શૅરબજારને જન્માષ્ટમી ફળી: નિફ્ટીએ 25,000ની સપાટી પુન:પ્રાપ્ત કરી, સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર માટે સપ્તાહનું પ્રથમ સત્ર શુકનવંતુ નિવડ્યું છે. તેજીવાળાઓને જન્માષ્ટમી ફળી છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં રેટકટની જાહેરાત કરશે એવી આશા વચ્ચે ધારણાં અનુસાર જ નિફ્ટી 25,000ની સપાટી ફરી હાંસલ કરવામાં સફળ રહ્યો છે. સત્રને અંતે સેન્સેક્સ 611.90 પોઈન્ટ અથવા 0.75 ટકા વધીને 81,698.11 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 187.40 પોઈન્ટ અથવા 0.75 ટકા વધીને 25,010.60 પોઇન્ટના સ્તર પર સ્થિર થયો હતો.
એચસીએલ ટેકનોલોજીસ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટૂબ્રો અને ટીસીએસ ટોપ ગેઇનર્સ રહ્યા હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, મારુતિ અને હિંદ લીવર ટોપ લૂઝર્સ રહ્યાં હતાં.
ઇન્ટરઆર્ચ બિલ્ડિંગ પ્રોડક્ટ્સના શેર તેના રૂ. 900ના ઇશ્યૂ ભાવ સામે 43.46 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 1291.20ની ઊંચી સપાટીએ લિસ્ટેડ થઇ સત્ર દરમિયાન 44.33 ટકા ઉછળી રૂ. 1316 બોલાયો હતો.
ઝૂનઝૂનવાલાનું રોકાણ ધરાવતી બાઝાર સ્ટાઇલ રિટેલ્સ 30મી ઓગસ્ટે રૂ. 148 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને 1.76 કરોડની ઓએફએસ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ભરણું ત્રીજી સપ્ટેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. 370થી રૂ. 389 છે અને ભરણાંનું કદ રૂ. 835 કરોડ છે. આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં કુલ આઠ આઇપીઓ આવી રહ્યાં છે.
રિલાન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ પાવરના શેરમાં પાંચ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. અકમ્સ ડ્રગ્સે પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 60 કરોડનો નફો અને રૂ. 1026 કરોડની કુલ આવક નોંધાવી છે. ઓરિએન્ટલ ટ્રાઇમેક્સ લિમિટેડ સ્ટોન પ્રોસેસિંગ ક્ષેત્રે પ્રવેશી રહી છે, ઉપરાંત કંપની ગ્રેટર નોઇડામાં બિલ્ડિંગ મટિરિયલ્સ માર્કેટમાં 21,000 ચોરસ ફૂટ શોરૂમ ઊભો કરી રહી છે. ઓરિસ્સામાં જેટ બ્લેક ગ્રેનાઇટ ક્વેરી હસ્તગત કરવા સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે.
હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, એચસીએલ ટેક્નોલોજીસ, બજાજ ફિનસર્વ અને ઓએનજીસીનો નિફ્ટીના ટોપ ગેઇનર્સ શેરોમાં સમાવેશ હતો, જ્યારે ટોપ લૂઝર્સમાં અપોલો હોસ્પિટલ્સ, હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ અને મારૂતિ સુઝુકીનો સમાવેશ હતો. પીએસયુ બેંક સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી એકથી બે ટકાના સુધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. મિડકેપ ઈન્ડેક્સ 0.6 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.2 ટકા વધ્યો હતો.
ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના બદલાયેલા સ્ટાન્સ સાથે રેટકટની આશા વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી વધવાની પ્રબળ સંભાવના અને એચડીએફસી બેન્ક તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં લેવાલી નીકળવાને કારણે પણ સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. બીએસઇ પર ટે્રડેડ કુલ શેરોમાંથી લગભગ 2075 શેર ઊંચી સપાટીએ પહોચ્યા હતા, 1791 શેર ગબડ્યા હતા અને 138 શેર મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા. લાર્જકેપ શેરોની કામગીરી સ્મોલ અને મિડકેપ શેરો કરતા આ સત્રમાં સારી રહી હતી.
એકંદરે શેરબજાર હાલ તેજી પર સવાર છે. વાસ્તવમાં ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરથી વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા ત્યારથી તેજીનો પવન શરૂ થઈ ગયો હતો અને ગ્લોબલ ઇકવિટી માર્કેટમાં તેની અસર વર્તાઈ છે, જે સ્થાનિક બજારમાં પણ દેખાઇ છે. અમેરિકાની ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં રેટ કટનો સંકેત આપ્યો છે, જેને કારણે યુએસ ટે્રઝરી યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે એમ જણાવતાં જિઓજિતના રિસર્ચ હેડ વિનોદ નાયર કહે છે કે, રેટ કટના પ્રમાણ અંગે કોઈ સંકેત ન હોવા છતાં વૈશ્વિક બજારોમાં તેજી આવી છે.
ડીઆઇઆઇના સતત મજબૂત પ્રવાહ સાથે એફઆઇઆઇના વલણમાં સકારાત્મકથી નકારાત્મક તરફના ફેરફારને કારણે ભારતીય બજારો નવી ટોચે પહોંચ્યા છે. એકંદરે બજારનું વલણ હકારાત્મક રહ્યું હોવા છતાં, વ્યાપક બજાર (મિડકેપ અને સ્મોલ કેપ)ની તુલનામાં તંદુરસ્ત કમાણી અને પ્રમાણમાં વાજબી મૂલ્યાંકનના કારણે લાર્જ કેપ્સ આઉટપરફોર્મ કરી રહ્યાં છે. આઇટી, રિયલ્ટી, એફએમસીજી અને ક્નઝમ્પશન શેરોમાં આશાવાદી આઉટલૂકને કારણે સુધારો થયો છે.
આ સપ્તાાહમાં બજાર વધે તેવા ઘણા કારણો ભેગા થયા છે. એક કારણ એ છે કે 30 ઓગસ્ટે જૂન મહિનામાં પુરા થયેલા ત્રિમાસિક ગાળાના જીડીપી ગ્રોથના આંકડા જાહેર થવાના છે જે પ્રોત્સાહક હોવાની ધારણા છે. આ ઉપરાંત અમેરિકાના ગ્રોથના આંકડા પણ સારા રહેવાની સંભાવના છે. સ્થાનિક સ્તરે ભારતમાં આ વખતે ચોમાસુ ઘણું સારુ રહ્યું છે અને ખાસ તો કંપનીઓના નફા વધી રહ્યા છે. બજારના સાધનો અનુસાર 29મી ઓગસ્ટે યોજાનારી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની એજીએમમાં કોઇ મોટી જાહેરાત થવાની સંભાવના છે. બજાર ખાસ કરીને જીઓના આઇપીઓને લગતી કોઈ મોટી ખબરના ઇન્તઝારમાં છે.
દરમિયાન, એશિયન બજારોમાં, શાંઘાઈ અને હોંગકોંગ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા જ્યારે સિયોલ અને ટોક્યોિ નીચા સ્તરે બંધ થયા છે. યુરોપિયન શેરબજારો બપોરના સત્ર સુધી મોટેભાગે નીચા મથાળે ટે્રડ થઈ રહ્યા હતા. શુક્રવારે યુએસ બજારો નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યાં હતાં.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ શુક્રવારે રૂ. 1,944.48 કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.08 ટકા વધીને 79.87 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. પાછલા સત્રમાં શુક્રવારે સતત ચોથા સત્રમાં વધીને ઇજઊ બેન્ચમાર્ક 33.02 પોઈન્ટ અથવા 0.04 ટકા વધીને 81,086.21 પર બંધ થયો હતો. એનએસઇ નિફ્ટી 11.65 પોઈન્ટ અથવા 0.05 ટકા વધીને 24,823.15 પર બંધ રહ્યો હતો, જે સતત સાતમા સત્રમાં વધારો નોંધાવ્યો હતો.