નિલેશ વાઘેલા
મુંબઈ: અમેરિકાના બજારોની તેજી સાથે સેન્સેકસ અને નિફ્ટીએ સારું ઓપનિંગ કર્યું હતું, પરંતુ બંને બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં ટકવા ફાંફાં મારી રહ્યા છે. મંદીવાળાની ફિલ્ડિંગ એટલી ટાઇટ છે કે શેરબજાર ખુલતા સત્રથી જ અત્યંત સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યુ છે. માર્કેટના આ સ્ટિકી સ્ટાન્સથી રોકાણકારો સહેજ હતાશ થયા છે.
આમ જુઓ તો ઘણા પરિબળ તેજીતરફી છે. દેશની ઇકોનોમી મજબૂત હોવા સાથે વૈશ્વિક સ્તરે પણ સારી સ્થિતિ રહી હોવા છતાં બંને બેન્ચમાર્ક અત્યંત સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યા છે.
બજારના પીઢ અનુભવી જણાવે છે કે, હાલ તો એવું લાગે છે કે, અંડરટોન મજબૂત હોવા છતાં, વિકલી એક્સપાઈરીને કારણે બજાર આવી ચાલ બતાવી રહ્યું છે. જોકે સાથે એ પણ ખરું કે, બજારમાં નજીકના સમયગાળાનું વલણ એ બજારની સાંકડી શ્રેણીની વધઘટ જ છે.
બજાર આ સાંકડી શ્રેણીની હિલચાલની અંદર મક્કમતાનું પ્રદર્શન કરી રહ્યું છે, જોકે ખૂબ ઝડપથી પ્લસ માઇનસમાં અથડાઈ રહ્યું છે એટલે રિટેલ રોકાણકારો અવઢવમાં છે. માર્કેટ એનલિસ્ટ અનુસાર આ રેન્જમાં બાય ઓન ડીપ્સ વ્યૂહરચના કામ કરી રહી છે. બજાર બ્રેકઆઉટ માટે ટ્રિગર્સની રાહ જોઈ રહ્યું છે, જે રાજ્યની ચૂંટણીના પરિણામો સાથે આવી શકે છે. જો રાજ્યના ચૂંટણી પરિણામો 2024 માં સામાન્ય ચૂંટણીઓ પછી રાજકીય સ્થિરતાની પુષ્ટિ કરે છે, તો ચૂંટણી પૂર્વેની રેલી શરૂ થવાની સંભાવના છે.
10-વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ 4.40 ટકા આસપાસ રહેવા સાથે વિદેશી ફંડોનું વેચાણનું ઘટતું વોલ્યુમ બજાર માટે સારી નિશાની છે. અગ્રણી બેન્કિંગ શેરોમાં સતત વેચવાલી અને RBIની તાજેતરની કાર્યવાહી અંતર્ગત અસુરક્ષિત લોનના રિસ્ક વેઇટેજમાં કરવામાં આવેલો વધારો લોંગ ટર્મના રોકાણકારો માટે સારી ખરીદી સાબિત થઈ શકે છે.
Taboola Feed