રિલાયન્સ અને એરટેલની આગેવાનીએ સત્રના પાછલા ભાગની વેચવાલીએ સેન્સેક્સને 71,750ની નીચે ધકેલ્યો
મુંબઇ: એશિયન અને યુરોપીયન બજારોના નબળા વલણો વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને મારૂતિ જેવી ઈન્ડેક્સની હેવીવેઇટ કંપનીઓમાં વેચવાલીને કારણે બેન્ચમાર્ક સેન્સેક્સ સપ્તાહના પહેલા દિવસે 354 પોઈન્ટ્સના ગાબડાં સાથે 72,000ની સપાટી તોડતો 71,750થી નીચી સપાટીએ ગબડ્યો હતો. બીએસઇનો ત્રીસ શેર ધરાવતો બેન્ચમાર્ક સેન્સેક્સ 354.21 પોઈન્ટ અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 71,731.42 પોઇન્ટ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 72,385.93 પોઇન્ટની ઊંચી સપાટી અને 71,602.14 પોઇન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટી 82.10 પોઈન્ટ અથવા 0.38 ટકા ઘટીને 21,771.70 પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.
સેન્સેક્સમાં રહેલી કંપનીઓના શેરમાં, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, મારૂતિ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક્નોલોજીસ, ટાઇટન, હિન્દુસ્તાન યુનિલિવર, જેએસડબ્લ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય હતા.
શુક્રવારે કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 7,100 કરોડના ચોખ્ખા નફામાં બે ગણો ઉછાળો નોંધાવ્યા બાદ ટાટા મોટર્સે લગભગ છ ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. અન્ય વધનારા શેરોમાં સન ફાર્મા, પાવર ગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એનટીપીસી અને ટાટા ક્નસલ્ટન્સી સર્વિસિસનો સમાવેશ હતો. એશિયન બજારોમાં, ટોકીયેો સુધારા સાથે ગ્રીન ઝોનમાં પહોંચ્યું હતું, જ્યારે સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં ગબડ્યાં હતાં. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં નજીવા નીચા ક્વોટ થઈ રહ્યા હતા. શુક્રવારે અમેરિકન બજારો સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા.
વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.53 ટકા ઘટીને 76.92 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ શુક્રવારે રૂ. 70.69 કરોડની ઇક્વિટી ખરીદી હતી, એક્સચેન્જ ડેટા અનુસાર.
શુક્રવારે બીએસઇ બેન્ચમાર્ક 440.33 પોઈન્ટ અથવા 0.61 ટકા વધીને 72,085.63 પર સ્થિર થયો હતો. નિફ્ટી 156.35 પોઈન્ટ અથવા 0.72 ટકા વધીને 21,853.80 પર પહોંચ્યો હતો.
શેરબજાર ઘણાં વિરોધાભાસી કહી શકાય એવા આંચકામાંથી પસાર થઇ રહ્યું છે. આ સપ્તાહ દરમિયાન દેશની મધ્યસ્થ બેન્ક અને બજાર નિયામક તેના નીતિગત નિર્ણયો જાહેર કરે એત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે, તાજેતરની તેજી પછી બજાર થોડું કોન્સોલિડેશન મોડમાં જઇ શકે છે, પરંતુ મોટાભાગના નિષ્ણાતો માને છે કે, એક તો આરબીઆઇ વ્યાજર સ્થિર રાખે એવી સંભાવના છે અને બીજું વેશ્વિક સ્તરે એકંદરે હકારાત્મક સંકેતોને જોતાં સેન્ટિમેન્ટ તેજીની તરફેણમાં રહે એવી શ્ાકયતા વધુ છે.
આ સપ્તાહે બજારમાં ઘણી વોલેટિલિટી જોવા મળશે. શેરબજારના સેન્ટિમેન્ટ પર આ સપ્તાહે વિભિન્ન કંપનીઓના ત્રિમાસિક પરિણામોની અસર સાથે શેરલક્ષી અસર જોવા મળશે. આ ઉપરાંત, વૈશ્વિક વલણો અને વ્યાજદર અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિર્ણય પર બજારની ખાસ નજર રહેશે, અલબત્ત આરબીઆઇ વ્યાજદર યથાવત્ રાખે એવી શક્યતા બજારમાં ચર્ચાઇ રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વચગાળાના બજેટ અને અમેરિકાની સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વના નીતિગત નિર્ણય બાદ હવે બજારના સહભાગીઓનું ધ્યાન દેશની કેન્દ્રીય બેન્કની નાણાકીય નીતિ સમીક્ષા પર છે. જાણીતા ટેકનિકલ વિશ્લેષકે જણાવ્યું હતું કે, મોનેટરી પોલિસી કમિટીની બેઠક 6 થી 8 ફેબ્રુઆરીના રોજ યોજાશે, તે દરમિયાન બજારમાં અફડાતફડી અને ઉથલપાથલ રહેશે.
એ જ સાથે, કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો પર પણ નજર રહેશે. આ સપ્તાહે પાવર ગ્રીડ કોર્પોરેશન, નેસ્લે, લ્યુપિન અને ટાટા પાવરના ત્રિમાસિક પરિણામો જાહેર થશે. આ ઉપરાંત ડોલર સામે પિયાની મૂવમેન્ટ અને ક્રૂડ ઓઈલના ભાવ પર પણ નજર રહેશે.
આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)ની પ્રવૃત્તિઓ પણ મહત્વપૂર્ણ રહેશે. અત્યારે ડીઆઇઆઇ અને રિટેલ ઇન્વેસ્ટરના ટેકે બજાર આગળ વધી રહ્યું છે, પરંતુ એફઆઇઆઇની વેચવાલીના પ્રમાણ પર ઘણો આધાર રહેશે.
અમેરિકાના અર્થતંત્રમાં શોર્ટ ટર્મમાં કોઈ મંદીના એંધાણ ના હોવાથી ફેડરલ વ્યાજદરનો ઘટાડો પાછળ ઠેલી શકે છે.