
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી વર્ષ 2026માં વધુ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ વધુ પ્રબળ બનતા આજે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાથી સ્થાનિકમાં પણ આજે ખાસ કરીને આઈટી, ઑટોમોબાઈલ અને મેટલ શૅરોમાં વ્યાપક લેવાલી નીકળવાની સાથે ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1830.89 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જાણવા મળતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સે 638 પૉઈન્ટની અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીએ 206 પૉઈન્ટની છલાંગ સાથે પુનઃ 26,150ની સપાટી કુદાવી હતી.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 84,929.36ના બંધ સામે સુધારાના અન્ડરટોને 85,145.90ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 85,145.86 અને ઉપરમાં 85,601.33ની રેન્જમાં અથડાઈને અંતે 0.75 ટકાના સુધારા સાથે 85,567.48ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે આજે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 25,966.40ના બંધ સામે વધીને 26,055.85ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 26,047.80 અને ઉપરમાં 26,180.70ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 0.79 ટકા અથવા તો 206 પૉઈન્ટના સુધારા સાથે 26,172.40ના મથાળે બંધ રહ્યો હતો.
આપણ વાચો: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષની બદલી કરવા ટ્રમ્પની વિચારણા…
એકંદરે બજારમાં પ્રવાહિતા વધવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી વર્ષ 2026માં હળવી નાણાનીતિ અખત્યાર કરીને વ્યાજદરમાં વધુ વખત કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતાં વૈશ્વિક બજારમાં જોવા મળેલા સુધારાતરફી વલણને કારણે આજે સ્થાનિક બજારમાં પણ વર્ષાન્તની રેલી આગળ ધપી હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી રહી હોવાથી પણ બજારની તેજીને ટેકો મળ્યો હતો.
વધુમાં આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર સામે રૂપિયો સ્થિર થઈ રહ્યો છે. તેમ જ વિદેશી રોકાણકારોની છેલ્લા અમુક સત્રથી ચોખ્ખી ખરીદી જોવા મળી રહી છે અને ડેરિવેટીવ્સ સેગ્મેન્ટમાં વેચાણો કપાયા હોવાથી બજારના સુધારાને ટેકો મળ્યો હોવાનું ઓનલાઈન ટ્રેડિંગ અને વેલ્થ ટૅક કંપની એનરીચ મનીના સીઈઓ પોન્મુડી આરએ જણાવતાં ઉમેર્યું હતું કે વૈશ્વિક સ્તરે પણ હળવી નાણાનીતિના આશાવાદને કારણે જોખમી પરિબળો ઓછાં થતાં સુધારાને ટેકો મળી રહ્યો છે.
દરમિયાન આજે બીએસઈ ખાતે કુલ 4501 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 2768 શૅરના ભાવ વધીને, 1151 શૅરના ભાવ ઘટીને અને 182 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 143 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 129 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 26 શૅરના ભાવ વધીને અને ચાર શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.
આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 3.56 ટકાનો ઉછાળો ટ્રેન્ટમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈન્ફોસિસમાં 3.06 ટકાનો, ભારતી એરટેલમાં 2.43 ટકાનો, ટૅક મહિન્દ્રામાં 2.09 ટકાનો, એચસીએલ ટૅક્નોલૉજીસમાં 1.67 ટકાનો, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 1.57 ટકાનો અને ટીસીએસમાં 1.28 ટકાનો સુધારો આવ્યો હતો,
જ્યારે ચાર ઘટનાર શૅરોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 0.60 ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં 0.44 ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 0.07 ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં 0.05 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 38 શૅરના ભાવ વધીને અને 12 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યાના અહેવાલ હતા.
આજે બીએસઈ ખાતેનાં તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા, જેમાં સૌથી વધુ 1.99 ટકાનો ઉછાળો આઈટી ઈન્ડેક્સમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બીએસઈ ફોકસ્ડ ઈન્ડેક્સમાં 1.72 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.65 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 1.33 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 1.32 ટકાનો અને કૉમૉડિટી ઈન્ડેક્સમાં 1.05 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં અને જાપાનના નિક્કી 225 ઈન્ડેક્સમાં બે ટકા કરતાં વધુ માત્રામાં ઉછાળો આવ્યો હતો. તેમ જ શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગના હૅંગસૅંગ ઈન્ડેક્સ પણ સુધારા સાથે બંધ રહ્યો હોવાના અહેવાલ હતા.
આ સિવાય આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.86 ટકા વધીને બેરલદીઠ 60.99 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ ત્રણ પૈસાની નરમાઈ સાથે 89.70ની સપાટીએ બંધ રહ્યો હોવાના અહેવાલ હતા.



