![Stock market consolidation likely to hold bullish hand amid speed breakers](/wp-content/uploads/2024/12/Share-Market-1.webp)
નિલેશ વાઘેલા
મુંબઇ: દિલ્હી સરકાર બદલાઈ રહી હોવાના સમાચારને અવગણી શેરબજાર સપ્તાહના પહેલા દિવસે ગબડી રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ લગભગ ૭૦૦ પોઈન્ટ્સથી વધુ ગબડ્યો અને નિફ્ટી 23,400ની નીચે સરકી ગયો છે, મેટલ શેરો ગબડ્યા, રૂપિયો ઓલ ટાઈમ નીચી સપાટીએ પટકાયો છે.
ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે નીચા મથાળે ટ્રેડ થઈ રહ્યા છે, કારણ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ અઠવાડિયે કેટલાક દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાતને પગલે વૈશ્વિક વેપારની ચિંતાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને ફટકો માર્યો છે. ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ સોમવાર અથવા મંગળવાર સુધીમાં ટેરિફનું લાગુ કરવાની યોજના ધરાવે છે, યુ.એસ.ની તરફેણમાં વૈશ્વિક વેપાર ગતિશીલતાને ફરીથી આકાર આપવાના પ્રયત્નોને તે ઝડપી બનાવવા માંગે છે.
સેન્સેક્સ શેરોમાં, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ, એનટીપીસી, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક નીચા ખુલ્યા હતા અને વેચવાલી જોવા મળી હતી, જ્યારે એમ એન્ડ એમ, ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ અને એસબીઆઇએ પ્રારંભિક કામકાજમાં સુધારો બતાવ્યો હતો.
વોલેટિલિટી ઇન્ડેક્સ પાંચ ટકાથી વધુ વધ્યો હતો, નિફ્ટી મેટલ બે ટકા ઘટ્યો હતો. સાઉદી અરેબિયામાં રૂ. 3,251 કરોડનો ઓર્ડર મેળવવા પર વા ટેક વા બેગના શેરમાં ૧૩ ટકાનો ઉછાળો હતો. ઝેગલ પ્રીપેડનો શેર 10% તૂટ્યો હતો અને લોઅર સર્કિટ પર અથડાયો હતો.
કેબિનેટે ફોર જી વિસ્તરણ માટે રૂ. ૬૦૦૦ કરોડના પેકેજને મંજૂરી આપતાં એમટીએનએલનો શેર 10% ઊછળ્યો હતો.
ત્રીજા ક્વાર્ટરમાં પરિણામોની જાહેરાત પછી ડેલ્હીવરીનો શેર 4% તૂટ્યો હતો. બે મોટા પ્રોજેક્ટ મેળવવાની જાહેરાતે ભેલનો શેર 4% વધ્યો હતો.
આ પણ વાંચો : Stock Market: વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો વચ્ચે શેરબજારમાં કડાકો…
દિલ્હીની ચૂંટણીના પરિણામો, ખાસ કરીને ભાજપની જીત બજારના પરિપ્રેક્ષ્યમાં સકારાત્મક હોવા છતાં, બજારમાં તેજી લાવવામાં સફળ રહ્યો નથી. ડોલર ઇન્ડેક્સ 108થી ઉપર અને 10-વર્ષના યુએસ બોન્ડ યીલ્ડ 4.4% થી ઉપર હોવાથી, એફઆઈઆઈ કોઈપણ સંભવિત અપસાઇડને પ્રતિબંધિત કરતી વેચવાલી ચાલુ રાખશે.
એ સમજવું અગત્યનું છે કે ભારતમાં, ખાસ કરીને વ્યાપક બજારમાં વેલ્યુએશન્સ હજુ ઉંચી બાજુએ ચાલુ છે. બજારને જીડીપીની વૃદ્ધિ અને અર્નિંગ રિબાઉન્ડના સંકેતો જેવા મૂળભૂત ટ્રિગર્સની જરૂર છે. બજારના નિષ્ણાતો અનુસાર હાલને તબક્કે રોકાણકારોએ વાજબી મૂલ્ય ધરાવતા ઉચ્ચ ગુણવત્તાવાળા લાર્જકેપને વળગી રહેવું જોઈએ.