ટોપ ન્યૂઝશેર બજાર

સેન્સેક્સમાં 2,876 પોઈન્ટના ઉછાળા સાથે માર્કેટ કૅપમાં ₹ 20 લાખ કરોડની વૃદ્ધિ…

મુંબઇ: સરહદે યુદ્ધ અને લશ્કરી અથડામણ તથા આક્રમણ અને સીઝફાયર વચ્ચે સપ્તાહની શરૂઆતમાં તેજી બાદ અંતિમ સત્રમાં ભારતીય શેરબજારમાં થોડી પીછેહઠ જોવા મળી હતી અને અંતે સેન્સેક્સ 82,330.59 પોઇન્ટ પર, જ્યારે નિફ્ટી 25,019.80 પોઇન્ટની સપાટી પર બંધ થયો છે. સાપ્તાહિક ધોરણે બીએસઈ બેન્ચમાર્ક 2,876.12 પોઈન્ટ અથવા 3.61 ટકા વધ્યો છે અને નિફ્ટી 1,011.8 પોઈન્ટ અથવા 4.21 ટકા વધ્યો છે. 

સમીક્ષા હેઠળના 16 મે, 2025ના રોજ પૂર્ણ થયેલા સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. 442.84 લાખ કરોડ રહ્યું હતું, જે પાછલા સપ્તાહના અંતે રૂ. 422.81 લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપમાં રૂ. 20.03 લાખ કરોડનો વધારો થયો હતો. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં, અઠવાડિયા દરમિયાન બધા સૂચકાંકોમાં વધારો થયો હતો, જેમાં બીએસઈ સ્મોલકેપ (9.21 ટકા), બીએસઈ 100 (4.64 ટકા), બીએસઈ 200 (5.00 ટકા), બીએસઈ 500 (5.43 ટકા) અને બીએસઈ મિડકેપ (6.87 ટકા)નો સમાવેશ થાય છે. આઈપીઓ 8.32 ટકા અને એસએમઈ આઈપીઓ 6.30 ટકા વધ્યો હતો.

બધા સેક્ટોરલ ઇન્ડેક્સ, સપ્તાહ દરમિયાન વધ્યા હતા, જેમાં રિયલ્ટી 10.66 ટકા, કેપિટલ ગુડ્સ 9.64 ટકા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર 8.8 ટકા, મેટલ 8.31 ટકા, પીએસયુ 7.5 ટકા, પાવર 7 ટકા, આઈટી 6.38 ટકા, ઓટો 5.84 ટકા, ઓઈલ એન્ડ ગેસ 5.03 ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ 4.81 ટકા, ટેક 3.98 ટકા, એફએમસીજી 3.1 ટકા, બેન્કેક્સ 3.05 ટકા અને હેલ્થકેર 2.96 ટકા વધ્યા હતા.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક વધેલા પાંચ શેરમાં ટાટા સ્ટીલ (9.34 ટકા), ઈટર્નલ (7.65 ટકા), ટેક મહિન્દ્ર (7.63 ટકા), અદાણી પોર્ટ્સ (7.09 ટકા) અને બજાજ ફાઈનાન્સ (5.75 ટકા)નો સમાવેશ હતો.જ્યારે સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરમાં ઈન્ડસઈન્ડ બેન્ક (4.54 ટકા), ભારતી એરટેલ (1.87 ટકા), સન ફાર્મા (0.57 ટકા), કોટક બેન્ક (0.20 ટકા) અને પાવર ગ્રીડ 0.25 ટકા)નો સમાવેશ હતો. 

હાલ યુદ્ધની ગરમાગરમી ઠંડી પડી હોવાથી શેરલક્ષી કામકાજમાં વધારો થયો છે. આંતરિક ઓડિટમાં રૂ. 595 કરોડની અપ્રમાણીત રકમ મળી આવી હોવાથી ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં સત્ર દરમિયાન છ ટકા જેવો કડાકો જોવા મળ્યો હતો. વેચાણમાં ઘટાડો થવાથી હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયાનો ચોથા ક્વાર્ટરનો ચોખ્ખો નફો ચાર ટકાના ઘટાડા સાથે રૂ. 1614 કરોડ નોંધાયો છે. 

પ્રાઇમરી માર્કેટમાં મેઇન બોર્ડમાં બોરાના વીવ્સ લિમિટેડ 20મી મેના રોજ અને બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ  21 મે, 2025ના રોજ મૂડીબજારમાં પ્રવેશ કરશે. ઇમામીએ રૂ. 162 કરોડનો અને જ્યુબિલન્ટ ફાર્મોવાએ રૂ. 151.30 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. સરકારી માલિકીની ભારત હેવીલેક્ટ્રિકલ્સે માર્ચ ક્વાર્ટરમાં ત્રણ ટકાના વધારા સાથે રૂ. 504.45 કરોડનો, જ્યારે આઇટીસી હોટલ્સે રૂ. 257.85 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. 

કોર્પોરેટ પરિણામોની મોસમ પૂર બહારમાં છે. ક્રાફ્ટ પેપરની વિવિધ શ્રેણીની અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર બાણગંગા પેપર ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025ના ઓડિટેડ પરિણામોમાં રૂ. 58.24 કરોડની કુલ આવક, રૂ. 4.90 કરોડનો એબિટા અને રૂ. 1.88 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા માર્જિન 8.42 ટકા રહ્યું છે જ્યારે ચોખ્ખા નફાનું માર્જિન 3.23 ટકા નોંધાયું છે. 

ભારતની અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ધસલ્ટન્સી કંપનીઓમાંની એક ધ્રુવ ક્ધસલ્ટન્સી સર્વિસીસ લિમિટેડે વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરના ઓડિટેડ પરિણામમાં વાર્ષિક ધોરણે 12.09 ટકા વૃદ્ધિ સાથે રૂ. 28.03 કરોડની કુલ આવક, 75.99 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 4.91 કરોડનો એબિટા અને 359.82 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 1.99 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કસ્ટમર કમ્યુનિકેશન, ડેટા મેનેજમેન્ટ અને પ્રોસેસ ઓટોમેશનમાં વૈશ્ર્વિક સ્તરે મિશન-ક્રિટીકલ સોલ્યુશન્સ અને સર્વિસ પ્રોડાવઇડર ઇન્ટેન્સ ટેક્નોલોજીસ લિમિટેડે 2025ના પરિણામોમાં 31.92 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 15,370.31 લાખની કુલ આવક, 12.43 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2,553.38 લાખનો એબિટા અને 4.39 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1632.31 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. 

કિડ્સ વેર માટે ડિઝાઇનિંગ, ઉત્પાદન, બ્રાન્ડિંગ અને વેચાણ કરતી રેડીમેડ ગાર્મેન્ટ કંપની, આઇરિસ ક્લોથિંગ્સ લિમિટેડે વર્ષ 25ના ચોથા ક્વાર્ટરમાં 4.3 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 403.30 મિલિયનની કુલ આવક અને 28.60 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 44.80 મિલિયનનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ ઇક્વિટી શેરના 1:1 બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે.

વીમેન્સ એપેરલ ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રણી નામ, સિગ્નોરિયા ક્રિએશન લિમિટેડે નાણાકીય વર્ષ 2025 માટેના ઓડિટેડ નાણાકીય પરિણામોમાં  વાર્ષિક ધોરણે 39.10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2722.02 લાખની કુલ આવક, 25.30 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 301.84 લાખનો ચોખ્ખો નફો અને 31.02 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 529.33 લાખનો એબિટા નોંધાવ્યો છે. એ ગ્રુપની 712 કંપનીઓમાંથી 675 કંપનીઓના ભાવ વધ્યા, 37 કંપનીઓના ભાવ ઘટ્યા. બી ગ્રુપની 1,281 કંપનીઓમાંથી 260 કંપનીઓના ભાવ વધ્યા, 1,238 કંપનીઓના ભાવ ઘટ્યા અને 43 કંપનીઓના ભાવ સ્થિર રહ્યા હતા.

બીએસઈ 100માં 95 કંપનીઓ વધી, 5ાંચ કંપનીઓ ઘટી હતી. બીએસઈ 200માં 190 કંપનીઓ વધી, 10 કંપનીઓ ઘટી હતી. બીએસઈ 30માં 27 કંપનીઓ વધી, 3 કંપનીઓ ઘટી. બીએસઈ 500માં 474 કંપનીઓ વધી, 26 કંપનીઓ ઘટી. મિડકેપની 131 કંપનીઓ વધી, 6 કંપનીઓ ઘટી હતી. સ્મોલ કેપની 936 કંપનીઓ વધી, 42 કંપનીઓ ઘટી હતી.
સપ્તાહ દરમિયાન બીએસઈ અને એનએસઈ પરની સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની (ડીઆઈઆઈ)ની સંયુક્ત રૂ. 75,135.63 કરોડની ખરીદી અને વેચવાલી રૂ. 63,487.88 કરોડની રહી. આમ સ્થાનિક સંસ્થાઓની રૂ. 11,647.75 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઈઆઈ) રૂ. 77,762.22 કરોડની ખરીદી અને રૂ. 74,466.57 કરોડની વેચવાલી રહી હતી. આમ એફઆઈઆઈની રૂ. 3,295.65 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button