
નિલેશ વાઘેલા
મુંબઇ: હમાસ યુદ્ધની નુકસાની સિમીત રહેવાની આશા વચ્ચે વૈશ્ર્વિક બજારમાં પ્રોત્સાહક વલણોએ તેજીમય સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું, જેની અસરે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઝડપી ઉછાળાની ચાલ જોવા મળી હતી. ઇઝરાયલ અને હમાસના યુદ્ધની અસર સીમિત રહેશે તેમ જ તેને કારણે ક્રૂડમાં ઉછાળાની સંભાવના પણ મર્યાદિત હોવાની શક્યતાઓ સાથે ખાસ કરીને અમેરિકાની ફેડરલ રિઝર્વના ડોવીશ સ્ટાન્સ તથા યુએસ ટ્રેઝરીની યિલ્ડના ઘટાડાને કારણે તેજીનો માહોલ જામ્યો હતો.
સ્થાનિક બજારમાં મજબૂત અંડરટોન વચ્ચે સેન્સેક્સ એક તબક્કે સેન્સેકસ ૫૦૦ પોઇન્ટથી ઊંચી સપાટીને અથડાયા બાદ અંતે ૩૯૩.૬૯ પોઇન્ટ અથવા તો ૦.૬ ટકાના વધારા સાથે ૬૬.૪૭૩.૦૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૨૧.૫૦ પોઇન્ટ અથવા તો ૦.૬૨ ટકાના વધારા સાથે ૧૯,૮૧૧.૩૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
વિશ્ર્લેષકો એવો મત વ્યક્ત કરી રહ્યાં છે કે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ, મધ્યપૂર્વના દેશો માટે મોટા સંકટમાં નહીં ફેરવાશે અને ક્રૂડ ઓઇલના ભાવને ઝાઝી અસર નહીં કરશે એવા આશાવાદને કારણે પણ સેન્ટિમેન્ટને બળ મળ્યું હતું. જાપાન, ચીન અને હોંગકોંગ સહિતના એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી. મંગળવારે યુરોપિયન અને યુએસ બજારો ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે અમેરિકાના અર્થતંત્ર તરફથી મળેલા સાનુકૂળ સંકેત સાથે યુએસ બોન્ડ યિલ્ડના ઘટાડા અને ક્રૂડના ભાવના ઘટાડાને કારણે ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને જોમ મળ્યું છે. આ ઉપરાંત ઇઝરાયલ-હમાસ સંઘર્ષ એક સ્થાનિક કટોકટી રહેશે અને તેની અસર ક્રૂડના ભાવ પર પડવાની સંભાવના ઓછી રહેવાના આશાવાદને કારણે પણ બજારને આગળ વધવામાં મદદ મળી હતી.
નિફ્ટી તેની સર્વકાલીન ઊંચી સપાટીથી માત્ર ૨.૫ ટકા દૂર છે તે હકીકત બજારની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. એફઆઈઆઈ બજારમાં સતત વેચવાલી કરી રહ્યાં હોવા છતાં, ડીઆઈઆઈ, એચએનઆઈ અને રિટેલ ઇન્વેસ્ટર્સ દ્વારા થઇ રહેલા લેવાલીને કારણે બજારને સંતુલન જાળવવામાં મદદ૦ મળી રહી છે.