શેર બજાર

વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ અને આઈટી શૅરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૩૫૯ પૉઈન્ટ તૂટ્યો

ડિસેમ્બર અંતના પરિણામો પશ્ર્ચાત્ ટેક મહિન્દ્રાનો શૅર છ ટકા ગબડ્યો

નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ગત ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકગાળામાં ટૅક મહિન્દ્રનો ચોખ્ખો નફો ૬૦ ટકા ઘટીને ૫૧૦.૪ કરોડની સપાટીએ રહેતાં આજે સત્ર દરમિયાન શૅરના ભાવમાં છ ટકાનો ઘટાડો આવ્યો હતો. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ ખાતે ટેક મહિન્દ્રાના શૅરના ભાવ ૬ ટકા ઘટીને રૂ. ૧૩૨૨ સુધી ઘટ્યા બાદ અંતે ૬.૧૨ ટકા ઘટીને ૧૩૨૧.૬૦ના મથાળે બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે એનએસઈ ખાતે ભાવ ૬.૨૪ ટકા ઘટીને ૧૩૨૦.૦૫ સુધી પહોંચ્યા બાદ અંતે ૬.૧૦ ટકા ઘટીને ૧૩૨૨.૦૫ની સપાટીએ બંધ રહ્યા હતા. સમીક્ષા હેઠળના ત્રિમાસિકગાળામાં કંપનીની કાર્યકારી આવકો ગત સાલના સમાનગાળાના રૂ. ૧૩,૭૩૪ કરોડ સામે ૪.૬ ટકા ઘટીને રૂ. ૧૩,૧૦૧ કરોડની સપાટીએ રહી હતી.

પરિણામો બાદ બજાજ ઑટોનાં ભાવ ચાર ટકા ઉછળીને બાવન સપ્તાહની ટોચે

નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ગત ડિસેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં બજાજ ઑટોનો કોન્સોલિડેટેડ ધોરણે કરવેરા બાદનો ચોખ્ખો નફો ગત સાલના સમાનગાળાના રૂ. ૧૪૭૨.૭ કરોડની સરખામણીમાં ૩૮ ટકા વધીને રૂ. ૨૦૩૨.૬૨ કરોડની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશો સાથે આજે કંપનીના શૅરના ભાવમાં પાંચ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આજે બીએસઈ ખાતે બજાજ ઑટોના શૅરના ભાવ ગઈકાલના રૂ. ૭૨૧૧.૪૦ના બંધ સામે સત્ર દરમિયાન નીચામાં રૂ. ૭૨૦૯.૨૦ અને ઉપરમાં રૂ. ૭૬૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૫.૩૫ ટકા વધીને રૂ. ૭૫૯૬.૮૫ના મથાળે બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે એનએસઈ ખાતે શૅરના ભાવ ગઈકાલના રૂ. ૭૨૧૩.૮૫ના બંધ સામે સત્ર દરમિયાન નીચામાં ૭૨૧૦ અને ઉપરમાં રૂ. ૭૬૨૫.૧૫ની રેન્જમાં રહ્યા બાદ અંતે ૫.૩૩ ટકા વધીને રૂ. ૭૫૯૭.૫૦ની સપાટીએ બંધ રહ્યા હતા.

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ખાસ કરીને આઈટી શૅરોમાં રોકાણકારોની વ્યાપક વેચવાલી તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૫૯.૬૪ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૦૧.૩૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૧ શૅર વધીને અને ૧૯ શૅર ઘટીને બંધ રહ્યા હતા.

જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૧૬ શૅરના ભાવ વધીને અને ૩૪ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આવતીકાલે બજાર પ્રજાસત્તાક દિન નિમિત્તે સત્તાવાર ધોરણે બંધ રહેશે. આ સપ્તાહના ત્રણ સત્ર દરમિયાન બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૯૮૨.૫૬ પૉઈન્ટ અથવા તો ૧.૩૭ ટકાનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૨૬૯.૮ પૉઈન્ટ અથવા તો ૧.૨૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. એક્સચેન્જ તરફથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી અનુસાર ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૬૯૩૪.૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે આજે તેઓની ઈક્વિટીમાં રૂ. ૩૪,૨૮૦.૨૭ કરોડની ખરીદી સામે રૂ. ૩૬,૪૨૪.૩૩ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૨૧૪૪.૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, આજે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૪૭૪.૮૯ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર તાજેતરમાં અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડમાં જોવા મળેલા વધારા ઉપરાંત ગત ડિસેમ્બર અંતના ત્રિમાસિકગાળાના જાહેર થયેલા કોર્પોરેટ પરિણામો મિશ્ર આવ્યા હોવાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ વધુ રહે છે. આ ઉપરાંત આજે મુખ્યત્વે આઈટી, એફએમસીજી અને ફાર્મા શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં બૅન્ચમાર્કમાં પીછેહઠ જોવા મળી હતી.

દરમિયાન આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૭૧,૦૬૦.૩૧ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૭૧,૦૨૨.૧૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૦,૩૧૯.૦૪ અને ઉપરમાં ૭૧,૦૪૯.૪૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૫૧ ટકા અથવા તો ૩૫૯.૬૪ પૉઈન્ટ ઘટીને ૭૦,૭૦૦.૬૭ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૧,૪૫૩.૯૫ના બંધ સામે ૨૧,૪૫૪.૬૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૨૧,૨૪૭.૦૫ અને ઉપરમાં ૨૧,૪૫૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૪૭ ટકા અથવા તો ૧૦૧.૩૫ પૉઈન્ટ ઘટીને ૨૧,૩૫૨.૬૦ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૫૪ ટકાનો સુધારો અને મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૩૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

એકંદરે આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ગત વર્ષ ૨૦૨૩ના ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા પ્રોત્સાહક આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની શરૂઆત વિલંબથી કરે તેવી ભીતિ સપાટી પર હોવાથી આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ નકારાત્મક વલણ જોવા મળ્યું હતું. વધુમાં તાજેતરમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં ઊંચા વૅલ્યુએશન અને મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત બાહ્યપ્રવાહથી બજાર વધુ દબાણ હેઠળ આવી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં રેલિગેર બ્રોકિંગનાં ટેક્નિકલ રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટે જણાવ્યું હતું કે આજે બૅન્કિંગ ક્ષેત્રના અગ્રણી શૅરોમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હતું, પરંતુ ચોક્કસ બ્લ્યુ ચીપ શૅરોમાં લેવાલી જળવાઈ રહેતાં બજારમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળના શૅરોમાં સૌથી વધુ ૬.૧૨ ટકાનો ઘટાડો ટૅક મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ભારતી એરટેલમાં ૨.૫૭ ટકાનો, આઈટીસીમાં ૧.૭૮ ટકાનો, વિપ્રોમાં ૧.૬૮ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૧.૬૭ ટકાનો અને એચસીએલ ટેક્નોલૉજીસમાં ૧.૫૪ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં એનટીપીસીમાં સૌથી વધુ ૧.૮૪ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય અન્ય વધનાર શૅરોમાં ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૫૧ ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૦૭ ટકાનો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૦.૮૧ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૦.૫૯ ટકાનો અને જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૦.૪૯ ટકાનો સુધારો આવ્યો હતો.

વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં મુખ્યત્વે પાવર ઈન્ડેક્સમાં ૧.૭૬ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૬૩ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૧.૧૩ ટકાનો, સીપીએસઈ ઈન્ડેક્સમાં ૦.૯૨ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૬૯ ટકાનો અને ઈન્ડસ્ટ્રીયલ ઈન્ડેક્સમાં ૦.૪૬ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે બીએસઈ ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં ૧.૩૯ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૧.૨૩ ટકાનો, ટેલિકોમ ઈન્ડેક્સમાં ૧.૨૧ ટકાનો, એફએમસી ઈન્ડેક્સમાં ૧.૦૧ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૮૯ ટકાનો અને બૅન્કેક્સમાં ૦.૫૮ ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે એશિયન બજારોમાં સિઉલ, ટોકિયો, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર સુધારા સાથે બંધ રહી હતી, જ્યારે યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન નરમાઈનો અન્ડરટોન રહ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત