
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં તોફાની તેજીનો માહોલ છે. સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૮,૫૦૦ની નજીક પહોંચી ગયો છે. સેન્સેકસ પાછલા બંધ સામે લગભગ ૧૦૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૬૮,૪૩૫ની સપાટીએ ખુલ્યો, જ્યારે નિફ્ટી પણ લગભગ ૩૦૦થી વધુ પોઇન્ટની જંપ સાથે ૨૦,૬૦૨ પોઇન્ટની સપાટીએ ખુલ્યો હતો.
બજારના સાધનો અનુસાર મજબૂત સ્થાનિક મેક્રો ઇકોનોમિક ડેટા અને મુખ્ય રાજ્ય ચૂંટણીઓમાં શાસક પક્ષની જીતને કારણે બજારના માનસમાં સુધારો જોવા મળ્યો હતો.
શેરબજારમાં તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4.09 લાખ કરોડ વધીને રૂ. 341.76 લાખ કરોડ થયું છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ત્રીજી ડિસેમ્બરે જાહેર થયેલા રાજ્ય વિધાનસભા ચૂંટણીના પરિણામો બજારો માટે સકારાત્મક છે.
રાજ્યની ચૂંટણીના પરિણામો એક એવી મોટી ઘટના બની છે, જે નવેસરથી આશાવાદનો સંચાર કરી બજારમાં વધુ તેજીને ઉત્તેજિત કરી શકે છે એમ જણાવતાં જીઓજીતના મુખ્ય વિશ્લેષક ડૉ.વીકે વિજયકુમાર કહે છે કે, બજારને રાજકીય સ્થિરતા અને સુધારાલક્ષી, બજાર માટે મૈત્રીપૂર્ણ સરકાર ગમે છે.
બજારના પરિપ્રેક્ષ્યમાં, પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા હતા. છેલ્લા 4 સત્રો દરમિયાન 500 પોઈન્ટની રેલી સાથે બજાર પહેલાથી જ ભાજપની જીતને આંશિક રીતે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. પરંતુ મૂડ એટલો ઉત્સાહી છે કે રેલી ચાલુ રહેશે. યુએસ 10-વર્ષના બોન્ડ યીલ્ડ ઘટીને 4.23% થવા સાથે વૈશ્વિક બેકડ્રોપ પણ અનુકૂળ છે. શેરોમાં સમગ્ર બોર્ડમાં તેજી આવવાની તૈયારીમાં છે.
એક અવરોધક પરિબળ એ મૂલ્યાંકન હશે જે ઊંચા સ્તરે છે અને તેજીની ગતિ વધવાની સાથે વધુ લંબાશે. નજીકના ગાળામાં બજાર ફંડામેન્ટલ્સની અવગણના કરશે અને ઉપર જશે પરંતુ ટૂંક સમયમાં ઊંચા મૂલ્યાંકનથી વેચાણને ઉત્તેજન મળશે.
