શેર બજાર

સતત દસમા સત્રની આગેકૂચમાં નિફ્ટીએ મામૂલી સુધારા સાથે નવી સર્વકાલિન ઊંચી સપાટી હાંસલ કરી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત સાથે ખાસ કરીને આઇટી શેરોમાં લેવાલીનો ટેકો મળતા કોન્સોલિડેશન વચ્ચે પણ દસમાં સત્રમાં આગેકૂચ કરવામાં સફળ રહીને નિફ્ટીએ અત્યંત મામૂલી સુધારા સાથે ૨૫,૦૫૨ પોઇન્ટની નવી ઓલટાઇમ સપાટીએ પહોંચવામાં સફળતા મેળવી હતી, જ્યારે સેન્સેક્સ ૭૦ પોઇન્ટ આગળ વધ્યો હતો. વિદેશી ફંડોએ શરૂ કરેલી લેવાલી અને ક્રૂડ ઓઇલનાભાવ ઘટાડાને કારણે પણ સેન્ટિમેન્ટમાં સુધારો રહ્યો હતો. નિફ્ટી ૩૪.૬૦ પોઇન્ટ અથવા તો ૦.૧૪ ટકાના સુધારા સાથે ૨૫,૦૫૨.૩૫ પોઇન્ટની નવી ઊંચી સપાટીે પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ સતત સાતમાં સત્રમાં આગેકૂચ સાધીને ૭૩.૮૦ પોઇન્ટ અથવા તો ૦.૦૯ ટકા વધીને ૮૧,૭૮૫.૫૬ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

ભારતી એરટેલ, ઇન્ફોસિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ ગેઇનર રહ્યાં હતાં. જ્યારે એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી, નેસ્લે, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લુઝર શેરોમાં સામેલ હતા. બજાર કોન્સોલિડેશન મોડ તરફ વધી રહ્યું હોય એવું લાગે છે. શેરલક્ષી કામકાજમાં વધારો જોવા મળ્યો હતો. રિલાયન્સની આજની, ૨૯મીની એજીએમમાં રિલાયન્સ જીઓ અને રિલાયન્સ રિટેલના લિસ્ટિંગ અંગે કોઇ મોટી જાહેરાત કરશે એવી બજારમાં ચર્ચા છે.

બજારના સાધનો અનુસાર મોર્ગેજ ધિરાણ આપતી કંપની બજાજ હાઉસિંગ ફાઇનાન્સના આઇપીઓની જાહેરાત પહેલા બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વમાં રીટેલ ઇન્વેસ્ટર્સની લેવાલી વધી રહી છે. કંપનીનો રૂ. ૭,૦૦૦ કરોડનો આઇપીઓ સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં આવવાની ધારણા છે. આ આઇપીઓમાં બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સના શેરધારકો માટે વિશેષ ક્વોટા હશે જે બંનેને પ્રમોટર્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. બજાજ હાઉસિંગમાં બજાજ ફાઇનાન્સનો હિસ્સો ૧૦૦ ટકા છે, જ્યારે બજાજ ફિનસર્વ બજાજ ફાઇનાન્સમાં ૫૧.૩૪ ટકા હિસ્સો ધરાવે છે. બજાજ હાઉસિંગના ભરણાંમાં બજાજ ફાઇનાન્સ દ્વારા રૂ. ૩,૦૦૦ કરોડના મૂલ્યના શેર વેચાણ અને રૂ. ૪,૦૦૦ કરોડના નવા ભંડોળનો સમાવેશ થશે. સ્પેશિયલ ક્વોટા હેઠળ અરજી કરવા માટે શેરધારકોને નિર્ધારિત કરવાની રેકોર્ડ તારીખ જાહેર થવી બાકી છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડીઝની કંપનીના મર્જરને મંજૂરી આપી દીધી છે. વિશ્ર્વની અગ્રણી હીરા કંપની ડી બીયર્સ ગ્રૂપ અને ટાટા જૂથની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કે લાંબા ગાળાના વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે. ભારતમાં કુદરતી હીરાની જ્વેલરીની માગ તાજેતરમાં વધી છે અને હવે તે વૈશ્ર્વિક માગના ૧૧ ટકા સુધી પહોંચી છે. ભારતે કુદરતી હીરાના આભૂષણો માટે વિશ્ર્વના બીજા સૌથી મોટા બજાર તરીકે ચીનનું સ્થાન લીધું છે. ભારતમાં ડાયમંડ એક્વિઝિશન રેટ અમેરિકા જેવા પરિપક્વ બજારો કરતા ઘણા નીચા છે. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ભારતી એરટેલ ૨.૨૦ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૧૭ ટકા, ઈન્ફોસિસ ૨.૦૬ ટકા, સન ફાર્મા ૧.૩૯ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૫૮ ટકા અને બજાજ ફાઈનાન્સ ૦.૫૧ ટકા વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ ૧.૨૪ ટકા, મારુતિ ૧.૧૧ ટકા, નેસ્લે ૧.૦૨ ટકા, એક્સિસ બેન્ક ૦.૮૨ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૬ ટકા, સ્ટેટ બેન્ક ૦.૭૨ ટકા, કોટક બેન્ક ૦.૭૦ ટકા આઈટીસી ૦.૬૯ ટકા તાતા સ્ટીલ ૦.૬૫ ટકા, ટાઈટન ૦.૬૪ ટકા અને અદાણી પોર્ટ્સ ૦.૪૯ ટકા ઘટ્યા હતા.

ઓરિએન્ટલ ટેકનોલોજીનો શેર તેના રૂ. ૨૦૬ના ઇશ્યૂ ભાવ સામે ૪૦.૭૭ ટકાના ઉછાળા સાથે રૂ. ૨૯૦ના ભાવે લિસ્ટેડ થયો હતો, જ્યારે એનએસઇ પર ૨૯.૮૦ ટકાના પ્રીમિયમે રૂ. ૨૮૮ના ભાવે લિસ્ટેડ થયો હતો. હાલ ચાલી રહેલી રૂ. ૨૬૪૦ કરોડની બાયબેક સ્કીમ પૂરી થયા બાદ ઇન્દુસ ટાવરર્સમાં ભારતી એરટેલનો હિસ્સો ૫૦ ટકા થશે, એમ કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું છે.

એફઆઇઆઇની લેવાલી ધીમી ગતિએ ચાલુ થઇ છે અને સામે ડીઆઇઆઇની વેચવાલી ધીમી ગતિએ શરૂ થઇ છે. માર્કેટ માટે હવે તેજી અને મંદીના બંને પ્રકારના પરિબળો મોજૂદ છે. મધ્ય પૂર્વ અને યુક્રેનમાં ભૌગોલિક રાજકીય તંગદીલી વધી રહી હોવાથી ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઇ રહ્યું છે. જોકે, ગ્લોબલ ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને સૌથી મજબૂત ટેકો અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષિત રેટ કટથી મળી રહ્યોે છે, જેનું અનુસરણ આરબીઆઈ સહિત અન્ય કેન્દ્રીય બેંકોને કરશે એવું માનવામાં આવે છે.

અમુક નિષ્ણાતો માને છે કે ફેડરલનું પરિબળ હવે ડિસ્કાઉન્ટ થઇ ગયું છે. ભારતીય અર્થતંત્રને હવે દર ઘટાડા દ્વારા નાણાકીય ઉત્તેજનાની જરૂર છે અને આ આગામી નીતિ બેઠકમાં સંભવ છે. ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરથી વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા ત્યારથી તેજીનો પવન શરૂ થઈ ગયો હતો અને ગ્લોબલ ઇકવિટી માર્કેટમાં તેની અસર વર્તાઈ છે, જે સ્થાનિક બજારમાં પણ દેખાઇ છે. જોકે હવે નવા ટ્રીગરની આવશ્યકતા છે.

ત્રીસમી ઓગસ્ટે જૂન મહિનામાં પુરા થયેલા ત્રિમાસિક ગાળાના જીડીપી ગ્રોથના આંકડા જાહેર થવાના છે જે પ્રોત્સાહક હોવાની ધારણા છે. આ ઉપરાંત અમેરિકાના ગ્રોથના આંકડા પણ સારા રહેવાની સંભાવના છે. સ્થાનિક સ્તરે ભારતમાં આ વખતે ચોમાસુ ઘણું સારુ રહ્યું છે અને ખાસ તો કંપનીઓના નફા વધી રહ્યા છે.

એશિયાઇ બજારોમાં સિઓલ અને ટોકિયો ઊંચી સપાટીએ પહોંચ્યા હતા જ્યારે શાંઘાઇ અને હોંગકોંગમાં પીછેહઠ હતી. યુરોપના બજારો બપોરના સત્ર સુધી પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યાં હોવાના અહેવાલ હતા. જ્યારે અમેરિકાના શેરબજારો મંગળવારે સાધારમ સુધારા સાથે બંધ થયા હતા. એક્સ્ચેન્જના ડેટા અનુસાર પાછલા સત્રમાં એફઆઇઆઇએ રૂ. ૧૫૦૩.૭૬ કરોડના શેર ખરીદ્યા હતા. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોે રૂ. ૬૦૪.૦૮ કરોડની વેચવાલી નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button