મુંબઈ: શોર્ટસેલર હિંડનબર્ગે અદાણીના મુદ્દે સેબીનાં ચીફ માધવી પુરી બૂચ અને તેમનાં પતિ પર મૂકેલા આક્ષેપોને પગલે આજે અપેક્ષાનુસાર સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સત્રના આરંભે નરમાઈનું વલણ જોવા મળ્યું હતું અને સત્ર દરમિયાન એક તબક્કે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૭૯.૭૮ પૉઈન્ટનો ઘટાડો થયા બાદ ખાસ કરીને વૈશ્ર્વિક બજારના પ્રોત્સાહક અહેવાલો અને ખાનગી બૅન્ક અને ફાઈનાન્સ કંપનીઓના શૅરોમાં તેમ જ રિઅલ્ટી ક્ષેત્રના શૅરોમાં લેવાલી નીકળતા અંતે ૫૬.૯૯ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૨૦.૫૦ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૪૬૮૦.૫૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી અને તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૪૪૭૭.૭૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
આજે સત્રના આરંભમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૭૯,૭૦૫.૯૧ના બંધ સામે મુખ્યત્વે અદાણી જૂથનાં શૅરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ અને ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સમાં વેચવાલીના દબાણે ૩૭૫.૭૯ પૉઈન્ટના ઘટાડા સાથે ૭૯,૩૩૦.૧૨ના મથાળે ખૂલ્યા બાદ નીચામાં ૭૯,૨૨૬.૧૩ સુધી અથવા તો ૪૭૯.૭૮ પૉઈન્ટ સુધી ગબડ્યા બાદ ખાનગી બૅન્કોના શૅરો, રિઅલ્ટી ક્ષેત્રનાં શૅરોમાં લેવાલી નીકળતાં સેન્સેક્સમાં નીચલા મથાળેથી ૮૮૦.૦૫ પૉઈન્ટના સુધારો જોવા મળ્યો હતો અને ઉપરમાં ૮૦,૧૦૬.૧૮ સુધી પહોંચ્યા બાદ પુન: વેચવાલીનું દબાણ રહેતાં અંતે આગલા બંધ સામે ૫૬.૯૯ પૉઈન્ટ અથવા તો ૦.૦૭ ટકાના ઘટાડા સાથે ૭૯,૬૪૮.૯૨ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નિફ્ટી ગત શુક્રવારના ૨૪,૩૬૭.૫૦ના બંધ સામે ૨૪,૩૨૦.૦૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૨૪,૨૧૨.૧૦ અને ઉપરમાં ૨૪,૪૭૨.૮૦ની રેન્જમાં અથડાઈને અંતે ૨૦.૫૦ પૉઈન્ટ અથવા તો ૦.૦૮ ટકા ઘટીને ૨૪,૩૪૭ના મથાળે બંધ રહ્યો હતો. આમ એકંદરે આજે બજારમાં ભારે ઉથલપાથલ અથવા તો ચંચળતા જોવા મળી હતી. હિંડનબર્ગે અદાણીના મુદ્દે સેબી ચીફ અને તેમના પતિ સામે મૂકેલા આક્ષેપોને કારણે બજારનો આરંભ નરમાઈના ટોને થયો હતો, પરંતુ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ટેકે આ ઘટાડો ધોવાઈ ગયો હતો અને ત્યાર બાદ નફારૂપી વેચવાલી નીકળતાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે શોર્ટસેલર હિંડનબર્ગ રિસર્ચે ગત શનિવારે આક્ષેપ મૂક્ય હતો કે સેબીનાં ચેરપર્સન માવી પુરી બુચ અને તેમના પતિએ બર્મુડા અને મોરેશિયસમાં ઓબસિક્યોર ઓફશૉર ફંડમાં બેનામી રોકાણ ધરાવે છે અને કથિતપણે આ એન્ટિટીનો ઉપયોગ અદાણી જૂથનાં ચેરમેન ગૌતમ અદાણીનાં મોટા ભાઈ વિનોદ અદાણી કરી રહ્યા છે. જોકે, સેબીનાં ચીફ બુચ અને તેમના પતિએ સંયુક્તપણે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગનો આ સેબીની શાખ પરનો હુમલો છે અને ચારિત્ર્ય પરનો પણ હુમલો છે. વધુમાં ગત રવિવારે અદાણી જૂથે પણ આ આ આક્ષેપને ચાલાકીભર્યા અને દુર્ભાવનાયુક્ત ગણાવ્યા હતા.
આજે બીએસઈ ખાતે કુલ ૪૧૮૫ શૅરોમાં કામકાજ થયા હતા, જેમાંથી ૧૮૯૯ શૅરના ભાવ વધીને અને ૨૧૮૭ શૅરના ભાવ ઘટીને તથા ૯૯ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૮ શૅરના ભાવ ઘટીને અને ૧૨ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૨.૪૦ ટકાનો ઘટાડો એનટીપીસીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે અદાણી પોર્ટસમાં ૨.૦૨ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૧.૪૩ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૩૬ ટકાનો, નેસ્લેમાં ૧.૨૦ ટકાનો અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૧૨ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે એક્સિસ બૅન્કમાં સૌથી વધુ ૧.૮૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈન્ફોસિસમાં ૧.૫૧ ટકાનો, જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૧.૪૭ ટકાનો, ટાટા મોટર્સમાં ૦.૮૧ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૦.૭૦ ટકાનો અને ટેક મહિન્દ્રામાં ૦.૪૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેકટોરિયલ ઈન્ડાઈસીસમાં યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૦૪ ટકાનો, એફએમસી ઈન્ડેક્સમાં ૦.૬૭ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૦.૬૨ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૩૪ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૨૧ ટકાનો અને હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૦૮ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેની સામે આજે રિઅલ્ટી ઈન્ડેક્સમાં ૧.૩૦ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૯૧ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૦.૯૦ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૦.૮૩ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૦.૫૫ ટકાનો અને આઈટી ઈન્ડેક્સમાં ૦.૩૬ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
આજે એશિયન બજારોમાં સિઉલ અને હૉંગકૉંગની બજાર સુધારા સાથે બંધ રહી હતી, જ્યારે શાંઘાઈની બજારોમાં નરમાઈ હતી અને ટોકિયો અને બૅંગકૉકની બજાર આજે બંધ રહી હતી.