2025માં શેરબજારમાં સંભાળજો નહીંતો…. લાખના બાર હજાર થઇ જશે
શેરબજારના રોકાણકારો માટે 2024નું વર્ષ તમામ ઉતાર-ચઢાવ છતાં ખૂબ જ સારું રહ્યું છે. સેન્સેક્સે 2024માં 8.17 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે વર્ષ 2024 શરૂ થયું ત્યારે બજાર તેજીના માર્ગ પર ચાલતું હતું, તેથી લોકોએ વિચાર્યું કે બજાર આખું વર્ષ આ રીતે ચાલુ રહેશે અને રોકાણકારોને ખૂબ સમૃદ્ધ બનાવશે, પણ બીજા હાફમાં માર્કેટે રંગ બદલ્યો. લોકસભા ચૂંટણીના પરિણામોએ માર્કેટમાં જાણે કે સુનામી જ સર્જી દીધી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી નહીં મળી અને શેરબજાર ઉંધા માથે પટકાયું હતું. એક જ દિવસમાં રોકાણકારોના 30 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા હતા. આખુ શેરબજાર લાલ રંગમાં આવી ગયું. આટલું ઓછું હોય તેમ પછી કંપનીઓના ત્રિમાસિક પરિણામોને કારણે લોકોએ થોડા દિવસોમાં લાખો-કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. 2024માં સેન્સેક્સ-નિફ્ટીએ સર્વોચ્ચ સૂચકાંક પણ જોયો, પણ હવે છેલ્લા થોડા સમયથી શેરબજારની ચાલ મંદ પડી છે. હવે સવાલ એ થાય છે કે શું આપણે 2025માં પણ આવું જ કંઈક જોવા મળશે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
એક જાણીતું બ્રોકરેજ હાઉસ માને છે કે ભારતીય શેરબજારમાં મોટાભાગના રોકાણકારો એવા છે જેમણે વર્ષ 2020 પછી શેરબજારમાં પ્રવેશ કર્યો છે. તેમણે તેમના રોકાણ દરમિયાન ક્યારેય તીવ્ર ઘટાડાનો અનુભવ કર્યો નથી, પણ 2025નું વર્ષ શેરબજાર માટે સ્પીડ બ્રેકર સાબિત થવાનું છે, તેથી રોકાણકારોએ સંભવિત જોખમો માટે અને માર્કેટની તીવ્ર વધઘટ માટે તૈયાર રહેવું જોઇએ. માર્કેટમાં ઘટાડે સારા શેર લાંબા ગાળા માટે લઇ રાખીને તમારો પોર્ટફોલિયો બનાવી લો.
મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકો માને છે કે ઘણા વર્ષોના તેજીના તબક્કા પછી હવે ઇક્વિટી રોકાણકારોએ વર્ષ 2025માં તેમની વળતરની અપેક્ષાઓ ઘટાડવાની જરૂર છે. 2024 ના બીજા ભાગના પરિણામો એ એક રીમાઇન્ડર છે કે શેરબજારમાં એકતરફી તેજીની સુનામી અટકી શકે છે. 2024ની સરખામણીએ આ વર્ષે બજાર ધીમી ગતિએ વધશે. બેંકો એ તો સ્પષ્ટ ચેતવણી આપી છે કે શેરબજારની ચાલ લપસણી રહેવાની છે. તેથી સાવચેતી રાખીને જ વ્યવહાર કરવો. જો તેઓ 2025માં શેરબજારમાંથી ઊંચું વળતર મેળવવાની ઈચ્છા રાખશે તો તેમના નાણા ખોવાઈ શકે છે.
એક મોટા બ્રોકરેજ હાઉસે 2025 માટે માર્કેટ આઉટલૂક જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે બજારોએ ઘણા વર્ષોથી સારો નફો સુનિશ્ચિત કર્યો છે. પણ હવે 2025ના વર્ષમાં રોકાણકારોએ તેમની અપેક્ષાઓને નિયંત્રિત કરવી પડશે. આનો અર્થ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત વળતર મેળવનારા રોકાણકારોએ હવે સાવધાની સાથે આગળ વધવું જોઈએ. યુએસ ફેડની ચાલ સાથે ભૌગોલિક-રાજકીય મુદ્દાઓ બજારની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ હશે. આ વર્ષે રોકાણકારોને ભૌગોલિક રાજકીય તણાવ, વૈશ્વિક વેપાર વિવાદો, સ્થાનિક આર્થિક મંદી અને કમાણીની વૃદ્ધિ અંગેની અનિશ્ચિતતા જેવા અનેક જોખમોનો સામનો કરવો પડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ નીતિઓ રશિયા-યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વમાં સંઘર્ષ અને ક્રૂડ ઓઈલના ભાવમાં સંભવિત વધારો ભારત માટે પડકાર વધારી શકે છે અને આ બધા વૈશ્વિક જોખમી પરિબળોની અસર શેરબજાર પર પણ પડશે જ.
અન્ય એક બ્રોકરેજ હાઉસે જણાવ્યું છે કે અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડા બાદ રિઝર્વ બેંક પણ ફેબ્રુઆરીમાં વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. 20 જાન્યુઆરીએ અમેરિકન રાષ્ટ્રપકિ ડોનલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરશે. તેમની નીતિઓ અલગ છે. તેના કારણે પણ માર્કેટમાં મોટી વધઘટ થઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જંગી રોકાણ થયું છે. જો માર્કેટ સેન્ટિમેન્ટ બદલાય અથવા આવક વૃદ્ધિ નબળી રહે તો આ ક્ષેત્રોમાં ઘટાડો થઈ શકે છે. રોકાણકારો માટે આ ચિંતાનો વિષય છે. વૈશ્વિક મંદીના આવા પડકારજનક વાતાવરણમાં 2025માં રોકાણકારોએ સાવધાન રહેવું પડશે. તેમણે ઊંચા મૂલ્યાંકનવાળા શેરો ટાળવાની અને લાંબા ગાળાની આવકની સંભાવના ધરાવતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે બજારની સંભવિત વધઘટ માટે તૈયાર રહેવા સલાહ આપી છે.
આ પણ વાંચો…ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસની ભારતમાં દસ્તક; આઠ મહિનાનું બાળક થયું સંક્રમિત
નોંધનીય છે કે સેન્સેક્સે 2024માં 8.17 ટકા રિટર્ન, 2023માં 18.74 ટકા રિટર્ન, 2022માં 4.44 ટકા રિટર્ન, 2021માં 21.99 ટકા અને 2020માં 15.75 ટકા રિટર્ન આપ્યું હતું. ભારતની મજબૂત માળખાકીય વૃદ્ધિને જોતાં ભારતીય અર્થતંત્ર અને બજારો કેટલીક મુશ્કેલીઓ છતાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે અને આ વર્ષએ પણ શેરબજાર ઓછામાં ઓછું 10 ટકા વળતર આપી શકે છે.