શેર બજાર

સર્વિસ પીએમઆઇ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા સેન્સેક્સ અને નિફ્ટીએ નોંધાવી નવી વિક્રમી સપાટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: દેશનો સર્વિસ પીએમઆઇ લગભગ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે એચડીએફસી, ટીસીએસ સહિતના આઇટી શેરોની આગેવાનીએ મળેલા લેવાલીના ટેકાએ સેન્સેક્સ અને નિફ્ટીને નવી વિક્રમી સપાટીએ પહોંચાડ્યા હતા. એ જ સાથે મજબૂત કોર્પોરેટ પ્રદર્શનની અપેક્ષાઓ વચ્ચે ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઇનાન્શિયલ શેરોમાં પણ કરંટ જોવા મળ્યો હતો.

માર્ચમાં વેચાણ અને બિઝનેસ એક્ટિવિટીમાં વધારો થવાને કારણે દેશના સેવા ક્ષેત્રની કામગીરીમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. એચએસબીસી ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૬૦.૬ના સ્તરે હતો તે માર્ચમાં ૬૧.૨ની સપાટીએ પહોંચ્યો છે.

આ ઉપરાંત, રોકાણકારોએ આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીના વ્યાજ દરના નિર્ણયમાં યથાસ્થિતિની અપેક્ષા રાખતા પસંદગીના બેન્કિંગ શેરોમાં પણ સારી લેવાલી અને સુધારો જોવા મળ્યો હતો. આરબીઆઇની છ સભ્યોની રેટ સેટિંગ પેનલે બુધવારે બેઠક શરૂ કરી દીધી છે અને શુક્રવારે નિર્ણય જાહેર કરશે.

ત્રીસ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૩૫૦.૮૧ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા વધીને ગુરુવારે ૭૪,૨૨૭.૬૩ પોઇન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, ઇન્ડેક્સ ૭૪,૫૦૧.૭૩ પોઇન્ટની ઊંચી અને ૭૩,૪૮૫.૧૨ પોઇન્ટની નીચી વચ્ચે અથડાતો રહ્યો હતો.

વ્યાપક પાયો ધરાવતો એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી પણ ૮૦ પોઈન્ટ અથવા ૦.૩૬ ટકા વધીને ૨૨,૫૧૪.૬૫ પોઇન્ટની નવી વિક્રમી ટોચે પહોંચ્યો હતો. આ ૫ચાસ શેર ધરાવતા બેન્ચમાર્કના ૩૧ જેટલા શેર સુધારા સાથે બંધ થયા હતા. અગાઉના બે સત્રોમાં બંને બેન્ચમાર્ક નીચા સ્તરે બંધ રહ્યા હતા.

સેન્સેક્સ અગાઉ સાતમી માર્ચે ૭૪,૧૧૯.૩૯ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો અને નિફ્ટીએ ૨૨,૪૯૩.૫૫ પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. સેન્સેક્સના શેરોમાં એચડીએફસી બેંક, ટાઇટન, ટેક મહિન્દ્રા અને એશિયન પેઈન્ટ્સ મુખ્ય ગેનર્સમાં સામેલ હતા, કુલ ૨૦ શેરોએ ગ્રીન ઝોનમાં સ્થાન મેળવ્યું હતું. ટીસીએસ, મારૂતિ, કોટક મહિન્દ્રા બેંક અને બજાજ ફિનસર્વ અન્ય શેરોમાં વધારો થયો હતો. આનાથી વિપરીત એસબીઆઇ, ભારતી એરટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, પાવરગ્રીડ, આઇટીસી અને રિલાયન્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા.

બીએસઇ લાર્જકેપ ૦.૩૪ ટકા અને સ્મોલકેપ ૦.૫૪ ટકા વધ્યા હતા, જ્યારે મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૧૧ ટકાનો નજીવો ઘટાડો થયો હતો. શુક્રવારે આરબીઆઈની આગામી નાણાકીય નીતિની જાહેરાત પર ધ્યાન કેન્દ્રિત કરીને બજારે સાંકડી ટ્રેડિંગ રેન્જમાં સકારાત્મક વલણ દર્શાવ્યું હતું. જોકે, ફુગાવાની ચિંતાઓને કારણે રેપો રેટમાં સંભવત: યથાવત્ રહેવાની અપેક્ષા છે.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે, સેન્ટિમેન્ટના સુધારા માટે અન્ય કારણો પણ મોજૂદ હતા. જેમ કે, વ્યાપક બજારે ચોથા ત્રિમાસિકના મજબૂત પરિણામોની અપેક્ષા વચ્ચે બેંક જેવા પસંદગીના ક્ષેત્રોમાં સારી લેવાલી જોવા મળી છે અને એ જ સાથે કમ્પોઝિટ પીએમઆઇ ડેટા પર આધારિત નિકાસના આંકડા બિઝનેસની મજબૂત પરિસ્થિતિ દર્શાવે છે. સેન્સેક્સમાં એચડીએફસી બેન્ક ૩.૦૬ ટકા, ટાઈટન કંપની ૧.૯૮ ટકા, ટેક મહિન્દ્રા ૧.૭૪ ટકા, એશિયન પેઈન્ટ્સ ૧.૭૨ ટકા અને ટીસીએસ ૧.૪૧ ટકા વધ્યા હતા, જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૫૨ ટકા, ભારતી એરટેલ ૧.૪૪ ટકા, જેએસડબલ્યૂ સ્ટીલ ૧.૦૧ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૯૬ ટકા અને આઈટીસી ૦.૬૦ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ સાત કંપનીઓમાંથી ૫ાંચ કંપનીઓને ઉપલી અને બે કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

કોર્પોરેટ હલચલમાં ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડ (ઓઆરએસ)એ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે મધ્યપૂર્વમાં મજબૂત વિકાસ માટે બાયો કેટાલિસ્ટ સાથે વ્યૂહાત્મક ભાગીદારી સાધી છે. વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં ઓઆરએસ અગ્રણી કંપની છે તેણે મધ્ય પૂર્વના બજારમાં સાહસ કરવા માટે અધિકૃત વિતરક બાયોકેટાલિસ્ટ સાથે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (એમઓયુ) કર્યા છે, તેનું મુખ્ય મથક
કેલિફોર્નિયામાં છે.

એશિયામાં અન્યત્ર, સિઓલ અને ટોકિયોમાં શેરબજાર સુધારા સાથે બંધ રહ્યાં હતા, જ્યારે હોંગકોંગ અને શાંઘાઈ શેરબજાર રજાને કારણે બંધ હતા. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં ગ્રીન સત્રમાં અથડાઇ રહ્યાં હતા. અમેરિકન બજારો બુધવારના સત્રમાં મિશ્ર નોંધ સાથે બંધ થયા છે.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૬ ટકા વધીને ૮૮.૬૭ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ બુધવારે રૂ. ૨,૨૧૩.૫૬ કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી.

બુધવારે બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ૨૭.૦૯ પોઈન્ટ અથવા ૦.૦૪ ટકા ઘટીને ૭૩,૮૭૬.૮૨ પર સેટલ થયો હતો. એનએસઇ નિફ્ટી ૧૮.૬૫ પોઈન્ટ અથવા ૦.૦૮ ટકા ઘટીને ૨૨,૪૩૪.૬૫ પર આવી ગયો છે. ભારતના અન્ય આર્થિક પરિબળો તેજીની તરફેણમાં છે. ઑક્ટોબર ૨૦૨૦ પછીના ઉત્પાદન અને નવા ઓર્ડરમાં સૌથી મજબૂત વધારાને કારણે માર્ચમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ ૧૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. સીઝનલી એડજસ્ટેડ એચએસબીસી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) માર્ચમાં ૫૯.૧ની ૧૬-વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો, જે ફેબ્રુઆરીમાં ૫૬.૯ની સપાટીએ હતો.

આ ઇન્ડેક્સ નવા ઓર્ડર, આઉટપુટ અને ઇનપુટ સ્ટોક્સની મજબૂત વૃદ્ધિ તેમજ નવી રોજગાર સર્જનને
દર્શાવે છે.

પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ)ના ધોરણ અનુસાર, ૫ચાસથી ઉપરના આંકડાનો અર્થ વિસ્તરણ થાય છે, જ્યારે પચાસથી નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે.

સ્થાનિક રોકાણકારો આ સપ્તાહના અંતમાં આરબીઆઈની નીતિની જાહેરાત આગળ સાવચેતીનું વલણ રાખી શકે છે. જો કે કમ્ફર્ટ લેવલથી ઉપરના ફુગાવાના કારણે દેશની કેન્દ્રીય બેન્ક વ્યાજદર સ્થિર રાખે એવી પૂરી શક્યતા છે. દરમિયાન, ભારત સાનુકૂળ બૃહદઅર્થતાંત્રિક પરિબળોનો સાથ મેળવીને આઠ ટકાનો જીડીપી વિકાસદર હાંસલ કરી શકશે, એમ દેશની કેન્દ્રિય બેન્કના માર્ચ બુલેટીનમાં પ્રકાશિત નસ્ટેટ ઓફ ઇકોનોમીથ શીર્ષક હેઠળના લેખમાં ટાંકવામાં આવ્યું છે. આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાવાલાના વડપણ હેઠળની ટીમે તૈયાર કરેલા લેખમાં એવી માહિતી અપાઇ છે કે વૈશ્ર્વિક અર્થતંત્ર જોમ ગુમાવી રહ્યું છે ત્યારે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ના સમાયગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર (જીડીપી ગ્રોથ) સરેરાશ આઠ ટકાથી ઉપર રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button