અમેરિકન ઇન્ફ્લેશનના ઘટાડાથી ભારતીય શૅરબજારમાં ઉછાળો: સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: યુરોપ અને એશિયાઇ બજારોના સુધારા સાથે સ્થાનિક બજારના સેન્ટિમેન્ટમાં સુધારો આવતાં સેન્સેક્સ અને નિફ્ટીએ જુલાઇના પહેલા સત્રમાં ફરી એકવાર નવી વિક્રમી ઊંચી સપાટી હાંસલ કરી છે. સેન્સેક્સ 79,500ની નિકટ અને નિફ્ટી 24,100ની ઉપર પહોચ્યો છે.
સત્ર દરમિયાન 528.27 પોઇન્ટ અથવા તો 0.66 ટકાના ઉછાળા સાથે 79,561 પોઇન્ટની વિક્રમી ઊંચી સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ 443.46 પોઇન્ટ અથવા તો 0.56 ટકાના ઉછાળા સાથે 79,476.19 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી સત્ર દરમિયાન તેની શુક્રવારની 24,174 પોઇન્ટની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટીથી માત્ર 10 પોઇન્ટ છેટે 24,164 પોઇન્ટની સપાટીને અથડાઇને અંતે 131.35 પોઇન્ટ અથવા તો 0.55 ટકા વધીને 24,141.95 પોઇન્ટની નવી વિક્રમી ઊંચી સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સના શેરોમાં ટેક મહિન્દ્રા, અલ્ટ્રા ટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, હિંદુસ્તાન યુનિલીવર, ટીસીએસ, જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ફોસિસ, એચડીએફસી બેન્ક, ટાટા મોટર્સ અને આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ ગેઇનર્સમાં હતા.
એનટીપીસી, સ્ટેટ બેન્ક, લાર્સન, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેન્ક અને એક્સિસ બેન્ક ટોપ લુઝર્સ રહ્યાં હતાં. ભારતીય શેરબજારમાં નવા માસની શરૂઆત રોકાણકારો માટે આકર્ષક રહી છે. રોકાણકારોની મૂડી રૂ. 3.87 લાખ કરોડ વધી છે. પસંદગીના સ્મોલકેપ અને મિડ કેપ શેર્સમાં 20 ટકા સુધીના ઉછાળા સાથે નવી રેકોર્ડ ટોચ જોવા મળી છે.
લાર્સન એન્ડ ટૂબ્રોએ ઓએનજીસીનો મોટો ઓર્ડર મળ્યો હોવાનું જણાવ્યું છે. સામાન્ય રીતે રૂ. 1000થી રૂ. 2500 કરોડવના ઓર્ડરને મોટા ઓર્ડર તરીકે કંપની વર્ગીકૃત
કરે છે.
મઝગાવ સ્થિત લકઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ધી આગા હોલ ઇસ્ટેટે તેના સેલ્સ પેવેલિયન અને શો એપાર્ટમેન્ટનો પ્રારંભ જાહેર કર્યો છે. આ પ્રોજેક્ટમાં પ્રિન્સ અલી ખાન હોસ્પિટલ અને બે હાઇ રાઇઝ ટાવર છે. જેએસડબલ્યુ એનર્જીએ સરકારી કંપની એસજેવીએન સાથે રાજસ્થાનમાં 700 મોગાવોટ ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ સોલાર પ્રોજેકટ માટે કરાર કર્યા છે.
ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્ડિયા લિમિટેડની વિદેશી સ્ાબ્સિડરી ટેક્સોલ લ્યૂબ્રિટેક એફઝેડસીને યુએઇની આબૂધાબી નેશનલ ઓઇલ કંપની (એન્ડોક), પીજેએસઇ, તરફથી નોંધપાત્ર કોન્ટે્રકટ પ્રાપ્ત થયો છે, જેની અંતર્ગત તે એન્ડોકને માટે કોન્ટે્રકટ ધોરણે પેકેજ અને લેબલનું ઉત્પાદન કરીને પ્રોડક્ટ સપ્લાય કરશે. કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે, આ ઓર્ડરથી કંપનીની મધ્યપૂર્વના દેશોમાં વધુ મજબૂત બનશે. અમેરિકન ફિનટેક પ્લેટફોર્મ ટિફિને ક્નવર્સેશનલ એઆઇ આસિસટન્ટ માયફાઇ સાથે ભારતીય બજારમાં પ્રવેસ કર્યો છે. નિવા બુપા હેલ્થે રૂ. 3000ના આઇપીઓ માટે સેબી પાસે દસ્તાવેજ જમા કરાવ્યાં છે.
સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 સ્ક્રિપ્સમાંના મુખ્યત્વે ટેક મહિન્દ્ર 2.94 ટકા, બજાજ ફાઈનાન્સ 2.24 ટકા, અલ્ટ્રા સિમેન્ટ 2.22 ટકા, ટીસીએસ 1.75 ટકા, ઈન્ફોસિસ 1.46 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ 1.35 ટકા. એચડીએફસી બેન્ક 1.26 ટકા અને તાતા મોટર્સ 1.17 ટકા અને હિંદુસ્તાન યુનિલિવર 1.09 ટકા વધ્યા હતા, જ્યારે એનટીપીસી 2.23 ટકા, સ્ટેટ બેન્ક 0.80 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 0.45 અને બજાજ ફિનસર્વ અને પાવર ગ્રીડ 0.38 ટકા ઘટ્યા હતા.
અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થશે એવી આશાએ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે. અમેરિકાના પીસીઇ ઇન્ફ્લેશનમાં ઘટાડો થયો હોવાને કારણે ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં રેટ કટ કરશે એવી આશા જાગી છે. નિષ્ણાતો માને છે કે આ આશાવાદ ખાસ કરીને આઇટી શેરોની કામગીરીમાં સુધારો લાવી શકે છે.
એશિયાઇ બજારમાં સિઓલ, ટોકિઓ અને શાંઘાઇ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો અને યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર સુધીમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાના બજારોમાં શુક્રવારે નરમાઇ રહી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.51 ટકાના સુધારા સાથે બેરલદીઠ 85.43 ડોલર બોલાયું હતું.
એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. 23.09 કરોડના શેરની વેચવાલી નોંધાવી હતી.
શેરબજારની તેજી મંદી પર એફઆઇઆઇના વલણની ખાસ અસર થતી હોય છે. વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (એફઆઈઆઈ)એ પાંચ મુખ્ય ક્ષેત્રોમાંથી રૂ. એક લાખ કરોડનું રોકાણ પાછું ખેચ્યું છે અને આગળના વલણનો આધાર સરકાર આગામી અંદાજપત્રમાં કેવા પગલાં જાહેર કરે છે તેના પર રહેલો છે. આ પાંચ મોટા ક્ષેત્રોમાં બાંધકામ, આઈટી, નાણાંકીય, ઓઈલ અને ગેસ તથા એફએમસીજીનો સમાવેશ છે.
કેન્દ્રિય અંદાજપત્રની સૌ પ્રતિક્ષા કરી રહ્યાં છે કારણ કે તેના પરથી સરકારના વલણ અને વિદેશી ફંડોની ચાલનો અંદાજ મળી શકશે. આ તરફ મોસમના મિજાજ પર પણ ઘણો આધાર છે.
આખલો ચાતકની જેમ વરસાદની પ્રતીક્ષા કરી રહ્યો છે અને આખા અર્થતંત્રનું ભારણ મેઘરાજ પર છે. વરસાદની અસંતુલિત વહેંચણી અને ખેંચ ફુગાવો વકરાવશે અને અર્થતંત્રની ગાડીને બ્રેક મારશે એવી આશંકા પણ સેવાઇ રહી છે.
પાછલા સપ્તાહે ખાસ કરીને ફુગાવાની ચિંતાને કારણેે વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો છતાં ભારતીય બેન્ચમાર્ક શેરઆંકોએ આ સપ્તાહે લગભગ રોજ નવા શિખર સર કરવા સાથે નોંધપાત્ર સુધારો પણ નોંધાવ્યો હતો. બજારોએ પ્રવર્તમાન અપટે્રન્ડને ચાલુ રાખીને પાછલા અઠવાડિયે બે ટકાથી વધુનો જમ્પ નોંધાવીને બે સપ્તાહના કોન્સોલિડેશનનો તબક્કો પૂરો કર્યો છે.
દરમિયાન, થાઈલેન્ડ, પોલેન્ડ અને ચેક રિપબ્લિક, એમ ત્રણ દેશ ભારતના ત્રણ ઉભરતા બજાર સ્પર્ધકો છે, જેમને આગામી 10 મહિનામાં જેપી મોર્ગન ઇમજગ માર્કેટ્સ બોન્ડ ઈન્ડેક્સમાં પોતપોતાના વેઈટેજમાં ઘટાડાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે એમ એચએસબીસીના વિશ્લેષકોએ તાજેતરમાં જણાવ્યું હતું. 28 જૂન, 2024થી ભારત સરકારની સિક્યોરિટીઝ આ ઇન્ડેક્સમાં સામેલ થવાનું શરૂ થયું છે.