોલ્યુમ સાથે નવી ઊંચી સપાટી નોંધાવીને તેમના અપટ્રેન્ડને મજબૂત બનાવ્યું હતું.
મૂડીબજારમાં ત્રણ શેરનું લિસ્ટિંગ થયું હતું અને તેમાંથી બે ડિસ્કાઉન્ટ સાથે તેમ જ એકમાં જબરું પ્રીમિયમ જોવા મળ્યું હતું. અન્ય કોર્પોરેટ પ્રવૃત્તિમાં અમેરિકાના કેલિફોર્નિયામાં હેડક્વાર્ટર ધરાવતી સુપર મોબિલિટી એપ ઇનડ્રાઇવ દ્વારા ભારતના ચાર શહેરમાં ડ્રાઇવર ઓફ મંથનું આયોજન થયું હતું. ઇનડ્રાઇવ ૪૮ દેશમાં ૭૧૦ શહેરમાં હાજરી ધરાવે છે. કંપની ઇન્ટરસિટી ટ્રાન્સ્પોર્ટ, ફ્રેઇટ ડિલિવરી, ટાસ્ક આસિસ્ટન્સ સહિતની સેવામાં પણ વિસ્તરણ ધરાવે છે.
બજારના સાધનોે જણાવ્યું હતું કે, અમેરિકાની આગેવાની હેઠળ ડિસેમ્બરમાં વૈશ્ર્વિક રેલીએ મોટા ભાગના બજારોને નોંધપાત્ર તેજીનો લાભ આપ્યો છે અને ભારતીય બજારને રાજ્યસભાના ચૂંટણી પરિણામોમાંથી પણ તેજીનો કારન્ટ હતું. ડિસેમ્બરમાં નિફ્ટીમાં છ ટકાની તેજીએ બજારને થોડો ગરમાટો આપ્યો છે અને આગળનવા વર્ષમાં પણ તેજી જોવા મળશે તેવી આશા સેવાઈ રહી છે.
જોકે નિષ્ણાતો ઊંચા વેલ્યુએશનને ટૂંકા ગાળાની ચિંતા દર્શાવી રહ્યા છે. યુએસ ફુગાવો, બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સ ડાઉન ટ્રેન્ડિંગને કારણે વૈશ્ર્વિક બજારનું વતાવારણ સતત અનુકૂળ રહ્યું છે. બજારના સાધનો અનુસાર હાલ ઘટાડે લેવાલી એ વર્તમાન બજારના સંદર્ભમાં શ્રેષ્ઠ વ્યૂહરચના બની રહી છે. જોકે, સલામતી લાર્જ-કેપ્સમાં છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સાઈકલિકલ ઉછાળા માટે સારી રીતે સ્થિત છે.
વર્ષને વિદાય લેવામાં જ્યારે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રોકાણકારો તેજી જળવાય એવો આશાવગ ધરાવે છે. નિષ્ણાતોનો એક વર્ગ એવું માને છે કે સેન્ટા રેલી સામાન્ય રીતે ડિસેમ્બરના છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં અને જાન્યુઆરીના પ્રથમ બે દિવસોમાં શેરના ભાવમાં ઉછાળા સાથે સંકળાયેલી હોય છે, કદાચ નિફ્ટીમાં આગળ પાછળ થઇ શકે, પરંતુ સ્મોલકેપ્સ મોટેભાગે ઉપરોક્ત સમયગાળામાં રોકાણકારોને નિરાશ નથી કરતાં.
પાછલા ૧૧ વર્ષમાં આ સાત દિવસના સમયગાળા દરમિયાન નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સની કામગીરીનો અભ્યાસ દર્શાવે છે કે ડિસેમ્બરના અંતિમ પાંચ ટ્રેડિંગ દિવસ અને જાન્યુઆરીના પ્રથમ બે દિવસ દરમિયાન ઇન્ડેક્સે દર વર્ષે સકારાત્મક વળતર આપ્યું છે.
આ સંદર્ભે ગયા વર્ષની સિઝનની સાન્ટા રેલી તાજેતરના સમયમાં શ્રેષ્ઠ હતી, કારણ કે સ્મોલકેપ બેરોમીટર ઉપરોક્ત સાત દિવસમાં સાતેક ટકા જેવો ઉછળ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ પાછલા ૧૧ વર્ષમાં આ સમયગાળા દરમિયાન ક્યારેય નેગેટીવ ઝોનમાં બંધ થયો નથી.
આમ આ સમયગાળા દરમિયાન સ્મોલકેપ્સમાં સાન્ટા રેલી પર ધ્યાન આપવું જોઇએ, એમ જણવાતા એક એનલિસ્ટે કહ્યું હતું કે, સ્મોલકેપ્સની જેમ જ નિફ્ટીના બ્લુચિપ શેર પણ પાછલા ૨૨માંથી ૧૯ વર્ષમાં સકારાત્મક વળતર આપવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.
આમ, ડેટા માનવા માટેનું એક મજબૂત કારણ સૂચવે છે કે આ વર્ષે પણ ઇન્ડેક્સ આ વલણ ચાલુ રાખી શકે છે. જો કે, એ ખાસ નોંધવું જોઈએ કે રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ઇન્ડેક્સમાં પહેલેથી જ તીવ્ર વધારો જોવા મળ્યો છે અને આપણે બુધવારે એક નાનો કરેક્શન પણ જોયું છે. આ બાબત અવગણીને ખોટું જોખમ પમ ના લઇ શકાય.
ટોચના ચાર્ટિસ્ટે કહ્યું હતું કે કોન્સોલિડેટીવ તબક્કામાં ફસાયેલો ઇન્ડેક્સ આગામી સાત સત્રો માટે ૨૧,૦૦૦ થી ૨૧,૬૦૦ની વ્યાપક શ્રેણીમાં ટ્રેડ કરી શકે છે. બુધવારના તીવ્ર ઘટાડા છતાંપસંદગીના શેરો અને ઇન્ડેક્સમાં હજુ પણ વધુ પડતી લેવાલી જોવા મળે છે, જે સાન્ટા રેલીની આશાને વધુ ટેકો આપે છે.
વાસ્તવમાં મિડ અને સ્મોલકેપ સેગમેન્ટના વધુ પડતા મૂલ્યાંકન ચિતા ઉપજાવે એવા છે. રિટેલ ઇન્વેસ્ટર્સનો ઉત્સાહ અને મિડ અને સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત પ્રવાહ આ તેજીને આગળ ધપાવે છે, જે એક જોખમી તબક્કો જણાય છે. બજારની આ વ્યાપક રેલી લાંબા સમય સુધી ચાલુ રહે એવું લાગતું નથી. એ વાતનું ધ્યાન રહે કે, સલામતી એ વળતર જેટલી જ મહત્વપૂર્ણ બાબત છે. નિ:શંકપણે, સલામતી હવે લાર્જ કેપ્સમાં છે. આગળ જતાં મિડ અને સ્મોલકેપ કરતાં લાર્જકેપ શેર વધુ સારુ પ્રદર્શન કરે તેવી શક્યતા છે.