ટેરિફની ચિંતાને અવગણી બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં, આગળ શું થશે?

નિલેશ વાઘેલા
મુંબઇ: વિશ્વબજારના નબળા સંકેત સાથે ટેરિફને લગતી ચિંતા તોળાઇ રહી હોવા છતાં પ્રારંભિક નબળાઇ ખંખેરીને સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટીવ ઝોનમાં ટકી રહેવામાં સફળ રહ્યા હતા. સેન્સેક્સ ૮૨,૭૮૫ અને ૮૨,૩૪૩ની સપાટી વચ્ચે અટવાઇને અંતે ૬૩.૫૭ પોઇન્ટ અથવા તો ૦.૦૮ ટકાના સુધારા સાથે ૮૨,૬૩૪.૪૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૬.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકા વધીને ૨૫,૨૧૨.૦૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
જોકે, અમેરિકન પ્રેસિડેન્ટ જે રીતે ભારત પર ટેરિફ નાંખવાની, ટેરિફ વધારવાની અને અમેરિકાની પ્રોડક્ટને એકસેસ આપવાની વાતો કરે છે, ધમકીઓ આપે છે અને ભારતને દબાવી નાંખ્યું હોય એવા કથનો કરે છે તે જોતાં આગામી સત્રોમાં નરમાઇના ઝોંક સાથે અફડાતફડીનો દોર શરૂ થવાની ધારણાં છે. ટ્રમ્પ ભારત, ઇન્ડિયાને ઇન્ડોનેશિયા સાથે સરખાવી એના જેવી ટ્રેડ ડીલ ઇચ્છે છે, જ્યાં અમેરિકન ઉત્પાદનો માટે શૂન્ય ટેરિફ રેટ છે અને ઇન્ડોનેશિયા પર ૨૦થી ૩૦ ટકા ટેરિફ છે.
આ પણ વાંચો: ભારતીય શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો
સ્થાનિક ધોરણે ફુગાવામાં ઘટાડો, વ્યાજ દરમાં ઘટાડો, સ્વસ્થ ચોમાસુ અને ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈને કારણે ભારતનું મેક્રોઇકોનોમિક આઉટલુક મજબૂત રહ્યું છે. સતત આઠ મહિનામાં ફુગાવામાં ઘટાડો થવાથી બજારને પ્રોત્સાહન મળ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરના કોર્પોરેટ કમાણીનું મૂલ્યાંકન કરવા સાથે રીલીફ રેલીમાં રોકાણકારો આશાવાદ અને સાવધાનીનું મિશ્રણ બતાવી રહ્યા છે, કારણ કે પ્રીમિયમ મૂલ્ય ધરાવતા શેરબજારમાં કમાણીમાં સુધારો જરૂરી છે. વધુમાં, તાંબા પર ૫ચાસ ટકા ડ્યુટીની જાહેરાત સાથે ટેરિફ ચિંતાઓ વચ્ચે ગ્લોબલ સેન્ટિમેન્ટ મિશ્ર છે. આ ઉપરાંત ફુગાવાના સ્તરને કારણે યુએસ ફેડ દ્વારા નજીકના ગાળાના દરમાં ઘટાડાની આશાઓ ધૂંધળી થઈ રહી હોવાથી બજારમાં અનિશ્ર્ચિતતા વધી રહી છે.
આ પણ વાંચો: યુએસ શોર્ટ સેલરના અહેવાલથી વેદાંતના શેરમાં આઠ ટકા સુધીનો કડાકો!
સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, સ્ટેટ બેન્ક, ઇન્ફોસિસ, અદાણી પોર્ટ અને આઇટીસીના શેર ટોપ ગેઇનરની યાદીમાં હતા. જોકે, ઇટર્નલ, સન ફાર્મા, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા. અમેરિકાના ફુગાવામાં વધારાને કારણે એશિયન બજારોમાં નબળાઈ જોવા મળી હોવાથી સવારના સત્રમાં બુધવારે ભારતીય ઇક્વિટી બજારોમં પણ નરમાઇનું વલણ જોવા મળ્યું હતું. કોર્પોરેટ કમાણી અને યુએસ ટ્રેડ ડીલની ચર્ચા વચ્ચે એકંદર સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું.