શેર બજાર

સેન્સેક્સમાં બે દિવસની પીછેહછઠ બાદ ૪૯૧ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી ફરી ૨૧,૬૫૦ની ઉપર પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતીય શેરબજારમાં વૈશ્ર્વિક બજારોના મિશ્ર સંકેત છતાં વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં બે દિવસની પીછેહછઠ બાદ બાર્ગેન હંટિંગને કારણે ૪૯૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ફરી ૨૧,૬૫૦ની ઉપર પહોંચ્યો હતો. રિઅલ્ટી, પાવર અને ફાઇનાન્શિયલ સ્ટોક્સની આગેવાની હેઠળ લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ ૪૯૦.૯૭ પોઇન્ટ અથવા તો ૦.૬૯ ટકા ઉછળીને ૭૧,૮૪૭.૫૭ પોઇન્ટના સ્તરે પહોંચ્યો છે, જયારે નિફ્ટી ૧૪૧.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૬૬ ટકા વધીને ૨૧,૬૫૮.૬૦ની સપાટીએ પહોંચ્યો છે. ધિરાણના વિકાસદરમાં સારો ઉછાલો આવ્યો હોવાના ડેટાની જાહેરાત બાદ ખાસ કરીને બેન્કો અને રિઅલ્ટી કંપનીના શેરોમાં કરંટ આવ્યો હતો અને તેને પરિણામે સેન્ટિમેન્ટમાં સુધારો આવતા બે દિવસની પીછેહઠ બાદ બેન્ચમાર્ક ગ્રીન ઝોનમાં સેટલ થવામાં સફળ થયો હતો. બજાજ ફાઇનાન્સ ૪.૪૪ ટકાના ઉછાળા સાથે સેન્સેક્સનો ટોપ ગેઇનર બન્યો હતો. અન્ય વધનારા મુખ્ય શેરોમાં એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, નેસ્લે, પાવરગ્રીડ, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ અને એચડીએફસી બેન્કનો સમાવેશ હતો. જ્યારે ટોચના ઘટનારા શેરોમાં એચસીએલ ટેકનો, મહિન્દ્રા, મારુતિ અને એચયુએલનો સમાવેશ હતો. બ્રોડ માર્કેટમાં સારો સુધારો હતો. બીએસઇ મિડકેપમાં ૧.૪૯ ટકાનો અને સ્મોલ કેપમાં ૧.૦૪ ટકાનો સુધારો હતો. મૂડીબજારમાં મેઇનબોર્ડમાં જ્યોતિ સીએનસી ઓટોમેશનનું રૂ. ૧૦૦૦ કરોડનું ભરણું નવમી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ બંધ થશે. ફાળવણી શુક્રવાર, ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ફાઈનલ થવાની ધારણા છે. શેર અંદાજે ૧૬મી જાન્યુઆરીએ બીએસઇ અને એમએનઇ પર સૂચિબદ્ધ થશે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ.૩૧૫થી રૂ. ૩૩૧ નક્કી થઇ છે.
અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ ૪૫ શેર છે. છૂટક રોકાણકારો દ્વારા રોકાણની લઘુત્તમ રકમ રૂ. ૧૪,૮૯૫ છે. બંધન બેન્કે ધિરાણમાં ત્રીજા ક્વાર્ટરમાં ૧૮.૬ ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે.
ટોરન્ટ પાવરે ગુજરાતમાં રૂ. ૪૭,૦૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશને ગુજરાતમાં પાવર સેકટરમાં રૂ. ૨૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે. અન્ય ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ભારતીય જ્વેલરી ઉદ્યોગને કામગીરી સુવ્યવસ્થિત કરવા અને પ્રોડક્ટ્સ, ટેક્નોલોજી તથા લોકોનું બહેતર સંચાલન કરવામાં યોગદાન આપનાર ૨૭ શ્રેણીમાં ઉદ્યોગના અગ્રણીઓને રિટેલ જ્વેલર એમડી એન્ડ સીઈઓ એવોર્ડ્સ ૨૦૨૪ એનાયત થયા હતા. એલઆઇસીને રૂ. ૬૬૩ કરોડની જીએસટી ડિમાન્ડ નોટીસ મળી છે. આ તરફ એશિયા-પેસિફિક ક્ષેત્રના શેરબજારોએ મિશ્ર ચિત્ર ઉપસાવ્યું હતું, એશિયા ડાઉમાં ૧.૭૨ ટકા અને જાપાનના નિક્કી ૨૨૫ બેન્ચમાર્કમાં બે ટકાનો કડાકો જોવા મળ્યો હતો જ્યારે, હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં ૦.૮૫ ટકાની પીછેહઠ નોંધાઇ હતી. જોકે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ૦.૧૭ ટકાથી થોડો ઊંચો હતો.
યુએસ ફેડરલ રિઝર્વની ડિસેમ્બર મોનેટરી પોલિસી મીટિંગની મિનિટ્સ પછી, રોકાણકારોની વ્યાજ દરમાં કાપની તેમની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યા બાદ, ઓસ્ટ્રેલિયન બેન્ચમાર્ક ગુરૂવારે નીચા સ્તરે ગબડ્યો હતો, ખાસ કરીને ફાઇનાન્શિયલ અને માઇનીંગ સ્ટોક્સમાં નુકસાની થઇ હતી. એસએન્ડપી, એએસએક્સ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૪ ટકા ઘટીને ૭,૪૯૪.૧૦ પોઈન્ટ પર બંધ થયો હતો, જે ડિસેમ્બર ૧૯ પછીનું તેનું સૌથી નીચું કલોઝિંગ લેવલ છે. મંગળવારે રેકોર્ડ ઊંચા સ્તરની નિકટ પહોંચ્યા બાદ, બેન્ચમાર્ક ઇન્ડેક્સે અગાઉના બે સત્રમાં લગભગ બે ટકા ગુમાવ્યા છે અને ૨૦૨૩ના પાછલા બે મહિનામાં જામેલી તેજીનું જોમ પણ ગુમાવ્યું હતું. દરમિયાન જાપાનની બોન્ડ યીલ્ડમાં વધારો થયો છે. યુએસ ટ્રેઝરી યીલ્ડ સાથે, જાપાની સરકારી બોન્ડ (જેજીબી)ની ઉપજમાં ગુરૂવારે વધારો થયો હતા. તે જ સમયે, અપેક્ષાઓ કે જાપાનના પશ્ર્ચિમ કિનારે આવેલા વિનાશક ધરતીકંપને કારણે બેન્ક ઓફ જાપાન સ્ટ્મ્યિુલસ પેકેજ વહેલા સમેટી લે એવી સંભાવના ઘટી હોવાથી બોન્ડ યિલ્ડનો ઉછાળો મર્યાદિત બન્યો હતો.
યુરોપના બજારોમાં ખૂલતા સત્રમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકન બજારો બુધવારો નેગેટીવ ઝોનમાં બંધ થયાં હતા. ગ્બોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૯૨ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૭૮.૯૭ ડોલર બોલાયું હતું. સ્થાનિક સ્તરે ફુગાવો નીચા સ્તરે હોવા છતાં ભારતના મેન્યુફેકરિગં સેકટરનો ગ્રોથ ડિસેમ્બરમાં ૧૮ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એફઆઇઆઇએ એક્સચેન્જ ડેટા અનુસાર બુધવારે રૂ. ૬૬૬.૩૪ કરોડનું નેટ સેલિંગ નોંધાવ્યું હતું.
સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ ૪.૪૪ ટકા, એનટીપીસી ૩.૫૪ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૮૮ ટકા, એક્સિસ બેન્ક ૨.૨૩ ટકા અને ટાટા મોટર્સ ૧.૮૩ ટકા વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેક્નોલોજીસ ૧.૧૮ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૮૨ ટકા, મારુતી સુઝુકી ઈન્ડિયા ૦.૮૦ ટકા, હિન્દુસ્તાન યુનિલિવિર ૦.૭૪ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૭૩ ટકા ઘટ્યા હતા. એ ગ્રુપની ચાર કંપનીને ઉપલી સહિત બધા ગ્રુપની કુલ ૬૨૯ કંપનીઓમાંથી ૫૦૬ કંપનીઓને ઉપલી અને ૧૨૩ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા