શેરબજારમાં નવી સંવતની શરૂઆત તેજીમય, જોકે પ્રોફિટ બુુકિંગે બગાડ્યો ખેલ | મુંબઈ સમાચાર
શેર બજાર

શેરબજારમાં નવી સંવતની શરૂઆત તેજીમય, જોકે પ્રોફિટ બુુકિંગે બગાડ્યો ખેલ

મુંબઈ: નવી સંવતમાં તેજીમય શરૂઆત આગળ વધી હતી અને અમેરિકા સાથેના વેપાર સોદાના મોરચે વધતા આશાવાદ વચ્ચે આઇટી અને ટેક શેરોમાં મજબૂત ખરીદીને પગલે સેન્સેક્સ તથા નિફ્ટીએ બાવન સપ્તાહની નવી ઊંચી સપાટી પાર કરતા નવી વિક્રમી ટોચ સુધી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, રશિયાની બે સૌથી મોટી ઓઇલ કંપનીઓ સામે યુએસ પ્રતિબંધો અંગેની ચિંતાઓ વચ્ચે સાવચેતીનું સેન્ટિમેન્ટ સર્જાયું હોવાથી સત્રના પાછલા ભાગમાં પ્રોફિટ બુકિંગ શરૂ થઇ જતાં મોટાભાગનો ઇન્ટ્રા-ડે ધોવાઇ ગયો હતો.

આપણ વાંચો: ફાર્મા અને બૅન્કિંગ શૅરોમાં લેવાલીને ટેકે સેન્સેક્સમાં 329 પૉઈન્ટની અને નિફ્ટીમાં 103 પૉઈન્ટની તેજી…

આ ઉપરાંત, ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એક ટકાથી વધુ ઘટાડાએ પણ બજારોને નીચા સ્તરે ખેંચી લાવવામાં ફાલો આપ્યો હતો. સેન્સેક્સ ૧૩૦.૦૬ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા વધીને ૮૪,૫૫૬.૪૦ પોઇન્ટ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૮૬૩.૭૨ પોઈન્ટ અથવા ૧.૦૨ ટકા વધીને ૮૫,૨૯૦.૦૬ પોઈન્ટની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. જ્યારે નિફ્ટી સત્ર દરમિયાન ૨૬,૦૦૦ની સપાટી વટાવીને અંતે ૨૨.૮૦ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા વધીને ૨૫,૮૯૧.૪૦ પર બંધ થયો હતો.

સ્થાનિક શેરબજારો હકારાત્મક શરૂઆત કરી હતી; જોકે, રશિયન ઓઇલ પર પ્રતિબંધો અને ભારત તથા યુએસ વેપાર વાટાઘાટો મુલતવી રાખવાના સંભવિત નિર્ણયને કારણે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કર્યુંં હોવાથી પ્રારંભિક સુધારો ધોવાઇ ગયો હતો..

આપણ વાંચો: નિફ્ટીએ ૨૫,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરી, સેન્સેક્સ ૫૮૩ પોઇન્ટ ઊછળ્યો…

સેન્સેક્સ કંપનીઓમાંથી, ઇન્ફોસિસ ૩.૮૬ ટકા વધ્યો હતો. એચસીએલ ટેક, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન અને ટેક મહિન્દ્રા પણ ટોપ ગેઇનરમાં સામેલ હતા.જોકે, ઇટર્નલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ અને અદાણી પોર્ટ્સ ટોપ લુઝર રહ્યા હતા.

ટાટા મોટર્સે તેના ડિમર્જરની પ્રક્રિયા પૂરી કરી દીધી ધી હોવાથી આજથી તેના શેર ટાટા મોટર્સ પેસેન્જર્સ વ્હીકલ્સને નામે ટ્રેડ થશે. હીરો મોટો કોર્પે યુકે માર્કેટમાં પ્રવેશ કર્યો છે. ટોરન્ટ ફાર્મા રૂ. ૧૪,૦૦૦ કરોડનો બોન્ડ ઇશ્યૂ લાવી રહી છે. કોલગેટે બીજા કવાર્ટરના પરિણામમાં રૂ. ૩૨૭.૫૦ કરોડનો નફો નોંધાવ્યો છે, જે વર્ષ અગાઉના સમાન ગાળાના રૂ. ૩૯૫ કરોડ સામે ૧૭ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. એચયુએલે શેરદીઠ રૂ. ૧૯ના વચગાળાના ડિવિડંડની જાહેરાત કરી છે.

ગુરુવારે ભારતીય શેરબજારોમાં પ્રારંભિક સત્રમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. કોર્પોરેટ કમાણીમાં સુધારો અને એફઆઇઆઇના નવા આંતર પ્રવાહને કારણે સેન્ટિમેન્ટમાં સુધારો થતાં બંને બેન્ચમાર્ક નવી વિક્રમી ઊંચી સપાટી તરફ આગળ વધ્યા હતા. તહેવારોની મોસમી માગ, તાજેતરના કરવેરા ઘટાડા અને નીતિગત સમર્થન સાથે, નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ભાગમાં કોર્પોરેટ નફામાં વધારો થશે તેવી આશાએ બજારમાં ઉત્સાહનો માહોલ રહ્યો હતો.

આપણ વાંચો: મેટલ અને ટેલિકોમ શૅરો ઝળકતા સતત બીજા સત્રમાં સેન્સેક્સ-નિફ્ટીમાં આગેકૂચ, સેન્સેક્સ 223 પૉઈન્ટ વધ્યો

આઇટી, ખાનગી બેંક અને એફએમસીજી ક્ષેત્રોમાં નોંધપાત્ર મજબૂતાઈ સાથે બજાર સેન્ટિમેન્ટ મજબૂત હકારાત્મક બન્યું હતું. પીએસયુ બેંકો અને નાણાકીય સેવાઓએ પણ અપટ્રેન્ડને ટેકો આપ્યો, જ્યારે ફાર્મા, ઓટો અને રિયલ્ટીએ પણ તેમાં વધારો કર્યો. માત્ર ઓઇલ અને મિડ, સ્મોલ કેપ શેરોમાં થોડી નબળાઈ જોવા મળી, જે વ્યાપક બજાર આશાવાદ દર્શાવે છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નિફ્ટીએ ૨૬,૨૭૭.૩૫ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ લગભગ તે જ સમયે ૮૫,૯૭૮.૨૫ની વિક્રમી સપાટી પર પહોંચ્યો હતો. ગુરુવારે, નિફ્ટી તેના રેકોર્ડથી માત્ર ૦.૭ ટકા નીચે હતો, જે ૨૬,૦૯૯.૭૦ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. સેન્સેક્સ ૮૫,૨૭૨.૪૦ સુધી વધ્યો, જે તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ ૦.૮૦ ટકા પાછળ હતો.

એશિયન બજારોમાં, શાંઘાઈનો એસએસઆઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ઊંચો સ્થિર થયો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી અને જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ નીચો રહ્યો હતો. સત્રના મધ્યમાં થયેલા સોદામાં યુરોપના બજારો મિશ્ર વલણ પર ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવાર (૨૨ ઓક્ટોબર, ૨૦૨૫) ના રોજ યુ.એસ. બજારો નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા.

એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે (૨૧ ઓક્ટોબર, ૨૦૨૫) રૂ. ૯૬.૭૨ કરોડના ઇક્વિટી ખરીદ્યા હતા. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલે, રશિયાની બે સૌથી મોટી ઓઇલ કંપની, ઓપન જોઈન્ટ સ્ટોક કંપની રોઝનેફ્ટ ઓઈલ કંપની અને લુકોઈલ એઓએ પર વધુ પ્રતિબંધો લાદ્યા છે, જેના પર ટ્રમ્પ વહીવટીતંત્ર યુક્રેનમાં ક્રેમલિનના વોર મશીનને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરવાનો આરોપ લગાવે છે.

ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૫.૪૩ ટકા વધીને ૬૫.૯૯ પ્રતિ બેરલ બોલાયું હતું. દરમિયાન, દિવાળી બલિપ્રતિપદાને કારણે બુધવારે (૨૨ ઓક્ટોબર, ૨૦૨૫) ઇક્વિટી બજારો બંધ રહ્યા હતા. મંગળવાર (૨૧ ઓક્ટોબર, ૨૦૨૫)ના રોજ એક કલાકના ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સત્રમાં, સેન્સેક્સ ૬૨.૯૭ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા વધીને ૮૪,૪૨૬.૩૪ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૨૫.૪૫ પોઈન્ટ અથવા ૦.૧૦ ટકા વધીને ૨૫,૮૬૮.૬૦ પોઇન્ટ પર સ્થિર થયો હતો.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button