શેર બજાર

સતત સાતમાં દિવસની આગેકૂચમાં સેન્સેક્સે 67,000ની સપાટી પુન: હાંસલ કરી, નિફ્ટી નવી વિક્રમી સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં સતત સાતમાં દિવસે આગેકૂચ ચાલુ રહી હતી અને સેન્સેક્સે 67,000ની સપાટી પુન: હાંસલ કરી લીધી હતી, જ્યારે નિફ્ટી નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીએ સત્ર દરમિયાન 20,000 પોઇન્ટની ઐતિહાસિક સપાટીને પહેલી જ વાર સ્પર્શ કર્યો હતો પરંતુ તે અવરોધક સપાટી હોવાથી ત્યાંથી પાછો ફર્યો હતો. સતત સાતમાં દિવસની આગેકૂચમાં સેન્સેક્સે પણ 67,000 પોઇન્ટની સપાટી ફરી હાંસલ કરી લીધી છે. જોકે, તે પોતાની લાઇફ ટાઇમ હાઇ સપાટીથી છેટો રહી ગયો હતો. બજારમાં તેજી રહી હોવા છતાં વિશ્લેષકો અનુસાર હજુ અનેક પડકારો છે. ઉપરાંત મેક્રો ઇકોનોમિક ડેટા કેવા આવે છે, તેની અંદરખાને ચિંતા પણ છે. સત્ર દરમિયાન નિફટી 188.20 પોઇન્ટ અથવા તો 0.94 પોઇન્ટના ઉછાળા સાથે 20,008.15 પોઇન્ટને અથડાયા બાદ 20,000થી માત્ર ચારેક પોઇન્ટની નીચે રહીને અંતે 176.40 પોઇન્ટ અથવા તો 0.89 ટકાના સુધારા સાથે 19,996.35 પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. એ નોંધવું રહ્યું કે જુલાઈ 2023 બાદ નિફ્ટીનો આ નવો રેકોર્ડ હાઈ છે. અગાઉ આ આંકડો 19,995નો હતો. જ્યારે સેન્સેકસ 573.22 પોઇન્ટ અથવા તો 0.86 પોઇન્ટના ઉછાળા સાથે 67,172.13 પોઇન્ટને અથડાયા બાદ અંતે 528.17 પોઇન્ટ અથવા તો 0.79 ટકાના સુધારા સાથે 67,127.08 પોઇન્ટ પર સ્થિર થયો હતો. વિશ્વબજારના મિશ્ર સંકેતો હોવા છતાં, નિફ્ટી 19,900 પોઇન્ટની આસપાસ મજબૂત ટોન સાથે ખુલ્યો હતો અને સત્ર દરમિયાન આગેકૂચ ચાલુ રહી હતી. સત્રના અંતિમ કલાકમાં, નિફ્ટી ઇન્ડેક્સ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને 20,000ની સપાટી પણ વટાવી ગયો હતો. સેન્સેક્સ પણ 67,500 પોઇન્ટની સપાટી પાર કરી ગયો છે જોકે, તે 20 જુલાઈ, 2023ના રોજ સ્પર્શેલા તેના 67,619.17ની વિક્રમી ઊંચી સપાટીથી 492 પોઈન્ટ દૂર છે. જી-20 સમિટની સફળતાથી પ્રોત્સાહિત સ્થાનિક રોકાણકારોની લેવાલીનો ટેકો મળવાથી શેરબજારમાં તેજીનો ટોન જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બૅન્ક જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં સારી લેવાલી રહી હોવાથી બંને બેન્ચમાર્ક ઝડપથી નવી વિક્રમી સપાટી તરફ આગળ વધ્યાં હતાં.
નિફ્ટીમાં સૌથી વધુ વધારા નોંધાવનારા શેરોમાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અપોલો હોસ્પિટલ્સ, એક્સિસ બેન્ક અને પાવર ગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ હતો, જ્યારે સૌથી વધુ ધોવાણ નોંધાવનારા શેરોમાં જિયો ફાઇનાન્શિયલ, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, બજાજ ફાઇનાન્સ અને એલએન્ડટીનો સમાવેશ હતો. રત્નવીર પ્રિસિઝનનો શેર લિસ્ટિંગ સાથે 31 ટકા અને રિષભ ઇન્સ્ટ્રુમેન્ટસ ચાર ટકા ઉછળ્યો હતો, જ્યારે એસએમઇ આઇપીઓમાં આવેલો બ્લીસફુલ 170 ટકા જેવો ઊછળ્યો હતો. ઝેગલ પ્રીપેઇડ ઓશિયન સર્વિસિસનો આઇપીઓ 14મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં આવી રહ્યો છે. પ્રાઇસ બેન્ડ રૂ. 156-164 નક્કી કરવામાં આવી છે. આ ભરણું 18મી સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટેની બિડ 13મી સપ્ટેમ્બરે ખૂલશે. આ ફિનટેક પ્લેયરે ઓગસ્ટમાં બે તબક્કામાં પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ કર્યા બાદ અને રોકાણકારો પાસેથી રૂ. 98 કરોડ એકત્ર કર્યા પછી તેના તાજા ઈશ્યુનું કદ રૂ. 490 કરોડથી સુધારીને રૂ. 392 કરોડ જાહેર કર્યું હતું. જોકે હવે, તાજા ઇશ્યૂનું કદ ઘટાડીને રૂ. 392 કરોડ કરવામાં આવ્યું છે. મિનિમમ બિડ લોટ 90 શેરનો છે. અગ્રણી માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટી આખરે જુલાઈ 2023 પછીના બીજા પ્રયાસમાં બહુઅપેક્ષિત 20,000 પોઇન્ટના આંકને સ્પર્શવામાં સફળ રહ્યો છે.
વિદેશી રોકાણકારોના મિશ્ર અને નકારાત્મક રોકાણ પ્રવાહ છતાં સ્થાનિક રોકાણકારોના મજબૂત રોકાણ પ્રવાહના આધારે નિફ્ટીને આ સીમાચિહ્ન હાંસલ કરવામાં મદદ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button