શેરધારકોની સંપત્તિમાં રૂ. ૩.૨૪ લાખ કરોડનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં બે દિવસની પીછેહઠ બાદ ગુરુવારના સત્રમાં સુધાર જોવા મળ્યો હતો અને સેન્સેક્સ ફરી ૭૨,૦૦૦ પોઇન્ટની નિકટ સરક્યો હતો. સેન્સેક્સની ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી.
બીએસઇનું માર્કેટ કેપિટલ આ ઉછાળા સાથે રૂ. ૩૬૮.૪૩ લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે અને એ જ સાથે શેરધારકોની સંપત્તિમાં રૂ. ૩.૨૪ લાખ કરોડનો ઉમેરો નોંધાયો છે.
સત્ર દરમિયાન ઓટો અને મેટલ સિવાયના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા. એ પણ નોંધવું રહ્યે કે લાર્જ કેપ કરતાં સ્મોલ અને મિડકેપ શેરોમાં વધુ સુધારો જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજારમાં વૈશ્ર્વિક બજારોના મિશ્ર સંકેત છતાં વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં બે દિવસની પીછેહછઠ બાદ બાર્ગેન હંટિંગને કારણે ૪૯૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ફરી ૨૧,૬૫૦ની ઉપર પહોંચ્યો હતો.
રિઅલ્ટી, પાવર અને ફાઇનાન્શિયલ સ્ટોક્સની આગેવાની હેઠળ લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ ૪૯૦.૯૭ પોઇન્ટ અથવા તો ૦.૬૯ ટકા ઉછળીને ૭૧,૮૪૭.૫૭ પોઇન્ટના સ્તરે પહોંચ્યો છે, જયારે નિફ્ટી ૧૪૧.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૬૬ ટકા વધીને ૨૧,૬૫૮.૬૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે.