શેર બજાર

સેન્સેક્સ ભારે અફડાતફડી બાદ ૪૫ પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી ૨૨,૩૦૦ની સપાટી જાળવી રાખવામાં સફળ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયાઇ બજારોના નરમ હવામાન સાથે સ્થાનિક ધોરણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા એકધારી વેચવાલીને કારણે સેન્સેક્સ ૪૫ પોઇન્ટ નીચે લપસ્યો હતો. નિફ્ટી જોકે ૨૨,૩૦૦ની સપાટી જાળવવામાં સફળ થયો હતો. સેન્સેક્સ ૪૫.૪૬ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકાના ઘટાડા સાથે ૭૩,૪૬૬.૩૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ ૪૩૭.૯૩ પોઇન્ટ અથવા તો ૦.૫૯ ટકા ગબડીને ૭૩,૦૭૩.૯૨ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. જ્યારે નિફ્ટી ૨૨,૩૦૨.૫૦ની સપાટીએ સ્થિર રહ્યો હતો.

એશિયન પેઇન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંદુસ્તાન યુનિલીવર, એચડીએફસી બેન્ક, એચસીએલ ટેકનોલોજી, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ અને આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ લુઝર શેર રહ્યાં હતાં. ટોપ ગેર્ન્સની યાદીમાં ટાટા પાવર, પાવર ગ્રીડ, એનટીપીસી, લાર્સન એન્ડ ટૂબ્રો અને મારુતિનો સમાવેશ હતો.

નોનફેરસ મેટલ્સથી બનેલા વાઇન્ડિંગ વાયર અને સ્ટ્રીપ્સની ઉત્પાદક શેરા એનર્જી લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ઓડિટેડ નાણાકીય પરિણામમાં ૨૫.૫૯ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૮૭૬.૩૨ કરોડની કુલ આવક, ૩૧.૪૪ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે ૫૨.૫૫ કરોડનો એબિટા, ૨૭ બીપીએસની વૃદ્ધિ, છ ટકાનું એહિબટા માર્જિન, ૫૪.૨૩ ટકાના વધારા સાથે રૂ. ૧૪.૦૫ કરોડનો ચોખ્ખો નફો, ૧.૬૦ ટકાનો નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યો છે.

મેરીટાઇમ ઉદ્યોગની અગ્રણી કંપની એબીએસ મરીન સર્વિસ લિમિટેડ રૂ. ૯૧.૭૦ કરોડથી રૂ. ૯૬.૨૮ કરોડના જાહેર ભરણાં સાથે ૧૦મા મે, ૨૦૨૪ના રોજ મૂડીબજારમાં પ્રવેશશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૪૦થી રૂ. ૧૪૭ પ્રતિ શેર નક્કી થઇ છે. માર્કેટ લોટ સાઈઝ ૧,૦૦૦ ઈક્વિટી શેરની છે. આ જાહેર ભરણું ૧૫મી તારીખે બંધ થશે. શેર એનએસઇ ઇમર્જ પર લિસ્ટેડ થશે.

સિનટોન અને એગ્રીબિડે કૃષિ ક્ષેત્રે કોમોડિટીઝની પ્રાપ્તી માટે વ્યૂહાકત્મક ભાગીદારી સાધી છે. આ ભાગીદારી અંતર્ગત દેશના ચાર મુખ્ય દરિયાઇ બંદરો ખાતે ગોદામો અને અન્ય સવલતો સ્થાપવા માટે ઇક્વટી અને ડેટ મારફત ૫૦ મિલિયન ડોલર (અંદાજે રૂ. ૫૦ કરોડ) એકત્ર કરવામાં આવશે. સિનટોન વેન્ટેજ ટ્રેડિંગ સિગાપોરની ગ્લોબલ કોમોડિટી ટ્રેડિંગ કંપની છે, જે પેટ્રોલયિમ પ્રોડક્ટસ, એગ્રી બિઝનેસ, ઓલિઓકેમિકલ અને ફર્ટિલાઇઝરર્સના સોર્સિંગ, સપ્લાઇ, ટ્રેડિંગ અને લોજિસ્ટિકનો બિઝનસ કરે છે. એગ્રીબિડ એક એગ્રીટેક સ્ટાર્ટઅપ છે જે ફાર્મિંગ કમ્યુનિટીને સસ્ટેનેબલ સોલ્યુશન પૂરા પાડીને કૃર્ષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા ધારે છે.

હિંદજા ગ્રુપની ઇલેક્ટ્રિક બસ અને ઇ-એલસીવી બનાવતી કંપની સ્વીચ મોબિલિટી અને મજેન્ટા મોબિલિટીએ દેશભરમાં મિડ માઇલ અને લાસ્ટ માઇલ ડિલિવરી માટે ઇ એલસીવીને કામે લગાડવા સહયોગ સાધ્યો છે. આ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં નોંધપાત્ર પરિવર્તન લાવનાર સ્વીચ એલઇવી ફોર મોડલના ૫૦૦ ઇએલસીવીની પ્રાપ્તિ માટે સમજૂતી કરાર થયા છે.

લોકસભાની ચૂંટણીના પરિણામો અંગેની દ્વિધા વચ્ચે સ્થાનિક બજારમાં બુધવારે ખૂલતા સત્રથી જ નબળો ટોન જોવા મળયો હતો, ખાસ કરીને બેન્ક અને એફએમસીજી કાઉન્ટર્સમાં જોરદાર વેચવાલી અને ધોવામ જોવા મળ્યું હતું. એકંદર મતદાન પાછલા ઇલેકશનથી ઓછું થઇ રહ્યું હોવાથી ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે ભારે અફડાતફડીને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ડહોળાયું છે. સવારના સત્રમાં ક્ષેત્રીય રીતે, પીએસયુ બેન્કો અને મેટલ્સ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો.

બજારના સાધનો અનુસાર ચૂંટણીના પરિણામોને સંદર્ભની અનિશ્ર્ચિતતાને કારણે હવે બજાર પર દબાણ આવી રહ્યું છે. આ અંગે ઘણી અટકળો ચાલી રહી છે અને તેનાથી બજારમાં અફડાતફડી વધી છે.ઈન્ડિયા વીઆઇએક્સ ઇન્ડેક્સમાં એપ્રિલના નીચા સ્તરથી ૭૨ ટકા સુધીનો ઉછાળો એવું સૂચવે છે કે હાઈ લેવલ વોલેટિલિટી હજુ થોડા સમય માટે ચાલુ રહેશે. અહી એ સમજવું અગત્યનું છે કે વીઆઇએક્સ નિફ્ટી ઇન્ડેક્સ ઓપ્શનની કિંમતો પર આધારિત છે. વીઆઇએક્સમાં વધારો ઓપ્શન્સ ટ્રેડના વધતા વોલ્યુમને કારણે છે. ઘણા રોકાણકારો અણધાર્યા ચૂંટણી પરિણામના કિસ્સામાં તેમના પોર્ટફોલિયોને સુરક્ષિત રાખવા માટે પુટ ઓપ્શન્સ ખરીદી રહ્યા છે. જોકે લાંબા ગાળાના રોકાણકારો માટે ચાલી રહેલી અસ્થિરતા અને અનિશ્ચિતતા ખરીદીની તકો ઉભી કરે છે, એમ જિયોજિત ફાયનાન્સિયલ સર્વિસીસના ડો. વી કે વિજયકુમારે જણાવ્યું હતું. વોલ સ્ટ્રીટ ટ્રેડિંગ ફોકસ એક નબળા જોબ રિપોર્ટને પગલે સંભવિત યુએસ વ્યાજ-દરમાં કાપની ચિંતા સાથે બદલાઈ ગયું છે. ફેડરલની જ્હોન સી. વિલિયમ્સની ફેડ ટિપ્પણી અટકળોમાં વધારો
કરે છે.

દરમિયાન, માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ફ્યુચર એન્ડ ઓપશન્સ ટ્રેડિંગનો સમય વધારવાનો એનએસઈનો પ્રસ્તાવ રદ કર્યો છે. સેબીએ બ્રોકિંગ સમુદાયમાં સર્વસંમતિના અભાવને કારણે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બજારનો ટ્રેડિંગ સમય લંબાવવાની એનએસઇની દરખાસ્તને ફગાવી દીધી છે.

એનએસઈના પ્રસ્તાવમાં એફએન્ડઓ ઈન્ડેક્સના પ્રથમ તબક્કાનું ટ્રેડિંગના કલાકો વધારી સાંજના છ વાગ્યાના બદલે રાત્રે નવ વાગ્યા સુધી કરવાની દરખાસ્ત હતી. ટ્રેડિંગના કલાકો વધારવા પાછળનું કારણ આપતાં એનએસઈએ જણાવ્યું હતું કે, માર્કેટના સહભાગીઓને સાંજે આવતા વૈશ્ર્વિક સમાચારોની અસર અને પ્રવાહ સમજવામાં મદદ મળી શકે છે.

બીજા તબક્કાનું ટ્રેડિંગ ૧૧.૩૦ સુધી લંબાવવા ભલામણ કરવામાં આવી હતી. તેમજ કેશ માર્કેટ ટ્રેડિંગના કલાકો સાંજના પાંચ વાગ્યા સુધી લંબાવવા પણ અપીલ કરી હતી. જોકે, બ્રોકિંગ સમુદાયે ટ્રેડિંગના કલાકો વધારવા સર્વસંમતિ આપી નથી. જેથી સેબીએ આ પ્રસ્તાવ ફગાવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button