શું શેરમાર્કેટની એકધારી પીછેહઠ આ સેક્ટરને પણ નડી ગઈ ?

મુંબઈ: દેશના શેરબજારમાં મંદીની અસર વાહનોના વેચાણ પર પણ જોવા મળી રહી હોવાનું વાહન ઉદ્યોગના સુત્રો જણાવી રહ્યા છે. ગયા વર્ષના ઓકટોબરથી દેશના શેરબજારોમાં સતત ઘટાડાને કારણે વાહનોની રિટેલ માગ નબળી પડી છે. રોકાણકારોની શેરબજાર મારફતની આવક ઘટી જતા બિનજરૂરી ખર્ચા અને ખરીદી પર કાપ મુકાઈ રહ્યો છે.

માગમાં ઘટાડાને પરિણામે વિતેલા ફેબ્રુઆરીમાં દેશમાં ઓટો રિટેલ વેચાણમાં સાત ટકા ઘટાડો નોંધાયો છે. ફાડાના ડેટા પ્રમાણે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં દરેક પ્રકારના વાહનોનું મળીને એકંદર રિટેલ વેચાણ 20,46,328 એકમ રહ્યું હતું જે વર્તમાન વર્ષના ફેબ્રુઆરીમાં 18,99,196 એકમ રહ્યું છે. આમ સાત ટકાનો ઘટાડો નોંધાયો છે.
ગત મહિને દરેક પ્રકારના વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં પણ વેચાણ 8.44 ટકા ઘટીને 1,26,329 યુનિટ રહ્યું છે. ફેબ્રુઆરીમાં ડીલરોની મંજુરી વગર તેમના ડેપોમાં ઈન્વેન્ટરી ઊભી કરી દેવાઈ હતી.
Also read : રાજ્ય સરકાર પ્રદૂષણને રોકવા માટે પ્રિ-કાસ્ટ મટિરિયલનો ઉપયોગ કરવા મુંબઈના બિલ્ડરોને ફરજ પાડશે
આ એક વેપાર હેતુ હોઈ શકે પરંતુ હોલસેલ રવાનગી ખરેખર માગ પ્રમાણે થવી જરૂરી છે જેથી ડીલરો પર ભાર અટકાવી શકાય અને તેમને ઈન્વેન્ટરીનું સંચાલન કરવાનું સરળ રહે. પ્રવાસી વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 10 ટકા ઘટી 3,03,398 એકમ રહ્યું છે. પ્રવાસી વાહનોનું ઈન્વેન્ટરી સ્તર 5ચાસથી બાવન દિવસની રેન્જમાં રહ્યું હતું.
ટુ વ્હીલર્સનું વેચાણ 6.33 ટકા ઘટી 13,53,280 એકમ રહ્યું હતું જે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં 14,44,674 રહ્યું હોવાનું ફાડાના ડેટા જણાવે છે. લોનની મર્યાદિત ઉપલબ્ધતા, વાહનોની ખરીદી માટે ઘટેલી પૂછપરછ તથા નબળા ક્ધઝયૂમર માનસ વાહનોના વેચાણમાં ઘટાડા માટે કારણભૂત રહ્યા છે.
ગ્રામ્ય બજાર કરતા શહેરી વિસ્તારમાં વેચાણ પર વધુ અસર જોવા મળી છે. ગ્રામ્ય બજારમાં વેચાણમાં 5.50 ટકા જ્યારે શહેરી વિસ્તારમાં 7.38 ટકા ઘટાડો નોંધાયો છે. કમર્શિઅલ વાહનોનું રિટેલ વેચાણ નવ ટકા ઘટી 82763 એકમ રહ્યું હતું.
પરિવહન ક્ષેત્ર તરફથી નીચી માગને કારણે કમર્સિઅલ વાહનોના રિટેલ વેચાણમાં નરમાઈ જોવા મળી છે. ટ્રેકટર્સનું વેચાણ 14.50 ટકા ઘટી 65574 એકમ રહ્યું છે. માર્ચમાં રિટેલ વેચાણ માટે ડીલરો સાવચેતીભર્યો આશાવાદ ધરાવી રહ્યા હોવાનું ફાડાએ જણાવ્યું હતું. દેશના શેરબજારોમાં સતત મંદીએ ગ્રાહકોનું માનસ ખરડાવ્યું છે અને નવા વાહનો ખરીદવા ઈચ્છતાઓએ હાલમાં થોભો અને રાહ જુઓ નીતિ અપનાવી છે.