શેર બજાર

સતત ચોથા દિવસની આગેકૂચમાં બેન્ચમાર્ક નવા શિખરે, સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એશિયન માર્કેટની તેજી પાછળ સોમવારે સત્રની શરૂઆત જોરદાર તેજી સાથે થઇ હતી અને સતત ચોથા દિવસની આગેકૂચ સાથે બેન્ચમાર્કે નવી ઇન્ટ્રા-ડે હાઇ સપાટી બનાવી હતી અને સેન્સેક્સ 74,000ની લગોલગ પહોંચી પાછો ફર્યો હતો. જોકે તે આ સપાટી પાર કરવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. ભારે અફડાતફડી ભર્યા આ સત્રમાં એનર્જી અને બેન્ક શેરોમાં સારી તેજી જોવા મળી હતી.
સત્ર દરમિયાન 183.98 પોઇન્ટ અથવા તો 0.24 ટકાના ઉછાળા સાથે સેન્સેક્સ 73,990.13 પોઇન્ટની નવી ઊંચી સપાટીને અથડાઇ અંતે 66.14 પોઇન્ટ અથવા તો 0.09 ટકાના સુધારા સાથે 73,872.29 પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ સ્થિર થયો હતો. નિફ્ટી ઇન્ટ્રા-ડે 22,440.90 પોઇન્ટની નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવીને અંતે 27.20 પોઇન્ટ અથવા તો 0.12 ટકાના સુધારા સાથે 22,405.60 પોઇન્ટ ઊંચી સપાટીએ સ્થિર થયો હતો.
કુલ ટે્રડેડ શેરોમાંથી લગભગ 1,350 શેર વધ્યા હતા, 2,462 ઘટ્યા હતા અને 120 મૂળ સપાટીએ પાછા ફર્યા હતા. બ્રોડર માર્કેટમાં સૂચકાંક મિશ્રિત ચિત્ર જોવા મળ્યું હતું. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ નજીવો ઊંચો અને બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં સરક્યો હતો. એનટીપીસી 3.5 ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર બન્યો હતો. પાવરગ્રીડ 2.63 ટકા, રિલાયન્સ 1.03 ટકા અને એક્સિસ બેન્ક 0.90 ટકા ઊછળ્યો હતો.
ડિજીકોર સ્ટુડિયો ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગ માટે વિશ્વનું પ્રથમ મેટાવર્સ લોન્ચ કરી રહી છે. આ ક્લાઉડ-આધારિત માર્કેટપ્લેસના વર્ચ્યુઅલ પ્રોડક્શન સેટ્સ અંતર્ગતનું પ્લેટફોર્મ નાનાથી મધ્યમ બજેટવાળા ફિલ્મ નિર્માતાઓને મોટા બજેટની દેખાતી સામગ્રી બનાવવાની તક પૂરી પાડશે અને ખર્ચ બચાવવા સાથેે ઉત્પાદન ગુણવત્તામાં વધારો કરી મોટા બજેટના પ્રોડક્શન્સ સાથે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવે છે.
બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ અને ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ ગેઇનર્સ રહ્યા હતા. જ્યારે જેએસડબલ્યુ સ્ટીલમાં 2.49 ટકાનો કડાકો નોંધાયો હતો. અન્ય લૂઝર્સ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ફોસિસ અને ટાઇટનનો સમાવેશ હતો.
અમેરિકાના ટેકનોલોજી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતો ઇન્ડેક્સ, નાસ્ડેક કમ્પોઝિટ બે વર્ષથી વધુ સમય પછી પહેલી માર્ચના રોજ તાજી વિક્રમ સપાટીને સ્પર્શ્યો હતો અને તેને પરિણામે ભારતમાં પણ આઇટી કાઉન્ટર્સમાં સુધારા માટે જરૂરી ટ્રિગર આપી શકે છે, એમ વિશ્લેષકો જણાવે છે. અગ્રણી બ્રોકિગ ફર્મના ટેકનિકલ રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, તમામ પોઝિટીવ પરિબળો વચ્ચે, બ્રોડર માર્કેટમાં અનિર્ણાયત્મકતાનો માહોલ જોતાં રોકાણકારોએ મિડકેપ અને સ્મોલકેપ સ્પેસમાં વધારાની સાવચેતી રાખવી જોઈએ અને હાલની સ્થિતિમાં કડક સ્ટોપ લોસ જાળવવો જોઈએ.
નિફ્ટીએ સપ્તાહની શરૂઆત કોન્સોલિડેશન સાથે કરી હતી, જેના પરિણામે દૈનિક ચાર્ટ પર ડોજી કેનડલની રચના થઈ હતી. આ હોવા છતાં, એકંદર સેન્ટિમેન્ટ તેજીનું છે. 22,440થી ઉપરનો નિર્ણાયક વિરામ વેગને વધુ તીવ્ર બનાવવા માટે અપેક્ષિત છે, જે 22,700ને ટાર્ગેટ કરે છે. ડાઉનસાઇડ પર, સપોર્ટ 22,200 પર સ્થાપિત થાય છે, આ સ્તર તરફ કોઈપણ પુલબેક પર ખરીદીની તકો રજૂ કરે છે.
બેન્ક નિફ્ટી ઇન્ડેક્સે મજબૂતાઈ જાળવીને અને 47,000ના નિર્ણાયક સપોર્ટ લેવલથી ઉપર પકડીને સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી. નજીકના ગાળામાં તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરને વટાવી જવાની સંભાવના સાથે, ઇન્ડેક્સ બાય મોડમાં રહે છે. તાત્કાલિક પ્રતિકાર 47,500 પર સ્થિત છે, અને આ સ્તરથી ઉપરની પ્રગતિ નવા જીવનકાળના ઉચ્ચ સ્તરો તરફ ગતિને વેગ આપવા માટે અપેક્ષિત છે.
વૈશ્વિક સ્તરે, રોકાણકારો 6 અને 7 માર્ચના રોજ જેરોમ પોવેલની ટેસ્ટીમની પર રોકાણકારો નજર રાખશે. યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેેન, બેંકિગ, હાઉસિંગ અને શહેરી બાબતોની સેનેટ સમિતિ સમક્ષ અર્ધવાર્ષિક નાણાકીય નીતિ અહેવાલ રજૂ કરશે. રિપોર્ટમાં ફુગાવા સામેની લડાઈમાં થયેલી પ્રગતિ અને વ્યાજદરમાં ઘટાડા માટેના સંકેતો સામેલ હોવાની અપેક્ષા છે.
વ્યાજદરો 5.25-5.5 ટકાની 23 વર્ષની ઊંચી સપાટીએ છે અને છેલ્લી પોલિસીમાં, પોવેલે વર્તમાન કેલેન્ડર વર્ષમાં ત્રણ રેટ કટનો સંકેત આપ્યો હતો. છેલ્લા અઠવાડિયે ફેડરલ અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે, દર ગોઠવણોની ગતિ ઇનકમિંગ આર્થિક ડેટા પર આધારિત રહેશે. યુએસ 10-વર્ષની ટે્રઝરી યીલ્ડ ચાર ટકાથી ઉપર રહી છે, જે 23 ફેબ્રુઆરીના 4.25 ટકાની સામે પહેલી માર્ચે સપ્તાહમાં 4.18 ટકા પર સ્થિર થઇ હતી. આ સમયગાળા દરમિયાન ડોલર ઇન્ડેક્સ 103.94થી ઘટીને 103.89 થયો છે.
ટુંકમાં શેરબજારના ખેલાડીઓ માસિક સેવાઓ પીએમઆઇ ડેટા, ઇસીબી વ્યાજ દર નિર્ણય, કેલેન્ડર વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટર માટે યુરો ઝોનના જીડીપી ડેટાના ત્રીજા અંદાજ અને ચીનના ફુગાવા પર પણ ધ્યાન આપશે. યુએસ જોબ ડેટા, બેરોજગારી દર અને ફેક્ટરી ઓર્ડર પણ અઠવાડિયા દરમિયાન જાહેર કરવામાં આવશે.
ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટી-50 મોમેન્ટમ ઇન્ડિકેટર્સ આરએસઆઈ (રિલેટિવ સ્ટે્રન્થ ઇન્ડેક્સ) અને એમએસીડી (મૂવિંગ એવરેજ ક્નવર્જન્સ ડાઇવર્જન્સ)માં સકારાત્મક પૂર્વગ્રહ સાથે સતત ત્રીજા સપ્તાહમાં હાયર હાઇની રચના ચાલુ રાખી હોવાથી ખૂબ જ મજબૂત સ્થાને જામ્યો છે. નિષ્ણાતો આગામી સપ્તાહમાં 22,300થી ઉપરના કોન્સોલિડેશનના નિર્ણાયક બ્રેકઆઉટ સાથે, 22,200ના તાત્કાલિક પ્રતિકારક અને સમર્થક સ્તર સાથે સમર્થન સાથે નિફ્ટી 22,500 સુધી પહોંચે એવી અપેક્ષા રાખે છે.
એક અન્ય અગ્રણી ચાર્ટિસ્ટે જણાવ્યું હતું કે, બે મહિનાના કોન્સોલિડેશનના સમયગાળા પછી નિફ્ટી તેની તેજીની ગતિ ફરી શરૂ કરી રહી છે. 22,500એ તાત્કાલિક લક્ષ્ય સ્તર છે, જ્યારે 22,750એ આગામી લક્ષ્ય સ્તર છે. તેમના મતે ડાઉનસાઇડ પર, 22,200-22,000 મજબૂત ડિમાન્ડ ઝોન (સપોર્ટ લેવલ) તરીકે કામ કરશે. ઓપ્શન્સ ડેટા સૂચવે છે કે નિફ્ટી મધ્યમ ગાળામાં 22,800-23,000ના સ્તરને સ્પર્શી શકે છે પરંતુ તાત્કાલિક ગાળામાં તેને 22,200-22,000ના સપોર્ટ સાથે 22,500ના સ્તર પર પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત