ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજારમાં સુનામી: સેન્સેક્સ ૧૦૦૦ પોઇન્ટ ઉછળીને ૧૦૦૦ પોઇન્ટ નીચે કેમ પટકાયો?

નિલેશ વાઘેલા
મુંબઈ
: અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયરની જાહેરાત કર્યા બાદ વિશ્વભરના ઇક્વિટી માર્કેટમાં આવેલા સુધાર સાથે સેન્સેક્સ રોકેટ ગતિએ ૧૦૦૦ પોઇન્ટ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે ઇઝરાયલે ઇરાન પર યુદ્ધવિરામ ભંગનો આરોપ લગાવતાં સેન્સેક્સ દિવસના ઉચ્ચતમ સ્તરથી ૯૫૦ પોઇન્ટથી વધુ નીચે પટકાયો અને નિફ્ટી ૨૫,૦૫૦ની નીચે સરકી ગયો હતો.

યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરારની જાહેરાત કર્યા પછી ગ્લાબલ ઓઇલના ભાવમાં ઝડપી ઘટાડો અને એશિયાઇ બજારોમાં જોરદાર તેજી નીકળતાં, ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત વધારા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ સવારના સત્રમાં જ ૧૦૩૨ પોઇન્ટથી ઊંચી સપાટી સુધી આગળ વધ્યો હતો અને આ દરમિયાન, બીએસઇ પર બધી લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત બજાર મૂડીકરણ રૂ. ૪.૪૩ લાખ કરોડના ઉછાળા સાથે રૂ. ૪૫૨.૨૫ લાખ કરોડ પાર કરી ગયું હતું.

જોકે, ઇરાને યુદ્ધવિરામનો ભંગ કર્યો હોવાના ઇઝરાયલના આરોપ અને ઇરાન પર બમણી તાકાત સાથે વળતો હુમલો કરવાની ઇઝરાયલની ધમકીના અહેવાલો બાદ જોરદાર પેનીક સેલીંગ થતાં સેન્સેક્સ તેના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તરથી ૧,૧૧૮.૦૪ પોઈન્ટ ઘટીને ૮૧,૯૦૦.૧૨ પોઇન્ટના નીચા સ્તરે પહોંચ્યો, જ્યારે નિફ્ટી ૨૫,૦૫૦ના મહત્ત્વના સ્તરથી નીચે ઉતરી ગયો હતો.
અલબત્ત ઇરાને કોઇ સીઝફાયરનો ભંગ કર્યો ના હોવાની જાહેરાત કર્યા બાદ શેરબજાર ફરી પોઝિટિવ ઝોનમાં પાછો ફર્યો છે અને પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યું હતું.

સેન્સેક્સ ૧૫૮ પોઇન્ટ વધીને ૮૨,૦૫૫ પોઇન્ટની સપાટીએ, જ્યારે નિફ્ટી ૭૨.૪૫ પોઇન્ટ વધીને ૨૫,૦૪૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું હતું કે ઇરાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરીને કરવામાં આવેલા મિસાઇલ હુમલાના જવાબમાં તેમણે લશ્કરને તેહરાન પર હુમલા કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જોકે, ઇરાનની ઇસના સમાચાર એજન્સીએ આ દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આવી કોઈ મિસાઇલો છોડવામાં આવી નથી. વિરોધાભાસી અહેવાલોએ નવી અનિશ્ર્ચિતતાા ઉભી કરી હોવાથી યુદ્ધવિરામની અસરકારકતા અને ૧૨ દિવસની દુશ્મનાવટનો અંત લાવવાની તેની ક્ષમતા સામે આશંકા ઉભી થઈ હતી.

આ ઉપરાંત ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. દિવસની શરૂઆતમાં બજારમાં જોવા મળેલા મજબૂત ઊછાળામાં સેન્સેક્સ ૧,૧૦૦ પોઈન્ટથી વધુ વધ્યો હતો અને નિફ્ટી ૨૫,૩૦૦ પોઈન્ટ ઉપર ચઢ્યો હતો. જોકે, સટોડિયાઓએ ઊંચા મથાળે નફો ગાંઠે બાંધ્યો હોવાના કારણે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.
Back to top button