શેર બજાર

વ્યાપક વેચવાલીના મારા વચ્ચે સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો, નિફ્ટી ૨૨,૫૦૦ની નીચી સપાટી નિકટ પહોંચ્યો

રિટેલ ઇન્ફ્લેશન પાંચ મહિનાની નીચી સપાટીએ, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૫.૭ ટકાનો વધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાના ફૂગાવાના આંકની જાહેરાત પાછળ વિશ્ર્વબજારમાં શરૂ થયેલો નરમાઇનો દોર આગળ વધતા સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક બજારમાં પણ વેચવાલીનું દબાણ વધ્યું હતું અને સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ૨૨,૫૦૦ની નીચી સપાટીની નજીક ધકેલાઇ ગયો હતો. યુએસ સીપીઆઈ ફુગાવાના ડેટા દ્વારા રોકાણકારોનું સેન્ટિમેન્ટ ડહોળાયું હતું. ફેડરલ રિઝર્વ દ્વારા જૂન મહિનામાં વ્યાજ દરમાં કાપ મૂકાવાની આશા પર પાણી ફરી વળવા સાથે તેમ જ યુએસ ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી સેન્ટિમેન્ટ ખરડાયું હતું. દરમિયાન રિટેલ ઇન્ફ્લેશન માર્ચ મહિનામાં ૪.૮૫ ટકાની પાંચ મહિનાની નીચી સપાટીએ ધકેલાયું છે, જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન આંક ફેબ્રુઆરીમાં ૫.૭ ટકા વધ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટીએ ૧૨ એપ્રિલે વ્યાપક જોરદાર અને એકધારી વેચવાલીના દબાણને કારણે એક ટકાના નોંધપાત્ર ધોવાણનો ફટકો ખાધો છે. તમામ સેકટરલ ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કુલ ટ્રેડેડ શેરોમાં લગભગ ૧,૨૮૦ શેર વધ્યા, ૨,૦૧૭ શેર ઘટ્યા અને ૬૪ શેર યથાવત રહ્યા હતા.

સત્રને અંતે સેન્સેક્સ ૭૯૩.૨૫ પોઈન્ટ અથવા ૧.૦૬ ટકા ઘટીને ૭૪,૨૪૪.૯૦ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૫૦ ૨૩૪.૪૦ પોઈન્ટ અથવા ૧.૦૩ ટકા ઘટીને ૨૨,૫૧૯.૪૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.

સન ફાર્મા, મારુતિ, પાવર ગ્રીડ, ટાઇટન, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટૂબ્રો અને સ્ટેટ બેન્ક ટોપ લુઝર્સની યાદીમાં હતા. જ્યારે ટાટા મોટર્સ, ટીસીએસ અને નેસ્લે ટોપ ગેઇનર્સ હતા. ભારતી હેક્સાકોમનો શેર શેરબજારની નબળી સ્થિતિ વચ્ચે ૩૨.૪૫ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા બાદ તેના રૂ. ૫૭૦ના ઇશ્યૂ ભાવ સામે ૪૩ ટકાના ઉછાળા સાથે રૂ. ૭૫૫.૨૦ની સપાટીએ પહોંચ્યો હતો.

વોડાફોન આઇડીઆ રૂ. ૧૮,૦૦૦ કરોડનો એફપીઓ લાવી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦થી રૂ. ૧૧ નક્કી થઇ છે. દેશની આ સૌથી મોટા એફપીઓની ઓફર ૧૮મી એપ્રિલે ખૂલશે. ટીસીએસના શેર કંપની દ્વારા પરિણામની જાહેરાત અગાઉ ૧૨ એપ્રિલે એનએસઇ પર ૦.૫ ટકા વધીને રૂ. ૪,૦૦૩.૮૦ પર સ્થિર થયા હતા. એનસીએલએટીએ ડેક્કન ચાર્ટર્સ સામેની નાદારીને લગતી કાનૂની કાર્યવાહી સામે ૨૬ એપ્રિલ સુધી મનાઇ હૂકમ ફરમાવ્યો છે.

એચપી ઇન્ડિયાએ ભારતીય બજારમાં પહેલી વાર એઆઇ એન્હેન્સ્ડ ગેમીંગ અને ક્રીએશન લેપટોપ મૂકી રહી છે. આ ઓમેન ટ્રાન્સેંડ ૧૪ અને એચપી એન્વી એક્સ૩૬૦ ૧૪ લેપટોપ અદ્યતન ફિચર્સ ધરાવે છે. નવી સીરીઝના બંને લેપટોપ ઇન્ટેલ કોર અલ્ટ્રા પ્રોસેસર્સ ધરાવે છે. એચપી ઇન્ક ૧૭૦ દેશમાં હાદજરી
ધરાવે છે.

નિફ્ટીમાં ડિવિસ લેબોરેટરીઝ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, નેસ્લે અને ટીસીએસ ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં રહ્યાં હતાં, જ્યારે સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ અને ટાઇટન કંપની સૌથી વધુ ઘટનારા મુખ્ય શેરોની યાદીમં હતાં.

તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેરને સૌથી વધુ નુકસાન થયું હતું કારણ કે તેમાં અનુક્રમે ૧.૮ ટકા અને ૧.૫ ટકાનો કડાકો હતો. નિફ્ટી મીડિયા, નિફ્ટી પીએસયુ બેન્ક અને નિફ્ટી એફએમસીજી એક ટકાથી વધુ ઘટીને બંધ થયા છે. એનએસઇ મિડકેપ ઇન્ડેક્સ પણ ૦.૪ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટ્યો હતો.

અમેરિકાના ડેટા અને વૈશ્ર્વિક બજારો પર તેની નકારાત્મક અસરને પગલે અહી મુંબઇ સમાચાર દ્વારા પાછલા અંકમાં પ્રકાશિત કરવામાં આવેલી ધારણાં અનુસાર સ્થાનિક બેન્ચમાર્ક શેરઆંકો શુક્રવારે નબળા ટોન સાથે ખૂલ્યા હતા. વૈશ્ર્વિક બજારના નબળા સંકેતોની સાથે, ટીસીએસ ટીસીએસ તેના માર્ચ ક્વાર્ટરની કામગીરીની જાહેરાત સાથે કોર્પોરેટ સેકટરની માર્ચ ક્વાર્ટરની કમાણીની સિઝનની શરૂઆત કરે એ પહેલાંની બજારમાં સાવચેતીનો માહોલ રહ્યો હતો.

બજારના નિષ્ણાતો અનુસાર અપેક્ષા કરતાં વધુ ઊંચા યુએસ ફુગાવાને કારણે યુએસ બોન્ડની યીલ્ડમાં વધારો કર્યો છે. આ બાબત એફપીઆઈના પ્રવાહ માટે નકારાત્મક છે, પરંતુ તે ભારતીય બજારને અસર કરે તેવી શક્યતા નથી, કારણ કે ભારતીય બજાર સ્થિતિસ્થાપક છે. એ બાબત નોંધવી રહી કે પાછલા સત્રમાં બુધવારે વિદેશી ફંડોએ રૂ. ૨૭૭૮.૧૭ કરોડની લેવાલી નોંધાવી હતી. ગુરુવારે બજાર રમઝાન ઇદ નિમિત્તે બંધ રહ્યું હતું.

બીજી મહત્વની બાબત એ છે કે સ્થાનિક તેજી મુખ્યત્વે સ્થાનિક રિેટેલ ઇન્વેસ્ટર્સ અને સંસ્થાકીય ફંડો (ડીઆઇઆઇ) દ્વારા ઠલવાતી પ્રવાીહતા મારફત સંચાલિત થઇ રહી છે અને બજારમાં ભરપૂર પ્રવાહિતા મોજૂદ છે. વાસ્તવમાં બજારના સાધનો માને છે કે, સંભવિત ઘટાડાથી બજારને મજબૂતી મળે તેવી શક્યતા છે. આ પરિસ્થિતિમાં રોકાણકારોને નિષ્ણાતો એવી સલાહ આપી રહ્યા છે કે,જ્યાં સલામતીનું માર્જિન ઊંચું હોય એવા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બ્લુ ચિપ લાર્જકેપ ખરીદવા માટે રોકાણકારો ઘટાડે લેવાલીનો ઉપયોગ કરી શકે છે.

વૈશ્ર્વિક બજારોમાં એશિયન ઇક્વિટી બજારોની ગતિ શુક્રવારે ધીમી રહી હતી, કારણ કે રોકાણકારો અમેરિકાના અનિશ્ર્ચિત ફુગાવાના વલણો વચ્ચે વ્યાજ દરમાં ઘટાડા અંગે ફેડરલ રિઝર્વના વલણ પર આશંકિત રહ્યા છે. બદલાયેલા સંજોગોમાં આ વર્ષે ફેડરલ હવે ઇન્ટરેસ્ટ રેટમાં માત્ર બે વખત કપાતની જાહેરાત કરે એવી શ્કયતા છે, જે અગાઉ ફેડ અધિકારીઓ દ્વારા અંદાજવામાં આવેલા ત્રણ રેટ કટ સામે ઘટાડો દર્શાવે છે.

નિક્કી ૨૨૫ ૦.૫% ના ઉછાળા સાથે એશિયા પેસિફિક ક્ષેત્રમાં જાપાન સકારાત્મક રીતે બહાર આવ્યું છે. યુ.એસ.ના બજારોમાં ઉછાળાને કારણે ટેક શેરોએ ઉછાળાની આગેવાની લીધી હતી. દરમિયાન, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ૦.૩૯ ટકા અને સિંગાપોરનો સ્ટ્રેટ ટાઇમ્સ ઇન્ડેક્સ ૦.૧૨ ટકા ઘટ્યો હતો. બંને દેશોની કેન્દ્રીય બેંકોએ તેમની વર્તમાન નીતિઓ જાળવી રાખી છે. પ્રોપર્ટી શેરના દબાણને કારણે હેંગસેંગમાં ૧.૩૧ ટકાનો ઘટાડો થતાં હોંગકોંગે સૌથી વધુ નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો હતો. બીજી તરફ મેઇનલેન્ડ ચીનની બ્લુ ચિપ્સ કંપનીઓના શેરોમાં સ્થિરતા જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button