સેન્સેક્સ 376 પોઇન્ટ ઊછળ્યો, એફએમસીજી અને બેન્ક શૅરોને સહારે નિફ્ટીમાં ત્રણ સત્રની પીછેહઠ બાદ સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્વબજારના નકારાત્મક સંકેતને અવગણીને આઇસીઆઇસીઆઇ બેન્ક, એચયુએલ અને એચડીએફસી બેન્ક જેવા બ્લુચીપ શેરોની આગેવાનીએ નીકળેલી લેવાલીના ટેકાએ સેન્સેક્સે 376 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો જ્યારે નિફ્ટી 25,000ની સપાટી તરફ આગળ સરકય્ો હતો. સત્રને અંતે સેન્સેક્સ 375.61 પોઇન્ટ અથવા તો 0.46 ટકા વધીને 81,559.54ની સપાટીએ અને નિફ્ટી 84.25 પોઇન્ટ અથવા તો 0.34 ટકાના સુધારા સાથે 24,936.40ની સપાટીએ સ્થિર થયો હતો.
હિંદુસ્તાન યુનિલીવર, આઇસીઆઇસીઆઇ બેન્ક, આઇટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, અલ્ટ્રઆટેક સિમેન્ટ અને એચડીએફસી બેન્ક સેન્સેક્સના ટોપ ગેઇનર્સ શેરોમાં સામેલ હતા, જ્યારે ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એનટીપીસી, ટાટા મોટર્સ, પાવર ગ્રીડ અને ટાઇટન ટોપ લૂઝર્સ શેરોમાં સામેલ હતા.
વિશ્વબજારના નેગેટિવ સંકેત પાછળ બજાર નીચા મથાળે ખૂલ્યું હતું, પરંતુ નીચા મથાળે લેવાલી નીકળતા બજાર પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યું હતું. નિષ્ણાતોના મતે બજાર અમેરિકાના અર્થતંત્રની ચિંતા અને ફેડરલ રિઝર્વના રેટ કટ અંગેના નિર્ણય અગાઉ સ્થિર થવા મથી રહ્યું છે. બ્રોડર માર્કેટમાં મિડકેપ શેરોમાં પીછેહઠ રહી હતી જ્યારે સ્મોલ કેપ સેગમેન્ટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
આ સપ્તાહે 13થી 14 આઇપીઓ આવી રહ્યાં છે. બજાજ હાઉસિંગનો આઇપીઓ ખૂલતાવેંત ગણતરીની મિનિટોમાં સંપૂર્ણ છલકાઇ ગયો હતો. પીએન ગાડગીલ અને ટોલિન્સ ટાયર મેઇન બોર્ડ આઇપીઓ લાવી રહ્યાં છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે જાહેર ક્ષેત્રની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની સાથે સહયોગ સાધીને પોતાના ગ્રાહકોને મોટર વીમાથી સાઇબર ઇન્સિડેન્ટ વીમા સહિતના જનરલ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડવાની વ્યવસ્થા ઊભી કરી છે.
સસ્ટેનેબલ ફૂટવેરની અગ્રણી બ્રાન્ડ ગ્રીનસોલ ફૂટવેરે એક્સપાન્શન પ્લાન અંતર્ગત મુંબઇમાં ફ્લેગશિપ આઉટલેટની સ્થાપના કરી છે. કંપની આગામી બે વર્ષમાં દેશભરના મેટ્રો શહેરોમાં બ્રાન્ચ વિસ્તરણની યોજના ધરાવે છે. હાલ કંપની વેબસાઇટ અને વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મને માધ્યમે ઇકો ફ્રેન્ડલી અને વેગન ફેશન ફૂટવેરનું સેલ્સ મોડલ ધરાવે છે. કંપની ફૂટવેરના ઉત્પાદનમાં રિસાઇકલ્ડ સોલ અને ઓર્ગેનિક તથા સસ્ટેનેબલ મટિરિયલનો ઉપયોગ કરે છે.
ભારતી એરટેલે એનબીએફસી અને સ્મોલ ફાઇનાન્સ બેન્કો સાથે ટાઇ અપ કરીન એરટેલ ફાઇનાન્સ નામે, ફિકસ્ડ ડિપોઝિટ માર્કેટપ્લેસની જાહેરાત કરી છે. વેસ્ટર્ન કેરિઅર્સ અને એથર એનર્જી આઇપીઓ લાવી રહી છે. ગાલા પ્રિસિઝનનો શેર તેના રૂ. 529ના ઇશ્યૂ ભાવ સામે 41.77 ટકા વધીને રૂ. 750ના ભાવે લિસ્ટેડ થયો હતો અને પાછળથી 48.77 ટકા વધીને રૂ. 787 બોલાયો હતો.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં હિંદુસ્તાન યુનિલિવર 2.95 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 2.43 ટકા, આઈટીસી 1.96 ટકા, કોટક બેન્ક 1.59 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 1.40 ટકા, એક્સિસસ બેન્ક 0.99 ટકા, એચડીએફસી બેન્ક 0.64 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.53 ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર 0.50 ટકા અને નેસ્લે 0.48 ટકા વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર 2.68 ટકા, એનટીપીસી 1.32 ટકા, ટાટા સ્ટીલ 1.22 ટકા, તાતા મોટર્સ 0.96 ટકા, પાવર ગ્રીડ 0.41 ટકા, ટાઈટન 0.41 ટકા ઈન્ફોસિસ 0.39 ટકા, એચસીએલ ટેકનોલોજી 0.35 ટકા સન ફાર્મા 0.29 ટકા અને મારુતિ 0.25 ટકા ઘટ્યા હતા.
અમેરિકાના જોબ ડેટા નબળા રહ્યાં હોવાને કારણે વોલ સ્ટ્રીટના ધબડકા પાછળ એઇશયાઇ બજારોમાં પીછેહઠ જોવા મળી હતી. વૈશ્વિક શેરબજારમાં સાવચેતીનું માનસ છે અને નિષ્ણાતોના મતે ટૂંકા ગાળાનું ચિત્ર તેજી માટે ધૂંધળું છે. આ સપ્તાહે ફુગાવાના ડેટા, આઇપીઓની વણઝાર, ક્રૂડ ઓઇલના ભાવ, ફેડરલના કરતબો અને વિશ્વબજારના સંકેતો બજારની દિશા નક્કી કરશે.
વૈશ્વિક ધોરણે ફેડરલ રિઝર્વની બેઠક અગાઉ 11 સપ્ટેમ્બરે જાહેર થનારા યુએસ ઇન્ફ્લેશન રિપોર્ટ અને 14મી સપ્ટેમ્બરે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ પર રહેશે. સ્થાનિક ધોરણે 12મી સપ્ટેમ્બરે સીપીઆઇ અને આઇઆઇપી ડેટા પણ બજારને સંકેત આપશે.
ટેકનિકલ ધોરણે નિફ્ટી માટે 24,500-24,400 મહત્ત્વનો સપોર્ટ ઝોન છે, જો બેન્ચમાર્ક 24,400ની સપાટી તોડશે તો વધુ 300થી 400 પોઇન્ટ નીચે જઇ શકે છે. જ્યારે આગેકૂચ માટે નિફ્ટીએ 25,350ની ઉપર મક્કમ બંધ આપવો પડશે. નોંધવું રહ્યું કે, અમેરિકાની મંદીની ચિંતા ફરી સપાટી પર આવવાથી વૈશ્વિક ઇક્વિટી બજારમાં નરમાઇનો માહોલ જામતાં મંદીવાળા હાવી થઇ ગયા હોવાથી શુક્રવારે સેન્સેક્સમાં 1017 પોઇન્ટનો કડાકો બોલાવા સાથે બીએસઇ પર લિસ્ટેડ શેરોના કુલ બજાર મૂલ્યમાં લગભગ રૂ. 5.49 લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. સેન્સેક્સ 1,017.23 પોઈન્ટ ઘટીને 81,183.93 પોઇન્ટની, જ્યારે નિફ્ટી 292.95 પોઈન્ટ ઘટીને 24,852.15 પોઇન્ટના સ્તરે સ્થિર થયો છે.
ક્રૂડ ઓઇલના ભાવ ગયા સપ્તાહે દસેક ટકા ઘટ્યા હતા. આમ તો આ સારી બાબત છે પરંતુ તેના કારણો જોઇએ તો ચીન અને અમેરિકાના અર્થતંત્રની મંદ ગતિ જેવી બાબતો હોય તો તે ફરી શેરમાર્કેટ માટે પણ નેગેટિવ બાબત છે. પાછલા સપ્તાહે એફઆઇઆઇએ એક્સચેન્જ અને પ્રાઇમરી માર્કેટ મારફત રૂ. 11,000 કરોડનું રોકાણ કર્યું હતું.
સોમવારે બીએસઈ સેન્સેક્સ ગત શુક્રવારના 81,183.93ના બંધથી 375.61 પોઈન્ટ્સ (0.46 ટકા) વધ્યો હતો. માર્કેટ કેપ રૂ.0.19 લાખ કરોડ ઘટીને રૂ.460.17 લાખ કરોડ રહ્યું હતું. સેન્સેક્સ 80,973.75 ખૂલીને ઊંચામાં 81,653.36 સુધી અને નીચામાં 80,895.05 સુધી જઈને અંતે 81,559.54 પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની 16 સ્ક્રિપ્સ વધી હતી અને 14 સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં 4,181 સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં 1,650 સ્ટોક્સ વધ્યા હતા, 2,390 સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે 141 સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. 266 સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે 54 સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ 0.28 ટકા અને બીએસઈ સ્મોલકેપ 0.65 ટકા ઘટ્યો હતો. સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ 0.06 ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ 1.77 ટકા ઘટ્યો હતો.
સેકટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી 1.65 ટકા, બેન્કેક્સ 1.15 ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ 0.73 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ 0.64 ટકા અને કંઝ્યુમર ડિસ્ક્રેશનરી 0.04 ટકા વધ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ 1.63 ટકા, એનર્જી 1.22 ટકા, મેટલ 0.77 ટકા, આઈટી 0.61 ટકા, ટેલિકોમ 0.57 ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ 0.56 ટકા, કેપિટલ ગુડ્સ 0.49 ટકા, પાવર 0.42 ટકા, ટેક 0.37 ટકા, રિયલ્ટી0.32 ટકા, યુટિલિટીઝ 0.29 ટકા, સર્વિસીસ 0.26 ટકા, હેલ્થકેર 0.24 ટકા, ઓટો 0.21 ટકા અને કોમોડિટીઝ 0.17 ટકા ઘટ્યા હતા.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 206.04 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ 1,273 સોદામાં 2,422 કોન્ટે્રક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ 28,28,018 કોન્ટે્રક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. 2,28,26,280.65 કરોડનું રહ્યું હતું.