શૅરબજારમાં સતત બીજા દિવસે જોરદાર કડાકો, રોકાણકારોને બે દિવસમાં રૂપિયા સાત લાખ કરોડનું નુકસાન
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતીય શેરબજારના બેન્ચમાર્ક, સેન્સેક્સ અને નિફ્ટીએ સતત બીજા દિવસે એક ટકાથી મોટો કડાકો નોંધાવ્યો છે અને એ સાથે રોકાણકારોને બે દિવસમાં રૂ. સાત લાખ કરોડનું નુકસાન થયું છે. ઇઝરાયલ પર ઈરાને 300થી વધુ મિસાઈલો અને ડ્રોન ઝીંક્યા બાદ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે રોકાણકારોએ ઇક્વિટી બજારમાં સાર્વત્રિક વેચવાલીનો મારો ચલાવ્યો હતો.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની તંગદીલી વધવાની અને યુદ્ધ વિકરાળ બનવાની સંભાવનાએ રોકાણકારોને ડરાવ્યા હતા કારણ કે, તેને પરિણામે ક્રૂડ ઓઈલ અને કેટલીક ઔદ્યોગિક ધાતુઓ સહિત કોમોડિટીના વૈશ્વિક પુરવઠો વિક્ષેપિત થવાની સંભાવના છે અને જો એવું થશે તો પહેલેથી જ વકરી રહેલા ફુગાવામાં ઓર વધારો થવાની શંક્યતા છે. આનો અર્થ એ પણ થશે કે ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની સંભાવનાઓ, જે જૂન પછી વિલંબમાં હોવાનું સ્પષ્ટ છે, તેમાં વધુ વિલંબ થઈ શકે છે.
ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ તેના અગાઉના 74,244.90 પોઇન્ટના બંધ સામે 930 પોઈન્ટના ઘટાડા સાથે 73,315.16ની નીચી સપાટીએ ખુલ્યો હતો અને સત્રને અંતે 845 પોઈન્ટ અથવા 1.14 ટકા ઘટીને 73,399.78 પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.
એ જ રીતે, નિફ્ટી 50 તેના અગાઉના 22,519.40 પોઇન્ટના બંધ સામે 180 પોઈન્ટ ઘટીને 22,339.05 પોઇન્ટ પર ખુલ્યો હતો અને 260 પોઈન્ટ જેટલો ઘટાડો નોંધાવીને 22,259.55 પોઇન્ટની દિવસની નીચી સપાટીને અથડાયો હતો. ઈન્ડેક્સ અંતે 247 પોઈન્ટ અથવા 1.10 ટકા ઘટીને 22,272.50 પર બંધ રહ્યો હતો.
નિફ્ટીમાં સૌથી વધુ ધોવાણ નોંધાવનારા શેરોમાં શ્રીરામ ફાઇનાન્સ, વિપ્રો, બજાજ ફાઇનાન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે, જ્યારે ઓએનજીસી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, માતિ સુઝુકી, નેસ્લે ઇન્ડિયા અને ભારતી એરટેલનો ટોપ ગેઇનર્સ શેરોમાં સમાવેશ હતો.
ઓઇલ એન્ડ ગેસ તથા મેટલ સિવાયના ક્ષેત્રોમાં, તમામ ક્ષેત્રીય શેરઆંક રેડ જોનમાં બંધ થયા હતા. એનએસઇના મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 1.5 ટકા ડાઉન હતા. નાના શેરોમાં લાર્જ કેપ શેરની સરખામણીએ વધુ દોવાણ અને પીછઠેહઠ જોવા મળ્યાં હતાં. વ્યક્તિગત શેરોમાં સેઇલ, એક્સાઇડ ઇન્ડસ્ટડ્રીઝ અને મહાનગર ગેસના વોલ્યુમમાં 300 ટકાથી વધું વધારો જોવા મળ્યો હતો. ઓએનજીસી, ઇન્ડસ ટાવર્સ અને ગુજરાત ગેસમાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે કોફોર્જ, અતુલ અને બંધન બેન્કમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.
એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, સેઈલ, હનીવેલ ઓટોમેશન, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, એજીસ લોજિસ્ટિક્સ, આનંદ રાઠી, આશિયાના હાઉસિંગ, એસ્ટર ડીએમ હેલ્થ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, એચઈજી, પુરાવંકારા, થર્મેક્સ, વેદાંતા, વેદાન્તા સહિત 150થી વધુ શેરો તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા લશ્કરી ઘસરણને કારણે વૈશ્વિક ઇક્વિટી બજારમાં અસ્થિરતાનો માહોલ સર્જાયો છે, કારણ કે જો આ ઘસરણ વધુ મોટું સ્વરૂપ પકડશે તો તેના પરિણામ સમગ્ર વિશ્વના અર્થતંત્રોએ બોગવવા પડશે. મધ્ય પૂર્વમાં તણાવની સૌથી મોટી અસર ક્રૂડ ઓઈલની કિમતો પર પડી શકે છે. વાસ્તવમાં ગયા અઠવાડિયે જ ક્રૂડ ઓઇલના ભાવ છ મહિનાની ટોચની નજીક પહોંચી ગયા હતા અને વિશ્લેષકો હવે એવો ભય વ્યક્ત કરી રહ્યાં છે કે ક્રૂડ ઓઈલના ભાવ આગામી થોડા દિવસોમાં 100 ડોલરની સપાટીને પાર કરી શકે છે. ઇઝરાયેલ સામે 300થી વધુ ડ્રોન અને મિસાઇલો સાથે ઇરાનના અભૂતપૂર્વ સંપૂર્ણ કક્ષાના લશ્કરી હુમલાના પરિણામ વિશે ઇક્વિટી ઇન્વેસ્ટર્સ અને હેજ ફંડો ચિંતિત છે.
અન્ય પરિબળો ઉપરાંત ભારત-મોરેશિયસ ટેક્સ સંધિમાં ફેરફારને લગતી ચિંતાઓ વચ્ચે એફઆઇઆઇએ લગભગ એક અબજ ડોલરની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી અને આગળ પમ એફઆઇઆઇની વેચવાલી ચાલુ રહેવાની ધારણા છે.
અમેરિકા અને અન્ય મુખ્ય અર્થતંત્રોમાં વ્યાજ દરની સ્થિતિ, ભારતમાં ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો, વિદેશી ભંડોળનો પ્રવાહ અને આર્થિક ફંડામેન્ટલ્સ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર મોટી અસર કરશે. એક રાહતની બાબતમાં સ્કાયમેટે 2024 માટે સારા વરસાદની આગાહી કરી છે.
ભારતીય શેરબજાર માટે મજબૂત ફંડામેન્ટલ, કોર્પોરેટ ક્ષેત્રના ચોથા કવાર્ટરના મજબૂત પરિણામની સંભાવના અને ઇલેકશનના કરંટ જેવા પરિબળો આધાર આપી શકે છે, પરંતુ એફઆઇઆઇનું વલણ મહત્ત્વની ભૂમિકામાં રહેશે.
ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે બજારની આગામી ચાલ સંદર્ભે કહ્યું હતું કે રેઝિસ્ટન્સ ઝોન 22,700-22,750 પોઇન્ટની રેન્જમાં છે, જ્યારે સપોર્ટ લેવલ 22,600 પોઇન્ટની સપાટીએ હતું. નિફ્ટીએ શુક્રવારના સત્રમાં સપોર્ટ લેવલ તોડીને 22,500ની સપાટી બતાવી છે. બજાર રેન્જ-બાઉન્ડ રહેવાની સંભાવના હોવા સાથૈે અત્યારે તો રોકાણકારો માટે માત્ર નિરિક્ષકની ભૂમિકામાં રહેવું હિતાવહ જણાય છે.