બજાર બે મહિનાની ઊંચી સપાટીએ; સેન્સેક્સમાં ૩૩૩ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી ૧૯,૮૦૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસામાં વરસાદની ખાધ, વિશ્ર્વબજારના નબળા સંકેત અને વિદેશી ફંડોની વેચવાલી છતાં એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીએ શરૂ થયેલી લેવાલીના ટેકાએ બેન્ચમાર્કે સતત છઠા દિવસે આગેકૂચ ચાલી રાખી હતી. બજાર બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યુ છે, જ્યારે સેન્સેક્સે ૩૩૩ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો છે. વિશ્ર્વબજારની મંદીની ચિંતા ખંખેરીને નિફ્ટી ૧૯,૮૦૦ની ઉપર સ્થિર થયો છે.
હેલ્થકેર સિવાયના તમામ ક્ષેત્રોમાં લેવાલીના ટેકા સાથે આગળડ વધતાં સેન્સેક્સ ૩૩૩.૩૫ પોઈન્ટ્સ અથવા ૦.૫૦ ટકા વધીને ૬૬,૫૯૮.૯૧ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૯૨.૯૦ પોઈન્ટ્સ અથવા ૦.૪૭ ટકા વધીને ૧૯,૮૧૯.૯૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ ૫૦૧.૩૬ પોઇન્ટ અથવા તો ૦.૭૫ ટકાના ઉછાળા સાથે ૬૬,૭૬૬.૯૨ પોઇન્ટની ઊંચી સપાટીએ પહોચ્યો હતો.
નબળા વૈશ્ર્વિક સંકેતો હોવા છતાં બજાર સકારાત્મક ખુલ્યું અને દિવસ આગળ વધતા આગેકૂચ ચાલુ રાખી હતી. મધ્યસત્ર દરમિયાન નિફ્ટીએ તેલ અને ગેસ, કેપિટલ ગુડ્સ, પાવર અને રિયલ્ટી સેકટરના શેરોમાં થયેલા વધારાને કારણે ૧૯,૮૦૦ પોઇન્ટના નિર્ણાયક સ્તરને ફરીથી હાસલ કર્યો હતો. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ અને નિફ્ટી લગભગ બે ટકા વધ્યા છે અને તેમની બે મહિનાની ટોચની નજીક પહોંચ્યા હતા.
કોલ ઈન્ડિયા, એનટીપીસી, બીપીસીએલ, ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટુબ્રો નિફ્ટીમાં ટોપ ગેનર્સ શેરોમાં સામેલ હતા. જ્યારે યુપીએલ, આઇશર મોટર્સ, એપોલો હોસ્પિટલ્સ, આઇટીસી અને અલ્ટ્રાટેક સિમેન્ટનો ટોપ લુઝર્સ શેરોમાં સમાવેશ હતો. મૂડીજારમાં હલચલ ચાલુ રહી છે. આરઆર કાબેલનું રૂ. ૧,૯૬૪ કરોડનું ભરણું ૧૩ સપ્ટેમ્બરે આવી રહ્યું છે. આ તરફ યુનિહેલ્થ ક્ધસ્લ્ટન્સી લિમિટેડનો રૂ. ૫૬.૫૫ કરોડનો આઇપીઓ એનએસઇ ઇમર્જ પર આવી રહ્યો છે, જે ૧૨ સપ્ટેમ્બર સુધી ખૂલ્લો રહેશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૨૬થી રૂ. ૧૩૨ નક્કી કરી છે. એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી કંપનીએ રૂ. ૧૬.૦૮ કરોડ એકત્ર કર્યા છે.
સેક્ટોરલ મોરચે, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી દરેક ૧.૫-૨ ટકા વધ્યા હતા, જ્યારે ફાર્મા ઇન્ડેક્સ ૦.૩ ટકા નીચે હતો. મિડકેપ ઈન્ડેક્સ ૦.૯ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪ ટકા વધ્યા છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, આરઇસી અને હેવેલ્સમાં લોંગ બિલ્ડઅપ જોવા મળ્યો હતો, જ્યારે ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ, ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ અને ગ્લેનમાર્ક ફાર્મામાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.
વ્યક્તિગત શેરોમાં, આઇઆરસીટીસી, ભેલ અને હેવેલ્સ ઇન્ડિયાના શેરના વોલ્યુમમાં ૩૦૦ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ઓરિયનપ્રો સોલ્યુશન્સ, ઓબેરોય રિયલ્ટી, કોલટે-પાટીલ ડેવલપર્સ, ગ્રેફાઈટ ઈન્ડિયા, સોનાટા સોફ્ટવેર, ટીવીએસ મોટર, હેવેલ્સ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોલ ઈન્ડિયા, મઝાગોન ડોક શિપબિલ્ડર્સ, ડીએલએફ, શેલેટ હોટેલ્સ, આઈડીબીઆઈ બેંક, બિકાજી ફુડ્સ ઈન્ટરનેશનલ, ફેડરલ બેંક, ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન, બીએસઇ પર તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા છે.
સેન્સેક્સમાં એનટીપીસી ૨.૬૫ ટકા, ટાટા મોટર્સ ૨.૦૨ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૯૩ ટકા, બજાજ ફિનસર્વ ૧.૪૨ ટકા અને ભારતી એરટેલ ૧.૦૨ ટકા વધ્યા હતા, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૯ ટકા, આઈટીસી ૦.૭૧ ટકા, વિપ્રો ૦.૫૮ ટકા, ટેક મહિન્દ્રા ૦.૫૪ ટકા અને ટાટા સ્ટીલ ૦.૪૬ ટકા ઘટ્યા હતા. બી ગ્રુપની એક કંપનીને ઉપલી સહિત બધા ગ્રુપની કુલ ૧૭ કંપનીઓમાંથી ૧૬ કંપનીઓને ઉપલી અને એક કંપનીને નીચલી સર્કીટ લાગી હતી.