શેર બજાર

સેન્સેક્સ, નિફ્ટી બંને બેન્ચમાર્ક નવી વિક્રમી ઊંચી સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં તેજી અને તાજા વિદેશી મૂડીપ્રવાહના કારણે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી નવી લાઇફટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હતા. ટેલિકોમ, ઓટો અને ટેકનોલોજી શેરોમાં નવેસરની લેવાલી નીકળી હોવાથી પણ બજારને ઊંચી સપાટી સુધી જવામાં મદદ મળી હતી. સતત ૧૧મા દિવસે ચાલી રહેલી તેજીમાં, ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૩૧૯.૬૩ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા ઉછળીને ૬૭,૮૩૮.૬૩ પોઇન્ટના નવા વિક્રમી સ્તર પર બંધ થયો હતો. સત્ર દરમિયાન તે ૪૦૮.૨૩ પોઈન્ટ અથવા ૦.૬૦ ટકાની તેજી સાથે ૬૭,૯૨૭.૨૩ પોઇન્ટની તેની તાજી ઓલટાઇમ ઇન્ટ્રા-ડે હાઈ સપાટીને અથડાયો હતો.

નિફ્ટી ૮૯.૨૫ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા વધીને ૨૦,૧૯૨.૩૫ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, તે ૧૧૯.૩૫ પોઈન્ટ અથવા ૦.૫૯ ટકા આગળ વધીને ૨૦,૨૨૨.૪૫ની તેની જીવનકાળની ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો. સેન્સેક્સ પેકમાં ભારતી એરટેલ સૌથી વધુ ૨.૩૭ ટકા વધ્યો હતો, ત્યારબાદ ટોપ ગેઇનર્સ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેક, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક, વિપ્રો, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, એક્સિસ બેંક અને નેસ્લેનો સમાવેશ હતો. જ્યારે એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફિનસર્વ અને એનટીપીસી ટોપ લુઝર્સ બન્યા હતા.

એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને હોંગકોંગમાં તેજી સાથે અંત આવ્યો હતો, જ્યારે શાંઘાઈ એક્સચેન્જનો ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ધકેલાયો હતો. યુરોપીયન શેરબજારોમાં ખૂલતા સત્રમાં પોઝિટીવ ઝોનમાં રહ્યા હતા. ગુરૂવારે યુએસ બજારો સકારાત્મક ઝોનમાં બંધ રહ્યાં હતાં.

એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરૂવારે રૂ. ૨૯૪.૬૯ કરોડની ઇક્વિટી ખરીદી હતી
મૂડીબજારમાં હલચલ ચાલુ રહી છે. પર્યાવરણીય સલાહકાર કંપની ટેકનોગ્રીન સોલ્યુશન્સ લિમિટેડ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ સાથે ૧૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને ૨૧મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ બંધ થશે. માર્કેટ લોટ ૧,૬૦૦ ઈક્વિટી શેરનો છે અને પ્રાઇઝ રૂ. ૮૬ નક્કી કરવામાં આવી છે. કંપની આ આઇપીઓ દ્વારા રૂ. ૧૬.૭૨ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાના છે.
સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડના ઈક્વિટી શેર દીઠ રૂ. ૩૬૬થી રૂ.૩૮૫ના ભાવે પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. કંપની એકંદર રૂ. ૭૩૦ કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઑફર ૨૦મી સપ્ટેમ્બરે ખુલશે અને ૨૨મી સપ્ટેમ્બરે બંધ થશે. બિડ ઓછામાં ઓછા ૩૮ ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ ૩૮ ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ થશે.

સાઈ સિલ્ક કલામંદિર લિમિટેડ (એસએસકેએલ) રૂ.૧,૨૦૦ કરોડના આઇપીઓ સાથે ૨૦મીએ પ્રાથમિક બજારમાં પ્રવેશ કરશે. કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. ૨૧૦-૨૨૨ નક્કી કરી છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટેની બિડ ૧૮મીએ ખૂલશે અને ૨૨મીએ બંધ થશે. મિનિમમ બિડ ૬૭ શેરની છે. ફ્રેશ ઇક્વિટી ઇશ્યૂ રૂ. ૬૦૦ કરોડનો છે. શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ થશે. વૈભવ જ્વેલર્સે તેના રૂ. ૨૭૦ કરોડના આઇપીઓ સાથે ૨૨મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. કંપની આઇપીઓ મારફતચ એકત્રિત નાણાં ભંડોળનો ઉપયોગ આઠ નવા શોરૂમ, ઇન્વેન્ટરી અને કોર્પોરેટ પરપઝ માટે કરશે. ભરણું ૨૬મી સપ્ટેમ્બરે બંધ થશે અને શેર એનએસઇ તથા બીએસઇ પર લિસ્ટેડ થશે. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ ૦.૨૬ ટકા વધીને ૯૩.૯૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

દરમિયાન, બીએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. ૧.૨૫ લાખ કરોડ વધીને રૂ. ૩૨૩.૪૨ લાખ કરોડ થઈ હતી. માર્કેટ બ્રેડ્થ તેજીવાળાઓની તરફેણમાં રહી હતી. સત્ર દરમિયાન ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૧,૯૩૫ શેર વધ્યા હતા, ૧,૬૯૭ ઘટ્યા હતા અને ૧૫૪ મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા.

એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર વધુ એક ઉમેરો
મુંબઇ: મૂડીબજારમાં ખાસ્સો ધમધમાટ ચાલુ રહ્યો છે. મેઇન બોર્ડ સાથે એસએમઇ આઇપીઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર ગુજરાતના જામનગરના મધુસુદન મસાલાનો આઇપીઓ ૧૮ સપ્ટેમ્બરે ખુલશે અને ૨૧મીએ બંધ થશે. કંપની રૂ. ૨૩.૮૦ કરોડ એકત્ર કરશે. બિડ લોટ ૨૦૦૦ શેરની છે. શેરદીઠ ભાવ રૂ. ૬૬ થી રૂ. ૭૦ નક્કી કરવામાં આવ્યા છે. ઈસ્યુના મેનેજર હેમ સિક્યોરિટીઝ છે. કંપની પાસે ચાર દાયકાનો અનુભવ છે અને તે તેની ડબલ હાથી અને મહારાજા બ્રાન્ડ માટે પ્રખ્યાત છે. કંપની વિવિધ પ્રકારના મસાલાનું ઉત્પાદન અને વેચાણ કરે છે. કંપની પાસે ૩૨ પ્રકારના ગ્રાઉન્ડ મસાલાના ૨૧૨ એસકેયુ છે. ૨૦ એસકેયુ આખા મસાલાના છે અને ૫૧ ચા અને અન્યના છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ૨૧૦૦ જથ્થાબંધ વેપારી અને ૩,૭૦૦ રિટેલર્સ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button