સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટના કડાકા સાથે ૭૩,૦૦૦ની નીચે અને નિફ્ટી ૨૨,૦૦૦ની નીચે સરકી ગયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સ્મોલકેપ અને મિડકેપ શેરઆંકોમાં તીવ્ર ઘટાડા વચ્ચે વ્યાપક વેચાણના દબાણને કારણે બુધવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટથી વધુ તૂટીને ૭૩,૦૦૦ના સ્તરની નીચે ગબડી ગયો હતો. સાર્વત્રિક વેચવાલીના દબાણ વચ્ચે સેન્સેક્સ ૭૩,૦૦૦ની નીચે અને નિફ્ટી ૨૨,૦૦૦ની નીચે સરકી ગયો હતો.
સ્મોલ કેપ અને મિડ કેપ સેગમેમન્ટ ઉપરાંત, યુટિલિટી, એનર્જી અને મેટલ સેગમેન્ટના શેરોમાં પણ ભારે વેચવાલી અને ધોવાણ જોવા મળ્યું હતું અને વિદેશી રોકાણકારોની તાજેતરની વેચવાલીને કારણે બજારનું માનસ વધુ ખરડાયેલું રહ્યું હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું.
બેન્ચમાર્ક શેરઆંકોએ સત્રની શરૂઆત સકારાત્મક નોંધ સાથે કરી હતી, પરંતુ બપોરના સત્ર દરમિયાન વેચાણ વધુ તીવ્ર બન્યું હતું, જેમાં તમામ ક્ષેત્રીય શેરઆંક રેડ ઝોનમાં બંધ થયા હતા.
સત્રને અંતે ૩૦ શેરનો ઈન્ડેક્સ ૯૦૬.૦૭ પોઈન્ટ અથવા ૧.૨૩ ટકા ઘટીને ૭૨,૭૬૧.૮૯ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૧,૧૫૨.૨૫ પોઈન્ટ અથવા ૧.૫૬ ટકા ઘટીને ૭૨,૫૧૫.૭૧ પર રહ્યો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ૩૩૮ પોઈન્ટ અથવા ૧.૫૧ ટકા ઘટીને ૨૧,૯૯૭.૭૦ પર સ્થિર હતો.
સેન્સેક્સ પેકમાં પાવર ગ્રીડ સૌથી વધુ સાત ટકાથી વધુ ઘટ્યો હતો, ત્યારબાદ સૌથી વધુ ઘટનારા શેરોમાં એનટીપીસી, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ, ટાઇટન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને હિન્દુસ્તાન યુનિલિવરનો ક્રમ રહ્યો હતો. તેનાથી વિપરીત, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેંક, કોટક મહિન્દ્રા બેંક, નેસ્લે, બજાજ ફાઇનાન્સ અને એચડીએફસી બેન્કમાં સુધારો જોવા મળ્યો હતો.
મૂડીબજારના ઇતિહાસમાં કેપી ગ્રીન એન્જીનિયરિંગ અત્યાર સુધીનો સૌથી મોટો એસએમઇ આઈપીઓ લાવી રહી છે. કંપની રૂ. ૧૮૯.૫૦ કરોડ એકત્ર કરશે. આ ઇશ્યૂ ૧૫ થી ૧૯ માર્ચ સુધી ખુલ્લો રહેશે. આ શેર બીએસઇના એસએમઈ પ્લેટફોર્મ ઉપર ૨૨ માર્ચે લિસ્ટ થઇ શકે છે. આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ ૧૩૭ થી ૧૪૪ રૂપિયા પ્રતિ શેર અને મિનિમમ લોટ સાઈઝ ૧૦૦૦ શેર છે.
લાંબા સમયથી વાસ્તવિક કરતા વધુ પડતા ઊંચા સ્તરે પહોંચી ગયેલા મિડ અને સ્મોલકેપ શેરોમાં સર્જાયેલા પ્રતિકૂળ રિસ્ક-રિવોર્ડ બેલેન્સને કારણે, વૈશ્ર્વિક અપટ્રેન્ડથી વિપરીત જોરદાર વેચવાલીનું દાબણ આવવાથી બજારનું માનસ ખરડાયું હતું. દરમિયાન, એફએમસીજી અને સોના જેવી એસેટની વિરોધાભાસી ચાલ રોકાણકારોને અમુક અંશે રાહત આપે છે, એમ બજાર વિશ્ર્લેષક જણાવે છે.
બ્રોડર માર્કેટમાં, બીએસઇ સ્મોલકેપ ગેજમાં ૫.૧૧ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સમાં ૪.૨૦ ટકાનો ઘટાડો થયો હતો. એશિયન બજારોમાં, સિઓલ લીલામાં સ્થાયી થયા હતા, જ્યારે ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ નીચા અંતમાં હતા. યુરોપિયન બજારો મોટાભાગે લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મંગળવારે યુએસ બજારો નોંધપાત્ર ઉછાળા સાથે બંધ થયા હતા.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૭૩.૧૨ કરોડના મૂલ્યની ઇક્વિટી ખરીદી હતી. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૦૯ ટકા વધીને ૮૨.૮૧ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
તાજેતરના સરકારી ડેટા અનુસાર ભારતની ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ જાન્યુઆરીમાં ધીમી પડીને ૩.૮ ટકા થઈ હતી, જ્યારે ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો ૫.૦૯ ટકાનો હતો જે સતત છઠ્ઠા મહિને રિઝર્વ બેન્કના કમ્ફર્ટ ઝોનમાં રહ્યો હતો. બીએસઇ બેન્ચમાર્ક મંગળવારે ૧૬૫.૩૨ પોઈન્ટ અથવા ૦.૨૨ ટકા વધીને ૭૩,૬૬૭.૯૬ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. નિફ્ટી ૩.૦૫ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકાના વધારા સાથે ૨૨,૩૩૫.૭૦ પોઇન્ટની સપાટી પર ફ્લેટ બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં આઈટીસી ૪.૪૯ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૫૯ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૪૪ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૩૩ ટકા અને એચડીએફસી બેન્ક ૦.૦૧ ટકા વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૭.૨૮ ટકા, એનટીપીસી ૬.૬૭ ટકા, ટાટા સ્ટીલ ૫.૮૭ ટકા, ટાટા મોટર્સ ૪.૨૮ ટકા અને જેએસડબલ્યૂ સ્ટીલ ૩.૩૨ ટકા ઘટ્યા હતા. આ સત્રમાં બી ગ્રુપને એક કંપનીને ઉપલી સર્કીટ સહિત બધા ગુપની કુલ ૧૬ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓને ઉપલી અને ૬ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.