શેર બજાર

શૅરબજાર નવાં વિક્રમી શિખરને સ્પર્શી છેલ્લી ત્રીસ મિનિટની વેચવાલીથી નેગેટિવ ઝોનમાં લપસ્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકા, એશિયા અને યુરોપના શેરબજારોની જોરદાર તેજીને અનુસરતા સત્ર દરમિયાન 76,000 પોઇનટની સપાટીને પહેલી જ વખત પાર કર્યા બાદ ઊંચા મથાળાના પ્રોફિટ બુકિંગ વચ્ચે સેન્સેક્સ અંતે 20 પોઇન્ટના ઘસરકા સાથે નેગેટીવ ઝોનમાં લપસ્યો હતો.

સત્ર દરમિયાન સેન્સેક્સ 599.29 પોઇન્ટ ઉછળીને 76,009.68 પોઇન્ટની અને નિફ્ટી 153.70 પોઇન્ટના ઉછાળા સાથે 23,110.80 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયો હતો. સત્રને અંતે સેન્સેક્સ 19.89 પોઇન્ટ અથવા તો 0.03 ટકાના ઘસરકા સાથે 75,390.50 પોઇન્ટની અને નિફ્ટી 24.65 પોઇન્ટ અથવા તો 0.11 ટકાના ઘસરકા સાથે 22,932.45 પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

બંને બેન્ચમાર્ક નવી ઓલટાઇમ સપાટીને પાર કરી રહ્યાં હતાં ત્યારે છેલ્લી 30 મિનિટમાં પ્રોફિટ બુકિંગ વચ્ચે ખાસ કરીને ઓઇલ, એનર્જી અને એફએમસીજી શેરોમાં જોરદાર વેચવાલી શરૂ થતાં બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં લપસ્યા હતા. સેન્સેક્સ દિવસની ઊંચી સપાટી સામે 835 પોઇન્ટના ધોવાણ સાથે 75,175.27 પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો.
સેન્સેક્સના શેરોમાં વિપ્રો, એનટીપીસી, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇટીસી અને રિલાયન્સ ટોપ લુઝર બન્યાં હતાં. જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો અને સ્ટેટ બેન્કમાં સુધારો નોંધાયો હતો.

ઈન્ડસઈન્ડ બેન્ક 1.65 ટકા, એક્સિસ બેન્ક 1 ટકા, બજાજ ફાઈનાન્સ 0.87 ટકા, એચડીએફસી બેન્ક 0.75 ટકા અને લાર્સન 0.69 ટકા વધ્યા હતા, જ્યારે વિપ્રો 2.36 ટકા, એનટીપીસી 1.40 ટકા, સન ફાર્મા 1.34 ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર 1.23 ટકા અને આઈટીસી 1.05 ટકા ઘટ્યા હતા.

સત્રની શરૂઆતથી શેરબજારમાં તેજીનો ટોન જોવા મળ્યો હતો અને સેન્સેકસ તથા નિફ્ટીએ સત્ર દરમિયાન નવા વિક્રમી શિખરો સર કર્યા છે. નાણાકીય અને મેટલ સેક્ટરમાં ઉછાળા સાથે એશિયન બજારો દ્વારા નિર્ધારિત અપવર્ડ ટે્રન્ડને પગલે ભારતીય શેરબજારના શેરઆંક જોકે સોમવારે તાજી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા પછી ફ્લેટ થઈ ગયા હતા. એક તબક્કે નિફ્ટી 23000ની નીચે પણ સરકી ગયો હતો.

બજારના નિષ્ણાત અનુસાર, જેમ જેમ આપણે ચૂંટણીના પરિણામો પહેલાના છેલ્લા સપ્તાહમાં આગળ વધી રહ્યાં છીએ, તેમ તેમ બજાર રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચી રહ્યું છે. ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શાર્પ શોર્ટ કવરિગ અને એચડીએફસી બેન્ક જેવા ફ્રન્ટલાઈન શેરોમાં મોટી ડિલિવરી આધારિત ખરીદીએ બજારની મજબૂતાઈમાં ફાળો આપ્યો છે.

જોકે, નિફ્ટી રેકોર્ડ હાઈની નજીક હોવા છતાં, બેન્ક નિફ્ટી તેની ટોચથી હજુ પણ બે ટકા દૂર છે. આ ફ્રન્ટલાઈન બેન્કિંગ શેરોની વધુ આગળ વધવાની સંભાવના દર્શાવે છે. ટુંકમાં અત્યારે બજારમાં તેજીનો માહોલ છે. બજાર માટે અન્ય એક સકારાત્મક બાબત એ છે કે આ મહિને બજારોમાં એફઆઈઆઈની વેચવાલી ઝડપથી ઘટ્યા બાદ વિદેશી ફંડોએ ગુરુવારે મોટી લેવાલી નોંધાવી હતી.

માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝન તેના અંતિમ સપ્તાહમાં પ્રવેશી રહી છે અને આ સમયગાળામાં 2,100થી વધુ કંપનીઓ તેમના પરિણામો જાહેર કરશે. આ કંપનીઓમાં ટાટા સ્ટીલ, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન રેલવે કેટરિગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન, એસ્ટ્રાઝેનેકા ફાર્મા, નેટકો ફાર્મા, નેશનલ એલ્યુમિનિયમ કંપની, એનએમડીસી, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, અમરા રાજા એનર્જી એન્ડ મોબિલિટી, એસ્ટર ડીએમ હેલ્થકેરનો સમાવેશ છે.

આ ઉપરાંત એન્જિનિયર્સ ઈન્ડિયા, એક્ઝિકોમ ટેલિ-સિસ્ટમ્સ અને જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, વોકહાર્ટ, આધાર હાઉસિંગ ફાઇનાન્સ, અલ્કેમ લેબોરેટરીઝ, બાટા ઇન્ડિયા, કમિન્સ ઇન્ડિયા, ઇમામી, ઇપ્કા લેબોરેટરીઝ, મઝાગોન ડોક શિપબિલ્ડર્સ, સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ, એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ અને ભારત ડાયનેમિક્સ પણ આગામી સમયમાં તેમની કમાણી કરશે. સપ્તાહ
છઠ્ઠા તબક્કાના અંત સાથે, બજારનું ધ્યાન પહેલી જૂન, 2024ના રોજ ચૂંટણીના છેલ્લા અને સાતમા તબક્કા પર રહેશે, ત્યારબાદ તે જ સાંજે એક્ઝિટ પોલના પરિણામો આવશે. એક્ઝિટ પોલ, ઘણી એજન્સીઓ (સમાચાર એજન્સીઓ સહિત) દ્વારા હાથ ધરવામાં આવે છે, એ મતદારોના મતદાન મથકોમાંથી બહાર નીકળ્યા પછી તરત જ લેવામાં આવેલા ઓપિનિયન પોલ છે, અને તેઓ ઘણીવાર વાસ્તવિક પરિણામો (4 જૂનના રોજ નિયત) પહેલાં ચૂંટણીના સંભવિત પરિણામો સૂચવે છે.
આ સપ્તાહે રોકાણકારોની નજર એક્ઝિટ પોલ, ઓટો ડેટા અને અમેરિકા તથા ભારતના જીડીપી ડેટા પર રહેશે. પહેલી જૂનના રોજ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ અને બિહાર સહિત આઠ રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.

છઠ્ઠા તબક્કાનું મતદાન વર્તમાન ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ઓછું 59.46 ટકા રહ્યું હતું. પહેલા તબક્કામાં 66.10 ટકા, બીજા તબક્કામાં 66.7 ટકા, ત્રીજા તબક્કામાં 65.7 ટકા, ચોથા તબક્કામાં 69.2 ટકા અને પાંચમા તબક્કામાં 62.2 ટકા રહ્યું હતું.

બીએસઇની માર્કેટ કેપ મામૂલી ઘટાડા સાથે રૂ. 420 લાખ કરોડની સ્તરે
મુંબઇ: ઈન્ટ્રાડે 76,000ના નવા શીખરે પહોચ્યા બાદ સેન્સેક્સમાં 600 પોઈન્ટ્સનો કડાકો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ સોમવારે આગલા 75,410.39 થી 19.89 પોઈન્ટ્સ (0.03 ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ 75,655.46 ખૂલી ઉપરમાં 76,009.68 અને નીચામાં 75,175.27 સુધી જઈને અંતે 75,390.50 બંધ રહ્યો હતો. સેન્સેક્સની 12 કંપનીઓ વધી હતી જ્યારે 18 કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. 0.04 લાખ કરોડ ઘટીને રૂ. 419.95 લાખ કરોડ રહ્યું હતું.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ 50 ઈન્ડેક્સ 0.12 ટકા, બીએસઈ 100 ઈન્ડેક્સ 0.05 ટકા, બીએસઈ લાર્જકેપ 0.13 ટકા અને બીએસઈ સ્મોલકેપ 0.09 ટકા ઘટ્યા હતા જ્યારે બીએસઈ 200 ઈન્ડેક્સ 0.02 ટકા, બીએસઈ 500 ઈન્ડેક્સ 0.05 ટકા અને બીએસઈ મિડકેપ 0.63 ટકા વધ્યા હતા જ્યારે બીએસઈ ઓલ કેપ સ્થિર રહ્યો હતો. આઈપીઓ ઈન્ડેક્સ 0.30 ટકા વધ્યો હતો જ્યારે બીએસઈ એસએમઈ આઈપીઓ 0.82 ટકા ઘટ્યો હતો.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં રિયલ્ટી 0.76 ટકા, બેન્કેક્સ 0.63 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ 0.51 ટકા, આઈટી 0.48 ટકા, યુટિલિટીસ 0.37 ટકા, સર્વિસીસ 0.23 ટકા, ટેક 0.18 ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ 0.10 ટકા, કેપિટલ ગુડ્સ 0.10 ટકા અને હેલ્થકેર 0.04 ટકા વધ્યા હતા જ્યારે ઓઈલ એન્ડ ગેસ 0.71 ટકા, એનર્જી 0.66 ટકા, કોમોડિટીઝ 0.61 ટકા, પાવર 0.49 ટકા, મેટલ 0.39 ટકા, એફએમસીજી 0.35 ટકા, ટેલિકોમ્યુનિકેશન 0.34 ટકા, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી 0.15 ટકા અને ઓટો 0.06 ટકા ઘટ્યા હતા જ્યારે કંઝ્યુમર ડ્યુરેબલ્સ સ્થિર રહ્યો હતો.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. 84.08 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ 873 સોદામાં 1,059 કોન્ટે્રક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ 61,66,890 કોન્ટે્રક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત