
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં છઠ્ઠા દિવસની આગેકૂચમાં સેન્સેક્સે ૧,૦૭૮ પોઈન્ટ ઊછળ્યો જ્યારે નિફટીએ ૨૩૬૫૦ની સપાટી પાર કરી નાંખી છે. સેન્સેક્સ સત્ર દરમિયાન ૧૨૦૦ પોઇન્ટ જેટલો ઉછળી અંતે ૧,૦૭૮.૮૭ પોઈન્ટના સુધારા સાથે ૭૭,૯૮૪.૩૮ની છ સપ્તાહની ઊંચી સપાટીએ સ્થિર થયા હતોે. જ્યારે એનએસઇનો નિફ્ટી ૩૦૭.૯૪ પોઇન્ટ અથવા તો ૧.૩૨ ટકા ઉછળીને ૨૩,૬૫૮.૩૫ની સપાટી પર સ્થિર થયો હતો.
આ ઉછાળા સાથે બીએસઇમાં લિસ્ટેડ તમામ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. ૫.૨ લાખ કરોડનો ઉમેરો થયો છે. સોમવાર સુધીની છ દિવસની તેજીમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ઓછી થતાં સેન્સેક્સ ૪,૧૦૦ પોઈન્ટ અથવા ૫ાંચ ટકાથી વધુ ઊછળ્યોે છે. જ્યારે બ્રોડ બેઝ ધરાવતો નિફ્ટી ઇન્ડેક્સ ૧૭ માર્ચથી સોમવાર સુધીમાં ૧,૨૬૦ પોઈન્ટ અથવા ૫.૫ ટકા ઊછળ્યો છે.
આ પણ વાંચો: અઠવાડિયાના પેહલા દિવસે શેરબજારમાં રોનક, સેન્સેક્સ-નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યા…
માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, વેલ્યુએશન્સ લાંબા ગાળાના સરેરાશ પર પાછા ફરવા સાથે કોર્પોરેટ ક્ષેત્રની કમાણીની વૃદ્ધિમાં સુધારો થવાના પ્રારંભિક સંકેતો મળવાને કારણે વેલ્યુ બાઇંગ પણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત સરકારી ખર્ચમાં વધારો અને અપેક્ષિત નાણાકીય હળવાશથી બેંકિંગ, એફએમસીજી, ઓટો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ એસ્ટેટ જેવા વ્યાજદ દર સાથે સંવેદનશીલતા ધરાવતા ક્ષેત્રોમાં આશાવાદ વધશે તેવી અપેક્ષા છે.
એનટીપીસી, કોડક મહિન્દ્રા બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, એચસીેલ ટેક, રિલાયન્સ ઇન્ડસટ્રીઝ અને બજાજ ફાઇનાન્સના શેર સેન્સેક્સના ટોપ ગેઇનર્સની યાદીમાં સ્થાન પામ્યા હતા. જ્યારે ટાઇટન, ઇન્ડસઇન્ડ બેન્ક, ઝોમેટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, નેસ્લે અને ઇન્ફોસિસ સૌથી વધુ ગબડનારા શેરોની યાદીમાં સ્થાન પામ્યા હતા.
આ પણ વાંચો: સેબીના નવા ચેરમેનની અધ્યક્ષતામાં પહેલી બોર્ડ મીટિંગ આજે…
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે યુએસ અને યુરોપિયન બજારોમાં સકારાત્મક વલણને કારણે સ્થાનિક ઇક્વિટીમાં તેજી જોવા મળી હતી. રૂપિયામાં તીવ્ર સુધારાથી પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને પ્રોત્સાહન મળ્યું હતુ. સેન્સેક્સ, નિફ્ટી અને રૂપિયાએ આ સત્રના ઉછાળા સાથે વર્ષ ૨૦૨૫ના અત્યાર સુધીના સંપૂર્ણ ઘટાડાને પચાવી લેવામાં સફળતા મેળવી લીધી છે.
બજારને મુખ્યરૂપે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સુધારા સાથે સ્થાનિક સ્તરે એફઆઇઆઇની વધી રહેલી લેવાલીને કારણે તેજીનું ઇંધણ મળ્યું હતું. એફઆઇઆઇએ પાછલા સત્રમાં નોંધાવેલી રૂ. ૭૪૭૦.૩૬ કરોડની લેવાલીને કારણે તેજીનો માહોલ રચાયો હતો અને એ સાથે આ સપ્તાહના પાછલા ભાગમાં આવી રહેલી એફએન્ડઓ સેગમેન્ટની એક્સપાઇરીને ધ્યાનમાં રાખી બજારના ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા શોર્ટ કવરિંગને કારણે પણ બેન્ચમાર્કને ટેકો મળ્યો હતો.