કોર્પોરેટ જાયન્ટ કંપનીઓના નફાના ધબડકા અને વિદેશી ફંડોની સતત વેચવાલી વચ્ચે સેન્સેક્સ 80,000ની નીચે ઘૂસી ગયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એફઆઇઆઇની સતત વેચવાલી સાથે કોર્પોરેટ જાયન્ટ કંપનીઓના નફાના ધબડકા વચ્ચે સેન્સેક્સ 80,000ની નીચે ઘુસી ગયો છે. શેરબજારમાં મંદી હાવી રહી છે. સેન્સેક્સમાં એક તબક્કે 927 પોઈન્ટનો મસમોટો કડાકો પાડવા સાથે બીએસઈના માર્કેટ કેપિટલમાં અંદાજે રૂ. 10 લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું અને નિફ્ટી પણ 24,100ની નીચે સરકી ગયો હતો.
જોકે, નીચા મથાળે લેવાલીનો ટેકો મળતા બંને બેન્ચમાર્કે થોડો ઘટાડો પચાવ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સ 662.87 પોઇન્ટ અથવા તો 0.83 ટકાના ઘટાડા સાથે 79,402.29ની સપાટીએ અને નિફ્ટી 218.60 પોઇન્ટ અથવા તો 0.90 ટકાના ઘટાડા સાથે 24,180.80ની નીચે સરક્યો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટૂબ્રો, એનટીપીસી, અદાણી પોર્ટ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ અને ટાઇટન ટોપ લુઝર બન્યા હતા. જ્યારે બ્લુચીપ શેરોમાં આઇટીસી બે ટકાના વધારા સાથે ટોપ ગેઇનર બન્યો હતો. એક્સિસ બેન્ક, હિંદુસ્તાન યુનિલીવર, સન ફાર્મા અને આઇસીઆઇસીઆઇ બેન્કના ભાવ સારા વધ્યા હતા.
નેશનલ સ્ટોક એક્સચેન્જએ સીટુસી એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના ડ્રાફ્ટ રેડ હેરિગ પ્રોસ્પેક્ટસને જાહેર ભરણાં માટે મંજૂરી આપી છે. કંપની બેંગલુરુના નવા પરિસર અને દુબઈ સ્થિત એક્સપિરિઅન્સ સેન્ટર માટે એસેટ અને ફિટઆઉટની ખરીદી, બેંગલુરુ ખાતે નવી જગ્યા માટે સિક્યોરિટી ડિપોઝિટ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે બજારમાં 43.63 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ સાથે પ્રવેશી રહી છે.
કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ડિગો, બીપીસીએલ, બેંક ઑફ બરોડા, એચ પી સી એલ, આઈડીબીઆઈ બેંકના ત્રિમાસિક નાણાકીય પરિણામ જાહેર કર્યા હતા. નફામાં કડાકો નોંધાવાથી એનટીપીસીના શેરમાં ધોવાણ, જ્યારે સારા પરિણામે આઇટીસી અને ગોદરેજ ક્નઝ્યુમરમાં સુધારો હતો.
ઇન્ડસઇન્ડ બેન્કમાં નબળા પરિણામ બાદ મોટો કડાકો હતો. કોર્પોરેટ સેકટરના નબળા પરિણામ પાછળ ભૌતિક કારણો હોય છે પરંતુ તાજેતરમાં સ્ટે્રસનું લેવલ વધી રહ્યું હોવાને કારણે અનેક સંગઠનો યોગા શિબિરોનું આયોજન કરે છે, આ જ રીતે, કેવલ્યધામ દ્વારા ઇન્ટરફેઇથ સોલિડારિટી થીમ સાથે બે દિવસીય કોન્કલેવ યોજવામાં આવી હતી. એફકોન ઇન્ફ્રાનો આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે શુક્રવારે ખૂલ્યો છે.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે શેરબજારને ગબડવા માટે અનેક કારણ એકત્રિત હતાં. આ કારણોમાં કોર્પોરેટ ક્ષેત્રની બીજા ક્વાર્ટરની નબળી કમાણી અને એફ આઈ આઈની વેચવાલી ઉપરાંત યુએસ બોન્ડની ઊંચી ઉપજ અને મજબૂત ડોલર, યુએસ ચૂંટણી અને આક્રમક રેટ કટની સંભાવનાઓ ધૂંધળી થઈ જવાનો સમાવેશ છે.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરુવારે ભારતીય શેરબજારમાં રૂ. 5,062.45 કરોડના ઇક્વિટી શેર ઓફલોડ કર્યા હતા, જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઇઆઇ)એ રૂ. 3,620.47 કરોડની ઇક્વિટી શેર ખરીદ્યા હતી. બુધવારે એફઆઇઆઇએ રૂ. 5,684.63 કરોડના ઇક્વિટી શેર વેચ્યા હતા, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 6,039.90 કરોડની ઇક્વિટી શેર ખરીદ્યા હતી.
બજારના સાધનો અનુસાર ડીઆઇઆઇની લેવાલીને કારણે બજારમાં મોટો કડાકો ટળી રહ્યો છે, પરંતુ વિદેશી ફંડોની વેચવાલીને કારણે સેન્ટિમેન્ટ પર ખરાબ અસર જોવા મળી છે. એનએસડીએલના ડેટા અનુસાર એફઆઇઆઇએ 24મી ઓક્ટોબર સુધીમાં રૂ. 98,088 કરોડથી વધુ શેરો ભારતીય બજારમાં ઠાલવ્યા છે.
દરમિયાન, બજારમાં અપટે્રન્ડ, કોર્પોરેટ કમાણીની વૃદ્ધિના ડાઉનટે્રન્ડ સાથે સુસંગત ના હોવાથી બજારમાં દરેક ઉછાળે વેચવાલી જોવા મળી રહી છે, જે નજીકના ગાળાના બજાર માળખાને, સેલ ઓન રેલીમાં ફેરવે છે. ટેકનિકલ નિષ્ણાતે ચાર્ટને આધારે એવી આગાહી કરી છે, કે નિફ્ટી બેન્ચમાર્ક ટૂંકાથી મધ્યમ ગાળામાં વર્તમાન સ્તરોથી વધુ 1,000 પોઈન્ટ નીચી સપાટીએ ગબડીને 23,300 પોઇન્ટના સ્તરે જઈ શકે છે, કારણ કે બેન્ચમાર્કમાં તાજેતરના ઊંચા સ્તરથી બોલાયેલા ધબડકાને કારણે હાલતુરત સેન્ટિમેન્ટ મંદીવાળાની તરફેણમાં ફેરવાઈ ગયું છે.
નોંધવું રહ્યું કે, ઇન્ડેક્સ પહેલાથી જ, તેના 26,277ના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી સાત ટકા અથવા 1,899 પોઈન્ટથી વધુ ઘટી ગયો છે. આ પ્રક્રિયામાં, એનએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સે ટૂંકા અને મધ્યમ ગાળાના સપોર્ટ લેવલ તોડી નાખ્યા છે અને હાલમાં તે 24,565 લેવલે મૂકવામાં આવેલી 100 દિવસની મૂવિંગ એવરેજ (ડીએમએ)ની નીચે ટે્રડ કરી રહ્યો છે. ચાર્ટ સૂચવે છે કે, જો ઇન્ડેક્સ 24,500 લેવલથી ઉપર ટકી શકવા અસમર્થ હોય, તો ટેકનિકલી તે 23,365 લેવલ પર મુકાયેલા તેના 200 દિવસની મૂવિંગ એવરેજ પર સરકી શકે છે.
એશિયાઇ બજારોમાં સિઓલ, શાંઘાઇ અને હોંગકોંગ બજારમાં સુધારો હતો જ્યારે ટોકિયો બેન્ચમાર્ક નેગેટિવ ઝોનમાં સરક્યો હતો. યુરોપના બજારોમાં બપોરના સત્ર સુધી સુધારાનું હવામાન રહ્યું હતું. અમેરિકાના શેરબજારો ગુરુવારે મોટેભાગે ઊંચા મથાળે સેટલ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક 0.42 ટકાના સુધારા સાથે બેરલદીઠ 74.89 ડોલર બોલાયું હતું.