ઑટો શૅરોની લેવાલીના ટેકાએ સેન્સેક્સ ૫૨૬ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૨૨,૧૦૦ની ઉપર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના મિશ્ર વલણ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાના અહેવાલ વચ્ચે સ્થાનિક સ્તરે ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો થવાની ચર્ચાએ ખાસ કરીને ઓટો, રિયલ્ટી, પાવર અને કેપિટલ ગુડ્સ સેકટરના હેવીવેઇટ્સ શેરોમાં લેવાલીનો ટેકો મળતા બજારે અગાઉના સત્રના નુકસાનને ભૂંસી પોઝિટીવ ઝોનમાં આગળ વધ્યું હતું. સત્રને અંતે બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૫૨૬.૦૧ પોઈન્ટ્સ અથવા ૦.૭૩ ટકા વધીને ૭૨,૯૯૬.૩૧ પોઇન્ટની સપાટી પર અને એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૧૧૯ પોઈન્ટ્સ અથવા ૦.૫૪ ટકા વધીને ૨૨,૧૨૩.૭૦ પોઇન્ટના સ્તરે સ્થિર થયો હતો.
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું અને ત્રીજા ક્વાર્ટરમાં કરંટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી – ચાલુ ખાતાની ખાધ) ઘટીને ૧૦.૫ અબજ ડોલરના સ્તરે પહોંચી હોવાના અહેવાલ વચ્ચે સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો હતો અને ઇન્ડેક્સ હેવીવેઇટ્સ શેરોમાં લેવાલી વધવા સાથે પોઝિટીવ ઝોનમાં આગળ વધ્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, બજાજ ફાઇનાન્સ અને ટાઇટન કંપનીનો નિફ્ટીમાં સૌથી વધુ નફો નોંધાવનાર શેરોમાં સમાવેશ રહ્યો છે, જ્યારે ટોચની ગબડનારી કંપનીઓમાં હીરો મોટોકોર્પ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, એપોલો હોસ્પિટલ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ અને વિપ્રોનો સમાવેશ રહ્યો હતો. સેક્ટરમાં ઓટો, બેન્ક, કેપિટલ ગુડ્સ, પાવર, રિયલ્ટી, ટેલિકોમ ઇન્ડેક્સમાં અડધાથી એક ટકા જેટલો સુધારો રહ્યો હતો, જ્યારે મેટલ, આઈટી, મીડિયા ઇન્ડેક્સમાં ૦.૩-૦.૫ ટકા ડાઉન છે.પીછેહઠ જોવા મળી હતી. મિડકેપ ઇન્ડેક્સ ફ્લેટ નોટ પર બંધ થયો અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૭ ટકા વધ્યો હતો.
પ્રોફેશનલ ઈ-વેસ્ટ મેનેજમેન્ટ કંપની ઈકો રિસાયક્લિંગ લિમિટેડે ૧૮મી માર્ચે, વૈશ્ર્વિક રિસાયક્લિંગ દિવસે વિદ્યુત અને ઈલેક્ટ્રોનિક કચરાના સરળ એકત્રીકરણની સુવિધા માટે ખાસ ડિઝાઇન કરેલા વાહનોથી સજ્જ પાંચ ટીમોને કામે લગાડીને આશરે ૧૦૦૦ ઔદ્યોગિક એકમો, દુકાનો, રેસ્ટોરન્ટ્સ અને અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ઈ-વેસ્ટનું સ્વૈચ્છિક યોગદાન મેળવ્યું હતું.
ભારતની અગ્રણી ઇકો રિસ્પોન્સિબલ લક્ઝરી રિસોર્ટ કંપની પ્રવેગ લિમિટેડે ઇકો લક્ઝરી હોસ્પિટાલિટી સેગમેન્ટ અંતર્ગત ગુજરાતમાં સફારી વેળાવદર રિટ્રીટ રિસોર્ટના પ્રારંભની જાહેરાત કરી છે. આ રિસોર્ટ આગામી છ મહિનામાં કમર્શિઅલ ધોરણે કામકાજ શરૂ કરશે. કંપની તેના ઓપરેશનલ પોર્ટફોલિયોને ૧૧ પ્રોપર્ટીમાં વિસ્તારવા સાથે ૧૫ વધુ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.
વ્યક્તિગત શેરોમાં, ઝી એન્ટરટેઈનમેન્ટ, ટાટા કેમિકલ્સ અને બાયોકોનમાં વોલ્યુમમાં ૨૦૦ ટકાથી વધુનો ઉછાળોે જોવા મળ્યો હતો.
એબીબી ઇન્ડિયા, ઇન્ફો એજ અને મેટ્રોપોલિસ હેલ્થકેરમાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે આરઇસી, કોલગેટ પામોલિવ અને પિરામલ એન્ટરપ્રાઇઝિસમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.
એબીબી ઈન્ડિયા, અરવિંદ સ્માર્ટ, બજાજ ઓટો, ભારત બિજલી, સીજી પાવર, કમિન્સ ઈન્ડિયા, ડિક્સન ટેક્નોલોજીસ, ઈન્ફો એજ, લક્ષ્મી મશીન વર્ક્સ, મેનકાઇન્ડ ફાર્મા, મારુતિ સુઝુકી, ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિસ, રિકો ઓટો, સંઘવી મૂવર્સ, સિમેન્સ, સ્ટાર સિમેન્ટ, થર્મેક્સ , ટાઈમ ટેક્નોપ્લાસ્ટ, ટોરેન્ટ પાવર, વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ અન્ય શેરોમાં બીએસઈ પર બાવન સપ્તાહની ઊંચી સપાટી નોંધાવી હતી.
બજારના જાણીતા વિશ્ર્લેષકે કહ્યું હતું કે, વિશ્ર્વના અન્ય શેરબજારોથી અલગ ટ્રેન્ડ અંતર્ગત ભારતીય બજારોએ મજબૂત ટોન સાથે સત્રની શરૂઆત કરી હતી અને પસંદગીના હેવીવેઈટ્સ શેરોના નેતૃત્વ હેઠળ આગેકૂચ પણ નોંધાવી હતી. જો કે, દિવસના અંતે, સુધારો સહેજ પચાવાઇ ગયો હતો અને નિફ્ટી ૧૧૮.૯૫ પોઇન્ટના વધારા સાથે દિવસ ૨૨,૧૨૩.૬૫ પર સેટલ થયો હતો.
રિયલ્ટી અને એનર્જી સેક્ટર ટોચના પરફોર્મર હતા જ્યારે પીએસયુ બેન્કો અને આઇટી સેકટર પાછળ રહ્યાં હતા. વ્યાપક બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું જ્યાં મિડકેપ્સે નબળો દેખાવ કર્યો હતો, જ્યારે સ્મોલકેપ ૦.૯૦ ટકાથી વધુ વધ્યો હતો અને નિફ્ટી-૫૦ને પાછળ છોડી દીધો હતો.
ઈન્ડેક્સે ઈન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર ફોર્મેશન બનાવ્યું છે અને હવે ૨૨,૬૪૦ના લક્ષ્ય માટે બ્રેકઆઉટની રાહ જોઈ રહ્યું છે જ્યારે નીચલી બાજુએ, ૨૧,૯૦૦ મજબૂત સપોર્ટ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.
અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા ડોવિશ સ્ટાન્સના સંકેત બાદ શેરબજારમાં પાછલા સપ્તાહના અંતિમ સતત ત્રણ સત્રમાં તેજીવાળાઓ હાવી રહ્યાં હતા, જોકે આ માત્ર ત્રણ સત્રના સપ્તાહમાં માસિક એક્સપાઇરી પણ આવતી હોવાથી અફડાતફડી અને ઊથલપાથલ ચાલુ રહી છે. આ જ સાથે બજારની નજર ખાસ કરીને વિદેશી ફંડો પર મંડાયેલી છે. પીઢ અભ્યાસુઓ માને છે કે ફેડરલના બદલાયેલા વલણ સાથે એફઆઇઆઇનું વલણ પણ બદલાયું છે અને જો આ વર્ગની લેવાલી ચાલુ રહેશે તો નિફ્ટીને આગેકૂચ કરવામાં સરળતા રહેશે. ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રણ દરમાં કાપના સંકેત આપ્યા બાદ યુએસ બજારોમાં રેકોર્ડ રેલીને પગલે એશિયન અને સ્થાનિક બજારમાં સુધારાનો સળવળાટ શરૂ થયો છે. અમેરિકાની કેન્દ્રીય બેન્ક, ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતને લગતા વલણના અકંબધ રાખવાના સંકેત સાથે ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને મળેલા અમેરિકન કરંટને કારણે વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં મજબૂતી જોવા મળી છે.
વૈશ્ર્વિક શેરબજારોમાં મજબૂત તેજીનો પવન ફૂંકાવાથી પણ સ્થાનિક બજારના સેન્ટિમેન્ટને ટેકો મળી રહ્યો છે. એક તરફ સેબીની ચેતવણી અને ફંડોની સ્ટ્રેસ ટેસ્ટ બાદ રિડેમ્પશનના દબાણને કારણે નાના શેરોમાં વેચવાલી વધતી રહેવાની શક્યતા વચ્ચે મિડ અને સ્મોલકેપ શેરઆંકો પર દબાણ રહેવાની સંભાવનાની ચર્ચા વચ્ચે પાછલા સપ્તાહ દરમિયાન કેટલાક સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બુધવારના સત્રમાં મિડકેપ ઇન્ડેક્સમાં પીછેહઠ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં મામૂલી સુધારો જોવા મળ્યો હતો.
આજે ગુરુવારે ચાલુ મહિનાના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના માસિક વલણની સમાપ્તિ વચ્ચે મુખ્ય ઇક્વિટી બેન્ચમાર્કમાં અસ્થિરતા રહેવાની સંભાવના છે.
આ સપ્તાહે બજારોમાં માત્ર ત્રણ ટ્રેડિંગ સેશન હતા, જેમાં સોમવારે હોળી નિમિત્તે બજાર બંધ રહ્યું હતું અને શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તેે ઈક્વિટી બજારો બંધ રહેશે. હવે માત્ર આજનું ગુરુવારનું સત્ર બાકી છે.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૪૯.૧૭ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૫૦૨ સોદામાં ૬૬૮ કોન્ટ્રેક્ટનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૮૪,૫૦,૫૦૯ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.