સેન્સેક્સ 900 પોઇન્ટ નીચે ગબડ્યા બાદ છેલ્લી ઘડીની લેવાલીના સહારે 111 પોઇન્ટના સુધારે સ્થિર થયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્વબજારના મિશ્ર વલણ સાથે સ્થાનિક સ્તરે એફઆઇઆઇની સતત વેચવાલી અને લોકસભાની ચૂંટણી પરિણામો અંગેની નકારાત્મક અટકળો વચ્ચે સેન્સેક્સ લગભગ 900 પોઇન્ટ નીચે ગબડી ગયો હતો અને સત્રના અંતિમ તબક્કામાં એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા ક્નસ્ાલ્ટન્સી સિર્વસિસ જેવા હેવીવેઇટ શેરોમાં લેવાલી નીકળતાં બેન્ચમાર્ક નીચી સપાટીથી પાછો ફરીને 111 પોઇન્ટના સુધારા સાથે પોઝિટીવ ઝોનમા સ્થિર થયો હતો.
સેન્સેક્સ ખૂલતા સત્રમાં જ 798.46 પોઇન્ટ અથવા તો 1.09 ટકાના કડાકા સાથે 71,71,866.01 પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે 111.66 પોઇન્ટ અથવા તો 0.15 ટકાના સુધારે 72,776.13 પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. એ જ રીતે, એનએસઇનો નિફ્ટી 21,821.05 પોઇન્ટની નીચે અથડાઇને 48.85 પોઇન્ટ અથવા તો 0.22 ટકાના સુધારે 22,104.05 પોઇન્ટના સ્તરે પાછો ફર્યો હતો.
દરમિયાન, રિટેલ ઇન્ફ્લેશનમાં ઘટાડો નોંધાયો હતો. ગ્રાહખ ભાવાંક આધારિત ફુગાવો (સીપીઆઇ) કિચન આઇટમોના ભાવમાં થયેલા ઘટાડાને કારણે એપ્રિલમાં ઘટીને 4.83 ટકાના સ્તરે પહોંચ્યો હતો, જે માર્ચમાં 4.85 ટકાના સ્તરે હતો. એપ્રિલ, 2023માં સીપીઆઇ ફુગાવો 4.70 ટકાના સ્તરે હતો. નિષ્ણાતો અનુસાર બજાર દિવસની નીચી સપાટીથી પાછું ફર્યુ અને નજીવા લાભ સાથે પોઝિટીવ ઝોનમાં પ્રવેશ્યું હોવા છતાં, લોકસભાની સામાન્ય ચૂંટણીના ચાલી રહેલા મતદાન અને શેરોના ઊંચા મૂલ્યાંકનની ચિંતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનું માનસ છે.
મુખ્ય સકારાત્મક ટ્રિગર્સની ગેરહાજરી અને સ્થાનિક બજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી અને મોટી વેચવાલી ટૂંકા ગાળાના વલણને નબળું રાખશે. નજીકના ગાળાની દિશા મેળવવા માટે રોકાણકારો ભારત અને યુએસ ફુગાવાના ડેટા અને ફેડરલના અધ્યક્ષના પ્રવચન પ નજર રાખશે.
ટાટા મોટર્સે 31 માર્ચે પૂરા થયેલા ચોથા ક્વાર્ટર માટે ત્રણ ગણા વધારા સાથે રૂ. 17,528.59 કરોડનો કોન્સોલિડેટેડ પ્રોફિટ નોંધાવ્યો હોવા છતાં ઇલેકશનના માહોલમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ મંદ રહેવાનું આઉટલૂક જાહેર કર્યું હોવાથી તેના શેરમાં આઠ ટકાનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સના શેરોમાં એશિયન પેઇન્ટ, સન ફાર્મા, એચડીએફસી બેન્ક, ટીસીએસ, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન એન્ડ ટૂબ્રો, આઇસીઆઇસીઆઇ બેન્ક અને પાવર ગ્રીડ મોજર બાયર રહ્યાં હતાં.
લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કાનું મતદાન શરૂ થયું છે.જો કે, પાછલા ત્રણ તબક્કામાં ઓછું મતદાન નોંધાતાં અપેક્ષિત બેઠકો પર એનડીએની જીત મામલે આશંકાઓ વધી હોવાથી રોકાણકારો નફો ગાંઠે બાંધી રહ્યાં હોવાનું કહેવાય છે. બીજું એપ્રિલમાં સેન્સેક્સ અને નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સે સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા હોવાને કારણે પણ ઓવરવેઈટેડ શેરોમાં પ્રોફિટ બુકિગ વધ્યું છે.
નિષ્ણાતોએ ચૂંટણીના પરિણામો સુધી શેરબજારમાં ભારે વોલેટિલિટી રહેવાનો અંદાજ આપ્યો છે. ઈન્ડિયા વીઆઇએક્સ ઈન્ડેક્સ સવારના ટે્રડિગ સેશનમાં 14 ટકા વધી 21ની ટોચે પહોંચ્યો હતો, જે માર્કેટમાં વોલેટિલિટીમાં વધવાનો સંકેત આપે છે. અમેરિકામાં સતત ફુગાવામાં વૃદ્ધિના પગલે આર્થિક મંદીની ભીતિ વધી છે. 10 વર્ષની યુએસ ટે્રઝરી યીલ્ડ 4.45 ટકાથી વધી 4.50 ટકા થઈ છે. અમેરિકા દ્વારા દેશની બીજી ટોચની ઈકોનોમી ચીનમાંથી નિકાસ થતાં ગુડ્સ પર ટેરિફ વધારવાનો સંકેત મળ્યો છે. જેની અસર એશિયન બજારો પર જોવા મળી છે.
આ સપ્તાહે સ્થાનિક અને વૈશ્વિક બંને મોરચે આર્થિક ડેટાનો મારો થવાનો છે. સ્થાનિક રીતે, ક્નઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) અને જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબલ્યુપીઆઇ) પર રોકાણકારો ફોકસ કરશે અને વૈશ્વિક સ્તરે, યુએસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (પીઆઇઆઇ) અને ક્નઝ્યુમર પ્રાઇસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
એ જ સાથે, ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલનું પ્રવચન આપ્તાહની મુખ્ય ઘટના બની રહેશે. ચીનના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા અને જાપાનના જીડીપીના આંકડા પણ ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટને અસર કરશે અને તેની અસર સ્થાનિક બજાર પર જોવા મળશે.
આ અઠવાડિયે 200થી વધુ કંપનીઓ તેમના પરિણામો જાહેર કરશે. ઝોમેટો, આઇનોક્સ ઇન્ડિયા, વરૂણ બેવરેજિસ, ભારતી એરટેલ, પીવીઆર આઇનોક્સ, રેડિકો ખેતાન, એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ, આંધ્ર સિમેન્ટ, મેનકાઇન્ડ ફાર્મા, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, આરવીએનએલ, ટિટાગઢ રેલ વિકાસ નિગમ અને કૌક્યો કેમલિન તેમાં
મુખ્ય છે. લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાની ગતિવિધી, ચોથા ક્વાર્ટરના પરિણામ, ફુગાવાના ડેટા અને એફઆઇઆઇનું વલણ આ સપ્તાહે બજારની દિશા નક્કી કરશે. ચૂંટણીની આસપાસના સમાચારો અને અટકળોનો પ્રવાહ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ખાસ અસર બતાવશે. આ ઉપરાંત વૈશ્વિક ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની હિલચાલ અને કરન્સી માર્કેટમાં રૂપિયા-ડોલરની વધઘટ પણ બજારની ચાલને પ્રભાવિત કરશે.
મતદાનનું પ્રમાણ ઓછું રહ્યું હોવાથી ચૂંટણી પરિણામ અંગેની અનિશ્ચિતતાને કારણે સ્થાનિક બજારોમાં વર્તમાન વલણ ટૂંકા ગાળામાં ચાલુ રહેવાની શક્યતા છે. આગળના ડેટાથી ભરપૂર સપ્તાહમાં, રોકાણકારોનું ધ્યાન ભારત અને યુએસ સીપીઆઈ ડેટા, યુરોપ અને જાપાનના જીડીપી રીલીઝ અને ફેડરલના ચેરમેનની સ્પીચ પર કેન્દ્રિત રહેશે. વધુમાં, ચોથા ક્વાર્ટરના પરિણામોનો આગામી સેટ પણ બજારના સેન્ટિમેન્ટને આકર્ષિત કરશે.
નિષ્ણાતો માને છે કે, સ્થાનિક સેન્ટિમેન્ટ નકારાત્મક હોવા છતાં, વૈશ્વિક બજારોમાં, ખાસ કરીને અમેરિકન શેરબજારમાં જોવા મળેલી મજબૂતાઈએ ઘટાડાની ગતિને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રોકાણકારો માટે સ્થાનિક અને વૈશ્વિક બંને બજારો પર ઝીણી નજર રાખવી જરૂરી છે.
સેન્સેક્સમાં એશિયન પેઈન્ટ્સ 3.83 ટકા, એક્સિસ બેન્ક 1.33 ટકા, ટીસીએસ 1.31 ટકા, સન ફાર્મા 1.30 ટકા અને એચડીએફસી બેન્ક 1.27 ટકા વધ્યા હતા જ્યારે ટાટા મોટર્સ 8.34 ટકા, એનટીપીસી 1.35 ટકા, ભારતી એરટેલ 1.23 ટકા, સ્ટેટ બેન્ક 1.16 ટકા અને ટાઈટન 1.12 ઘટ્યા હતા. આજે બે કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.