વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ઈક્વિટીમાં નફારૂપી વેચવાલી, સેન્સેક્સમાં 352 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 90 પૉઈન્ટનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સપ્તાહના આરંભે સતત બીજા સત્રમાં રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 352.67 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 90.65 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. એકંદરે આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 25 શૅરના ભાવ ઘટીને અને પાંચ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 37 શૅરના ભાવ ઘટીને, 12 શૅરના ભાવ વધીને અને એકમાત્ર નેસ્લેના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની તેમ જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અનુક્રમે રૂ. 285.15 કરોડની અને રૂ. 5.33 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ હતા.
એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 73,142.80ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 73,044.81ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 72,666.82 અને ઉપરમાં 73,092.26ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 0.48 ટકા અથવા તો 352.67 પૉઈન્ટ ઘટીને 72,790.13ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી આગલા 22,212.70ના બંધ સામે 22,169.20ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 22,075.15 અને ઉપરમાં 22,202.15ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 0.41 ટકા અથવા તો 90.65 પૉઈન્ટના ઘટાડા સાથે 22,122.05ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે બજારની માર્કેટ બ્રેડ્થ નકારાત્મક રી હતી. આજે બીએસઈ ખાતે 4108 શૅરોમાં થયેલા વેપારમાં 2268 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે 1710 શૅરના ભાવ વધીને અને 130 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા.
ગત સપ્તાહે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ હવે રોકાણકારોની નજર વર્તમાન સપ્તાહે જાહેર થનારા અમેરિકા અને ભારતના જીડીપીના ડેટા, યુરોઝોનના ફુગાવાના ડેટા અને અમેરિકામાં બેરોજગારી ભથ્થું મેળવનારાઓની સંખ્યા જેવા જાહેર થનારા ડેટા પર નજર સ્થિર થઈ હોવાથી રોકાણકારોએ નફો ગાંઠે બાંધતાં તેજીએ થાક ખાધો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે આજે મુખ્યત્વે અમેરિકા ખાતે તેલના સ્ટોકમાં થયેલો વધારો અને માગ સંદર્ભે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હોવાથી ક્રૂડતેલના ભાવ પણ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.
વધુમાં રેલિગેર બ્રોકિંગ લિ.નાં ટેક્નિકલ રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટે જણાવ્યું હતું કે અગ્રણી બૅન્કોની કામગીરી અપેક્ષા કરતાં નબળી હોવાથી બજારનાં વલણ પર તેની અસર પડી હતી, પરંતુ તેની સામે અન્ય હેવી વેઈટ શૅરોમાં રોકાણકારોની લેવાલી રહેવાને કારણે બજારમાં ઘટાડો સિમિત રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આદિત્ય બિરલા જૂથની ગ્રાસીમ ઈન્ડસ્ટ્રી પેઈન્ટ ઉદ્યોગમાં પ્રવેશી રહી હોવાથી એશિયન પેઈન્ટ્સને કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 3.90 ટકાનો ઘટાડો એશિયન પેઈન્ટ્સમાં જોવા મળ્યો હતો. આ સિવાય અન્ય ઘટનાર શૅરોમાં ટાટા સ્ટીલમાં 1.99 ટકાનો, ટિટાનમાં 1.95 ટકાનો, ટૅક મહિન્દ્રામાં 1.82 ટકાનો, ભારતી એરટેલમાં 1.46 ટકાનો અને જેએસડબ્લ્યુ સ્ટીલમાં 1.46 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 2.36 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 1.97 ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં 0.38 ટકાનો, એચડીએફસી બૅન્કમાં 0.10 ટકાનો અને નેસ્લેમાં 0.08 ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 0.38 ટકા અને 0.06 ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં બીએસઈ મેટલ ઈન્ડેક્સમાં 1.27 ટકાનો, બીએસઈ ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 1.25 ટકાનો, ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં 1.13 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 1.06 ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં 0.72 ટકાનો અને બૅન્કેક્સમાં 0.53 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે બીએસઈ યુટિલિટી ઈન્ડેક્સમાં 1.41 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 1.01 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 0.84 ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 0.66 ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં 0.62 ટકાનો અને ઈન્ડસ્ટ્રીયલ ઈન્ડેક્સમાં 0.46 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
આજે એશિયન બજારોમાં હૉંગકૉંગના હૅંગસૅંગમાં 0.5 ટકાનો, શાંઘાઈ કમ્પોઝિટમાં 0.9 ટકાનો અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.8 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ટોકિયોના નિક્કી 225માં 0.4 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. તેમ જ આજે યુરોપિયન બજારોમાં યુરો સ્ટોક્સ 50માં 0.22 ટકાનો, લંડનમાં એફટીએસઈ 100માં 0.34 ટકાનો અને ફ્રાન્સ કેક 40માં 0.45 ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ 0.5 ટકા ઘટીને બેરલદીઠ 76.11 આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા, જ્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ બે પૈસાના સુધારા સાથે બંધ રહ્યો હતો.