શેર બજાર

વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને ફંડોના આંતરપ્રવાહે સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક ઈક્વિટી માર્કેટનાં પ્રોત્સાહક અહેવાલ અને ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઈક્વિટીમાં રૂ. 1659.27 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનાં પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોની વ્યાપક લેવાલી રહેતાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 494.28 પૉઈન્ટના ઉછાળા સાથે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી 152.60 પૉઈન્ટના ઉછાળા સાથે નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં આજે ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતા રિલાયન્સના શૅરના ભાવમાં 1.75 ટકાનો સુધારો આવતા તેજીને ટેકો મળ્યો હતો. જોકે, સત્ર દરમિયાન સેન્સેકસ અને નિફ્ટીએ અનુક્રમે 74,869.30 પૉઈન્ટની અને 22,697.30 પૉઈન્ટની નવી ટોચ દાખવી હતી. તેમ જ આજે બીએસઈ ખાતે 266 શૅરના ભાવ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા અને 12 શૅરના ભાવ બાવન સપ્તાહની નીચી સપાટી સુધી પહોંચ્યાના પણ અહેવાલ હતા.
એકંદરે ગત શુક્રવારે વિદેશી ફંડોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવા છતાં આજે ઊંચા મથાળેથી રૂ. 684.68 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, પરંતુ તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 3470.54 કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં બજારનાં સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 74,248.22ના બંધ સામે સુધારાના અન્ડરટોને 74,555.44ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 74,410.07 અને ઉપરમાં 74,869.30ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 0.67 ટકા અથવા તો 494.28 પૉઈન્ટના સુધારા સાથે 74,742.50ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 22,513.70ના બંધ સામે સુધારા સાથે 22,578.35ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 22,550.35 અને ઉપરમાં 22,697.30ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 0.68 ટકા અથવા તો 152.60ના સુધારા સાથે 22,513.70ની સપાટીએ બંધ રહ્યો હતો.


આ સપ્તાહ દરમિયાન અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનાં નીતિવિષયક નિર્ણય પૂર્વે આજે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ દિપક જસાણીએ જણાવ્યું હતું. જ્યારે જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ગત નાણાકીય વર્ષ 2024નાં જાહેર થનારા કોર્પોરેટ પરિણામોમાં ખાસ કરીને ઑટો, રિઅલ્ટી, ઑઈલ ઍન્ડ ગૅસ તથા ક્નઝ્યુમર ડિસ્ક્રેશનરી ક્ષેત્રમાં સારા પરિણામો આવવાના આશાવાદને કારણે તેજીને ટેકો મળ્યો હતો.

જોકે,
આઈટી ક્ષેત્રના પરિણામો નબળા આવવાની ભીતિ હોવાથી આજે મુખ્યત્વે આઈટી શૅરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 22 શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે આઠ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 37 શૅરના ભાવ વધીને અને 13 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં મારુતિ સુઝુકીમાં 3.26 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 3.22 ટકાનો, એનટીપીસીમાં 2.54 ટકાનો, જેએસડબ્લ્યુમાં 2.39 ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 1.92 ટકાનો અને રિલાયન્સમાં 1.75 ટકાનો સુધારો આવ્યો હતો. તેની સામે મુખ્ય ઘટનાર શૅરોમાં નેસ્લેમાં 1.59 ટકાનો, વિપ્રોમાં 1.09 ટકાનો, સન ફાર્મામાં 0.51 ટકાનો, એચસીએલ ટૅક્નોલૉજીસમાં 0.37 ટકાનો, ટિટાનમાં 0.32 ટકાનો અને એચડીએફસી બૅન્કમાં 0.22 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ટીસીએસ અને ઈન્ફોસિસમાં 0.17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


વધુમાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં એકમાત્ર આઈટી ઈન્ડેક્સમાં જોવા મળેલા 0.55 ટકાના ઘટાડાને બાદ કરતાં અન્ય તમામ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્યત્વે ઑટો ઈન્ડેક્સમાં 1.65 ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 1.51 ટકાનો, એનર્જી ઈન્ડેકસમાં 1.24 ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં 1.21 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 1.10 ટકાનો અને યુટિલીટી ઈન્ડેક્સમાં 0.90 ટકાનો સુધારો આવ્યો હતો.


આજે એશિયન બજારોમાં સિઉલ, ટોકિયો અને હૉંગકૉંગની બજાર સુધારાના અન્ડરટોને બંધ રહી હતી, જ્યારે શાંધાઈની બજારમાં નરમાઈનું વલણ હતું. વધુમાં ગત શુક્રવારે વૉલ સ્ટ્રીટ ખાતે સુધારો રહેતાં આજે યુરોપની બજારોમાં પણ સુધારો આવ્યો હતો. આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.81 ટકા ઘટીને બેરલદીઠ 90.43 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ટકેલા ધોરણે બંધ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button