જીએસટીના અમલ સાથે ફોકસ ક્ધઝ્મ્પશન સેકટર પર, અમેરિકાના મેક્રો ડેટાની ઇક્વિટી માર્કેટ પર સેન્ટિમેન્ટલ અસર વર્તાશે | મુંબઈ સમાચાર
શેર બજાર

જીએસટીના અમલ સાથે ફોકસ ક્ધઝ્મ્પશન સેકટર પર, અમેરિકાના મેક્રો ડેટાની ઇક્વિટી માર્કેટ પર સેન્ટિમેન્ટલ અસર વર્તાશે

મુંબઇ: યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અને નવી દિલ્હી તથા વોશિંગ્ટન વચ્ચે વેપાર વાટાઘાટોમાં પ્રગતિના આશાવાદ પાછળ પાછલા સપ્તાહ દરમિયાન સતત ત્રણ દિવસ આગેકૂચ બાદ પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં શુક્રવારે પીછેહઠ જોવા મળી હતી.

જોકે, શુક્રવારના ઘટાડા છતાં, બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સ અઠવાડિયા દરમિયાન ૦.૯ ટકા વધ્યા હતા. આ તરફ વ્યાપક બજારોએ બેન્ચમાર્કને પાછળ છોડી દીધા હતા, જેમાં સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨.૯ ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો વધારો નોંધાયો હતો.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે યુએસનો એચવન-બી વિઝા અરજી ફી વધારીને ૧૦૦,૦૦૦ ડોલર કરવાનો નિર્ણય, વેપાર વાટાઘાટો અને જીેસટી દરમાં ઘટાડો આ અઠવાડિયે શેરબજારની ગતિવિધિ માટે મુખ્ય ચાલક પરિબળો બની રહેશે. આ ઉપરાંત, રોકાણકારો દ્વારા વૈશ્ર્વિક ઇક્વિટી બજારોના વલણો પર પણ નજર રાખવામાં આવશે.

આપણ વાંચો: એફઆઇઆઇનું સેલિંગ માત્ર પ્રોફિટ બુકિંગ: નાણાં પ્રધાન

આ અઠવાડિયે, બજારો સૌપ્રથમ અમેરિકા દ્વારા એચવન-બી વિઝા પર ૧૦૦,૦૦૦ ડોલરની વાર્ષિક ફી લાદવા સંદર્ભે પ્રતિક્રિયા આપશે, જે શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે નિકાસ-સંચાલિત ક્ષેત્રો પહેલાથી જ ટેરિફ-સંબંધિત દબાણનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ પગલું આઇટી સેવાઓના નિકાસકારો પર વધુ ભાર મૂકી શકે છેે.

વેશ્ર્વિક સ્તરે રોકાણકારો, ફેડરલ રિઝર્વના વ્યાજ દર ઘટાડા પછી, યુએસ બજારોની હલચલ પર ચાંપતી નજર રાખશે. સ્થાનિક મોરચે, વેપારીઓ રૂપિયાની ગતિવિધિ અને ક્રૂડ ઓઇલના ભાવ પર પણ નજર રાખશે, જે બંને ભારતીય શેરબજાર માટે મુખ્ય ચાલકબળ છે.

દરમિયાન, એક સત્તાવાર નિવેદનમાં જણાવાયા અનુસાર વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ આજે બાવીસમી સપ્ટેમ્બરે વેપાર વાટાઘાટો માટે અમેરિકામાં એક સત્તાવાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.

આપણ વાંચો: Stock Market : શેરબજારમાં આજે પણ પ્રોફિટ બુકિંગનું દબાણ, Sensexમાં 150 પોઈન્ટનો ઘટાડો

તેમાં જણાવાયું છે કે, પરસ્પર ફાયદાકારક વેપાર કરારના વહેલા નિષ્કર્ષને પ્રાપ્ત કરવાના હેતુથી ચર્ચાઓ આગળ વધારવા માટે પ્રતિનિધિમંડળ યુએસ ટીમ સાથે વાટાઘાટો કરવાની યોજના ધરાવે છે.

૧૬ સપ્ટેમ્બરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના કાર્યાલયના અધિકારીઓની ટીમની ભારતની છેલ્લી મુલાકાત દરમિયાન, વેપાર કરારના વિવિધ પાસાઓ પર સકારાત્મક ચર્ચા થઈ હતી અને આ સંદર્ભમાં પ્રયાસો વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજનો સોમવારનો દિવસ શેરબજાર માટે ખૂબ મહત્ત્વનો છે કારણ કે આજથી જીએસટીના દર ઘટાડાનો અમલ થવાનો હોવાથી શેરબજાર પર તેની ખાસ અસર જોવા મળે એવી સંભાવના છે.

આજથી રસોડાના મુખ્ય ઉપકરણોથી લઈને ઇલેક્ટ્રોનિક્સ, દવાઓ અને સાધનોથી લઈને ઓટોમોબાઈલ સુધીના ભાવ સસ્તા થશે કારણ કે લગભગ ૩૭૫ વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો અમલમાં આવ્યો છે.

એક અંદાજ અનુસાર જીએસટીના ઘટાડા અને આવકવેરામાં રૂ. ૧૨ લાખ સુધી અપાયેલા મુક્તિલાભને કારણે લગભગ અઠી લાખ કરોડ જેટલો નાણાં પ્રવાહ છૂટો થશે.

આપણ વાંચો: Stock Market : શેરબજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ, સેન્સેક્સમાં 67 પોઇન્ટનો ઘટાડો

ભારતીય શેરબજારો પાછલા સપ્તાહ દરમિયાન વિવિધ પ્રોત્સાહક પરિબળોનો ટેકો મળાવાથી મજબૂત બંધ થયા હતા. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ શેરોએ તેજીની ગતિમાં આગેવાની લીધી અને લાર્જ કેપ શેરોને હંફાવ્યા છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી જારી રહી હતી, જોકે મજબૂત સ્થાનિક સંસ્થાકીય પ્રવાહે એફઆઇઆઇના વેચાણને સરભર કર્યું હતું.

આ રીતે સ્થાનિક નાણાકીય સંસ્થાઓએ ઘટાડાના જોખમોને દૂર કર્યા અને તાજેતરની તેજીને ટકાવી રાખી હતી. આ અઠવાડિયે જીએસટીનું તર્કસંગતકરણ અમલમાં આવવાની તૈયારી છે અને તહેવારોની માગ મજબૂત થવાની અપેક્ષા છે, રોકાણકારોનું ધ્યાન વપરાશ-આધારિત ક્ષેત્રો તરફ મંડાયું છે.

ઓટો અને રિયલ એસ્ટેટના શેરોની ખરીદીમાં વધારો થયો, જ્યારે આઇટી અને ફાર્મા જેવા નિકાસલક્ષી ક્ષેત્રોને ગ્લોબલ પ્રવાહિતામાં થયેલા સુધારા અને અમેરિકા તથા ભારતની વેપાર વાટાઘાટોમાં પ્રગતિ થવાના અહેવાલોને કારણે લાભ મળ્યો હતો.

જોકે, એકંદરે બજારમાં વેલ્યુએશનની અસર ખાસ જોવા મળી હતી. વધુ પડતા મૂલ્યવાળા સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ અને પીએસયુ બેંકો જેવા આકર્ષક કિંમતવાળા સેગમેન્ટમાં નવી લેવાલીનો દોર જોવા મળ્યો હતો. આગામી સમયમાં રોકાણકારો ફેડરલના પોલિસી ગાઇડન્સના સંકેતો માટે જીડીપી, બેરોજગારી દાવાઓ અને મુખ્ય ફુગાવા સહિતના અમેરિકાના મુખ્ય મેક્રો સૂચકાંક પર ઝીણવચભરી નજર રાખશે.

સ્થાનિક મોરચે, આગામી ઉત્પાદન પીએમઆઇ ઔદ્યોગિક ડેટા સેન્ટિમેન્ટના સમયસર બેરોમીટર તરીકે સેવા આપશે, જે માગના પુનરુત્થાનના પ્રારંભિક સંકેતો પૂરા પાડશે. મજબૂત સ્થાનિક ફંડામેન્ટલ્સ અને નબળા પડતા યુએસ ડોલર સાથે, એફઆઇઆઇના નવા પ્રવાહ માટે પરિસ્થિતિઓ અનુકૂળ દેખાય છે, જે આ અઠવાડિયામાં ભારતીય ઇક્વિટીને વધુ વેગ આપી શકે છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button