નિલેશ વાઘેલા
મુંબઇ: વિશ્વબજારના સંકેત પાછળ સ્થાનિક બજારમાં પણ તેજીના ઉછાળા જોવા મળ્યા હતા અને અફડાતફડીમાંથી પસાર થતાં સેન્સેક્સે આ લખાઇ રહ્યું છે ત્યારે ૧૩૦૦ની સપાટી વટાવી નાંખી હતી. સેન્સેક્સે ૮૨,૭૦૦ની અને નિફ્ટીએ ૨૫,૩૦૦ની સપાટી વટાવી નાંખી છે. યાદ રહે નિફ્ટી માટે ૨૫,૩૦૦ની સપાટી નિર્ણાયક છે.
એચડીએફસી બેંક, ભારતી એરટેલ જેવા શેરોમાં જોરદાર લેવાલી અને સુધારો રહેતા સેન્સેક્સ સરળતાથી ૮૨,૦૦૦ પોઈન્ટની અને નિફ્ટીએ ૨૫,૦૦૦ પોઇન્ટનું સ્તર ફરીથી હાંસલ કરી લીધીં હતું. સવારના જ સત્રમાં બીએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૫.૧૪ લાખ કરોડ વધીને રૂ. ૪૬૫.૯ લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું.
| Also Read: Stock Market: શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, નિફ્ટી 25 હજારને પાર, આ શેરોમાં વધારાની આશા
વિશ્વબજારમાં ફેડરલનો ફફડાટ હળવે થવાના સંકેત સાથે ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે દોઢેક ટકા વધ્યા હતા. અમેરિકાના ગ્રાહક ભાવાંક આધારિત ઇન્ફલેશન ઇન્ડેક્સના ડેટા બજારની અપેક્ષા મુજબના રહ્યાં હોવાથી ફેડરલ રિઝર્વ દ્વારા ૨૫ બેસિસ પોઈન્ટ રેટ કટની આગાહી સાચી ઠરશે એવી અટકળો પ્રબળ બની હતી.
નવીનતમ યુએસ ફુગાવાના આંકડા બજારો માટે એકંદરે હકારાત્મક છે. ઓગસ્ટ સીપીઆઇ ફુગાવો ૦.૨ ટકા પર આવીને બાર મહિનાનો ફુગાવો ૨.૯ ટકાથી ઘટીને ૨.૫ ટકા થયો છે. આનાથી સપ્ટેમ્બરમાં ફેડરલ દ્વારા દરમાં ઘટાડો કરવાનો માર્ગ મોકળો થશે.
જોકે એ પણ ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે, કોર ફુગાવો ૩.૨ ટકાના ઊંચા સ્તર પર રહ્યો હોવાથી ફેડરલ સાવચેત અભિગમ અપનાવશે અને પચાસ બેસિસ પોઇન્ટના રેટ કટથી દૂર રહેવાનું પસંદ કરીને ૨૫ બેસિસ પોઇન્ટની વ્યાજ કપાત પર કળશ ઢોળશે.