વૈશ્ર્વિક નરમાઈ અને રોકાણકારોની ઈક્વિટીમાં નફારૂપી વેચવાલીએ ચાર સત્રની વિક્રમ તેજીને બ્રેક લાગતા સેન્સેક્સ ૭૩૮ પૉઈન્ટ અને નિફ્ટી ૨૭૦ પૉઈન્ટ ગબડ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં આજે આઈટી આઉટેજને કારણે વેચવાલીનાં દબાણ હેઠળ નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ રહેતાં સતત ચાર સત્રની તેજીને બ્રેક લાગી હતી અને બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૩૮.૮૧ પૉઈન્ટનો અને ૨૬૯.૯૫ પૉઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે ખાસ કરીને ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શૅરના ભાવમાં બીએસઈ ખાતે ૧.૯૨ ટકાનો અને એનએસઈ ખાતે ૧.૯૯ ટકાનો ઘટાડો આવતાં બૅન્ચમાર્ક વધુ દબાણ હેઠળ આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૫,૮૯૨.૬૧ કરોડની ખરીદી સામે રૂ. ૧૪,૩૮૬.૪૯ કરોડની વેચવાલી રહેતા કુલ રૂ. ૧૫૦૬.૧૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૪૬૧.૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક ગઈકાલની ઐતિહાસિક ઊંચી ૮૧,૩૪૩.૪૬ની સપાટી સામે વધીને ૮૧,૫૮૫.૦૬ની નવી ટોચે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન વધીને ૮૧,૫૮૭.૭૬ અને નીચામાં ૮૦,૪૯૯.૧૦ સુધી ગબડ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૭૩૮.૮૧ પૉઈન્ટ અથવા તો ૦.૯૧ ટકા ઘટીને ૮૦,૬૦૪.૬૫ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૪,૮૦૦.૮૫ના બંધ સામે સુધારા સાથે ૨૪,૮૫૩.૮૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૨૪,૫૦૮.૧૫ અને ઉપરમાં ૨૪,૮૫૪.૮૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૨૬૯.૯૫ પૉઈન્ટ અથવા તો ૧.૦૯ ટકા ઘટીને ૨૪,૫૩૦.૯૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે આજે આઈટી આઉટેજને કારણે ભારત સહિતની ઘણી કંપનીઓમાં ઓપરેટિંગ સિસ્ટમ ખોરવાઈ જવાથી વૈશ્ર્વિક બજારોમાં વેચવાલીનું દબાણ વધ્યાનાં અહેવાલો સાથે સ્થાનિકમાં પણ આગામી મંગળવારે વર્તમાન નાણાકીય વર્ષનાં અંદાજપત્રની જાહેરાત પૂર્વે રોકાણકારોએ નફો ગાંઠે બાંધતા વેચવાલીનું દબાણ વધ્યું હતું અને બજાર નરમાઈનાં વલણ સાથે બંધ રહી હોવાનું જીઓજિત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
વધુમાં એચડીએફસી સિક્યોરિટીઝનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ દિપક જસાણીએ જણાવ્યું હતું કે આજે નિફ્ટીએ ઊંચી સપાટી દર્શાવ્યા બાદ અંદાજપત્રની જાહેરાત પૂર્વે નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં પાંચમાં સત્રમાં નફારૂપી વેચવાલીને કારણે તેજીને બ્રેક લાગી છે. આજે વૈશ્ર્વિક સ્તરે માઈક્રોસોફ્ટનાં વપરાશકર્તાઓએ સેવાઓમાં મોટા પાયે આઉટેજ અંગે જાણ કરી હતી. ખાસ કરીને આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિટેક્ટર વપરાશકર્તાઓને વિવિધ સેવાઓમાં વિક્ષેપ પાડ્યા હતા. જોકે, તેની માઠી અસરોથી બીએસઈ અને એનએસઈ બાકાત રહ્યા હતા, પરંતુ વૈશ્ર્વિક સ્તરે બૅન્કો, એરલાઈન્સ અને મિડિયા આઉટલેટ્સનાં કામકાજો ખોરવાયાના અહેવાલ હતા.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળનાં ૩૦ શૅર પૈકી માત્ર ચાર શૅરના ભાવ સુધારા સાથે બંધ રહ્યા હતા. જેમાં સારા પરિણામોને પગલે ઈન્ફોસિસનાં ભાવમાં ૧.૯૨ ટકાનો, આઈટીસીમાં ૦.૮૯ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૦.૫૩ ટકાનો અને એચસીએલ ટેક્નોલૉજીસમાં ૦.૦૩ ટકાનો સુધારો આવ્યો હતો અને શેષ તમામ ૨૬ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય ઘટનાર શૅરોમાં ટાટા સ્ટીલમાં ૫.૧૭ ટકાનો, જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૪.૩૬ ટકાનો, એનટીપીસીમાં ૩.૫૧ ટકાનો, ટાટા મોટર્સમાં ૩.૪૩ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૩.૨૮ ટકાનો અને ટેક મહિન્દ્રામાં ૩.૧૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ચાર શૅરના ભાવ વધીને અને ૪૬ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. વધુમાં આજે બીએસઈ ખાતેનાં તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ ૪.૧૧ ટકાનો ઘટાડો મેટલ ઈન્ડેક્સમાં જોવા મળ્યો હતો. આ સિવાય સીપીએસઈ ઈન્ડેક્સમાં ૨.૯૧ ટકા, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૨.૮૭ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં ૨.૮૩ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૨.૬૭ ટકાનો અને ઑટો ઈન્ડેક્સમાં ૨.૫૩ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેક્સમાં ૨.૩૧ ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૨.૨૨ ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે એશિયામાં સિઉલ, ટોકિયો અને હૉંગકૉંગની બજાર ઘટાડાના અન્ડરટોને બંધ રહી હતી, જ્યારે શાંઘાઈની બજારમાં સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય યુરોપનાં બજારોમાં પણ નરમાઈનું વલણ રહ્યું હતું. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૦૭ ટકા ઘટીને બેરલદીઠ ૮૫.૦૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.