વિશ્વ બજાર પાછળ સેન્સેક્સમાં 670 પૉઈન્ટનું અને નિફ્ટીમાં 197 પૉઈન્ટનું ગાબડું
રોકાણકારોની બૅન્કિંગ, મેટલ અને એફએમસીજી શૅરોમાં વ્યાપક વેચવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક ઈક્વિટી માર્કેટનાં નરમાઈતરફી અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ રોકાણકારોની ખાસ કરીને બૅન્કિંગ, મેટલ એને એફએમસીજી ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 670.93 પૉઈન્ટનું અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 197.80 પૉઈન્ટનું ગાબડું પડ્યું હતું, જેમાં સેન્સેક્સે 72,000ની સપાટી અને નિફ્ટીએ 21,600ની સપાટી ગુમાવી હતી. આજના કડાકામાં બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોની સંપત્તિ રૂ. 2,91,756.23 કરોડનાં ધોવાણ સાથે 3,66,40,965.08 કરોડની સપાટીએ રહી હતી. આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 72,026.15ના બંધ સામે સાધારણ સુધારા સાથે 72,113.25ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 71,301.04 અને ઉપરમાં 72,181.77ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 0.93 ટકા અથવા તો 670.93 પૉઈન્ટના ઘટાડા સાથે 71,355.22ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 21,710.80ના બંધ સામે 21,747.60ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન 21,492.90થી 21,763.95ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 0.91 ટકા અથવા તો 197.80 પૉઈન્ટના ઘટાડા સાથે 21,513ની સપાટીએ બંધ રહ્યો હતો.
સપ્તાહ દરમિયાન અમેરિકામાં ફુગાવા અને આર્થિક ડેટાઓની જાહેરાત પર રોકાણકારોની નજર તેમ જ વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકગાળામાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી ઘટી રહી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે વિશ્વ બજારમાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિકમાં નિફ્ટીમાં અગાઉના બે સત્ર દરમિયાન જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિટેલ રિસર્ચ વિભાગનાં દિપક જસાણીએ જણાવતાં ઉમેર્યું હતું કે હવે કોર્પોરેટ પરિણામોની મોસમ શરૂ થશે અને સારા પરિણામો આવવાનો આશાવાદ પણ સેવાઈ રહ્યો ત્યારે કંપનીઓના શૅરના વૅલ્યુએશન પણ યથાર્થ હોવા જરૂરી છે.
અમેરિકી ફેડરલ રિઝર્વ માર્ચ મહિનામાં વ્યાજ કપાતનો આરંભ કરે તેવી શક્યતા ધૂંધળી બનવાથી આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ અને વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિકમાં પણ રોકાણકારોની વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે આ વેચવાલીના દબાણ વચ્ચે આઈટી ક્ષેત્રના પરિણામો સારા આવવાના આશાવાદને કારણે બજારમાં ઘટાડો કંઈક અંશે સીમિત રહ્યો હતો.
આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 12 શૅરના ભાવ વધીને અને 38 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 6 શૅરના ભાવ વધીને અને 24 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈ ખાતે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 1.02 ટકાનો વધારો એચસીએલ ટૅક્નોલૉજીસમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એનટીપીસીમાં 0.43 ટકાનો, સન ફાર્મામાં 0.40 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 0.39 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 0.30 ટકાનો અને ભારતી એરટેલમાં 0.22 ટકાનો સુધારો આવ્યો હતો. તેની સામે આજે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં સૌથી મોટો 2.31 ટકાનો કડાકો બોલાયો હતો. ત્યાર બાદ અનુક્રમે આઈટીસીમાં 1.80 ટકાનો, નેસ્લેમાં 1.79 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં 1.76 ટકાનો, ટૅક મહિન્દ્રામાં 1.76 ટકાનો અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 1.64 ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ અનુક્રમે 0.87 ટકાનો અને 0.36 ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર રિઅલ્ટી ઈન્ડેકસ અને પાવર ઈન્ડેક્સમાં અનુક્રમે 0.08 ટકા અને 0.04 ટકાનો મામૂલી સુધારો જોવા મળ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં સૌથી વધુ 1.55 ટકાનો ઘટાડો એફએમસીજી ઈન્ડેક્સમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બૅન્કેક્સમાં 1.42 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 1.40 ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં 1.04 ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં 0.98 ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં 0.93 ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન આજે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.21 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 77.81 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે એશિયન બજારોમાં સિઉલ, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર નરમાઈના અન્ડરટોને બંધ રહી હતી. જોકે આજે જાપાનની બજાર જાહેર રજાને કારણે બંધ રહી હતી. તેમ જ યુરોપના બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો.